Loading...

બજેટ પૂર્વે આંગણવાડી બહેનોએ મોરચો માંડ્યોઃ હાઈકોર્ટના હુકમ છતાં વેતનમાં વધારો નહીં થતાં સરકારને અલ્ટીમેટમ આપ્યું

નવા મજૂર કાયદાના વિરુદ્ધ દેશવ્યાપી હડતાળમાં પણ આંગણવાડી કાર્યકરો જોડાશે. રજા રિપોર્ટ ભરીને કામથી અળગા રહીને વિરોધ નોંધાવશે.

By: Sanket ParekhEdited By: Sanket Parekh Publish Date: Thu 05 Feb 2026 11:34 PM (IST)Updated: Thu 05 Feb 2026 11:34 PM (IST)
anganwadi-workers-protest-before-budget-give-ultimatum-to-gujarat-government-over-salary-hike-686532
HIGHLIGHTS
  • ગત ઓગસ્ટ મહિનામાં હાઈકોર્ટે આંગણવાડી વર્કર અને હેલ્પરનો પગાર વધારવાનો આદેશ આપ્યો હતો

Anganwadi Workers Protest: ગુજરાત હાઈકોર્ટના હુકમ પ્રમાણે આંગણવાડી બહેનોના પગારમાં વધારો નથી કરવામાં આવી રહ્યો, જેના કારણે રાજ્યની 1.40 લાખ જેટલા આંગણવાડી કાર્યકરો અને સહાયકોએ હવે સરકારને આવનારા બજેટમાં પગાર વધારાની જાહેરાત કરવા માટે અલ્ટીમેટમ આપ્યું છે.

હકીકતમાં ગત ઓગસ્ટ મહિનામાં ગુજરાત હાઈકોર્ટ દ્વારા સરકારને 6 મહિનાની અંદર રાજ્યભરની આંગણવાડી કાર્યકરોનો માસિક પગાર વધારીને 24,800 તેમજ સહાયકોનો પગાર 20,300 કરવાનો આદેશ આપ્યો હતો. જેની મુદ્દત આગામી 20 ફેબ્રુઆરીએ પૂર્ણ થવા જઈ રહી છે, જેની પહેલા 16મી ફેબ્રુઆરીએ ગુજરાતનું બજેટ રજૂ કરવામાં આવશે.

આથી ગુજરાત સરકાર પોતાના નાણાંકીય બજેટમાં આંગણવાડી કાર્યકરો અને સહાયક બહેનોના પગારમાં હાઈકોર્ટના હુકમ પ્રમાણે વધારો કરે તેવી માંગણી કરવામાં આવી છે.

આ સંદર્ભે આજે રાજકોટમાં મોટી સંખ્યામાં આંગણવાડી બહેનો એકઠી થઈ હતી. જેમણે યુનિયનના હોદ્દેદારો સાથે મળીને જિલ્લા કલેક્ટરની કચેરીએ 17 માંગણીઓ સાથેનું આવેદન આપ્યું હતુ.

આ સાથે જ આંગણવાડી બહેનોએ આગામી 12 ફેબ્રુઆરીએ નવા મજૂર કાયદાના વિરોધમાં જાહેર દેશવ્યાપી હડતાળમાં પણ સામેલ થવાની જાહેરાત કરી છે. જે અંતર્ગત આ દિવસે બહેનો રજા રિપોર્ટ ભરીને કામથી અળગી રહેશે.

છેલ્લે 2022માં ચૂંટણી ટાણે સરકારે આંગણવાડી કાર્યકરોનો પગાર વધાર્યો હતો
અગાઉ ગુજરાત સરકારે 2022માં ચૂંટણી ટાણે પગાર વધારો કર્યો હતો. જો કે તે પછી 3 બજેટ પૂર્ણ થઈ ગયા છે. આગામી 16 ફેબ્રુઆરીને નવું બજેટ રજૂ કરવામાં આવશે.

અગાઉ 20 ઓગસ્ટના રોજ હાઈકોર્ટે આંગણવાડી અને આશાવર્કરોના પગારમાં વધારો કરવા માટે રાજ્ય સરકારને આદેશ આપ્યો હતો. આમ છતાં હજુ સુધી સરકાર દ્વારા આ મામલે કોઈ પગલા લેવામાં નથી આવ્યા. જેથી સરકાર દ્વારા બજેટમાં હાઈકોર્ટના હુકમ પ્રમાણે પગારમાં વધારો કરે તેવી માંગણીએ જોર પકડ્યું છે.