Gandhinagar News: ગુજરાતમાં 5 એપ્રિલથી શરૂ થનારી વસ્તી ગણતરી હાલ પૂરતી મોકૂફ રાખવામાં આવી છે. રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ જાહેર થતાં, જનગણના વિભાગે આ કામગીરીને મુલતવી રાખવા માટે સરકાર સમક્ષ દરખાસ્ત કરી હતી, જેને મંજૂરી મળી ગઈ છે. વસ્તી ગણતરીની નવી તારીખો હવે પછી જાહેર કરવામાં આવશે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પ્રક્રિયાને કારણે વસ્તી ગણતરીના કાર્યમાં અવરોધ ન આવે તે હેતુથી આ નિર્ણય લેવાયો છે.
દેશભરમાં વસ્તી ગણતરીનો પ્રથમ તબક્કો 1 એપ્રિલથી શરૂ થઈ ગયો છે, જે સપ્ટેમ્બર 2026 સુધી ચાલશે. આ તબક્કામાં મકાનોની ગણતરી (હાઉસ લિસ્ટિંગ) કરવામાં આવી રહી છે. ત્યારબાદ, ફેબ્રુઆરી 2027માં બીજા તબક્કામાં લોકોની જાતિ સંબંધિત વિગતો એકત્રિત કરવામાં આવશે. આઝાદી પછી પહેલીવાર જાતિ આધારિત વસ્તી ગણતરી થશે, જે છેલ્લે ૧૯૩૧માં થઈ હતી.
આ વસ્તી ગણતરી દરમિયાન કુલ 33 પ્રશ્નો પૂછવામાં આવશે. આ વખતે પ્રથમવાર સંપૂર્ણપણે ડિજિટલ માધ્યમથી વસ્તી ગણતરી હાથ ધરવામાં આવશે. ગણતરી કરનારા કર્મચારીઓ મોબાઈલ એપ દ્વારા સીધા પોતાના સ્માર્ટફોન પર ડેટા એકત્રિત કરશે, જેનાથી સમય અને શ્રમ બચશે. મકાનોની ગણતરીમાં જિયો-રેફરન્સિંગ ટેકનિકનો ઉપયોગ થશે, જેથી કોઈ મકાન ગણાઈ જવાનું રહી ન જાય કે કોઈની બે વાર ગણતરી ન થાય.
નાગરિકોએ એ પણ ધ્યાનમાં રાખવું જરૂરી છે કે, વસ્તી ગણતરી દરમિયાન તમારી આવક, બેંક બેલેન્સ, બેંક ખાતા નંબર, OTP (ઓટીપી) જેવી ખાનગી વિગતો કે આધાર, પાન જેવા ઓળખપત્રો બતાવવા માટે દબાણ કરવામાં આવે તો તેની માહિતી આપવી ફરજિયાત નથી. આ બાબતો વસ્તી ગણતરીના કાર્યક્ષેત્રમાં આવતી નથી.
નોંધનીય છે કે, રાજ્યમાં 26 એપ્રિલે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ યોજાવાની છે. જેમાં 15 મહાનગરપાલિકા, 84 નગરપાલિકા, 34 જિલ્લા પંચાયત અને 260 તાલુકા પંચાયતોની કુલ 10 હજારથી વધુ બેઠકો માટે મતદાન થશે. મતદાન સવારે 7 થી સાંજે 6 વાગ્યા સુધી ચાલશે. જો કોઈ સ્થળે પુનઃમતદાનની જરૂર પડશે તો તે 27 એપ્રિલે યોજાશે, અને મતગણતરી 28 એપ્રિલે હાથ ધરાશે. આ ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ જ વસ્તી ગણતરીની નવી તારીખો જાહેર કરાય તેવી શક્યતા છે.
