Loading...

સરકારી કચેરીના નહીં ખાવા પડે ધક્કાઃ 1 એપ્રિલથી 18 પ્રમાણપત્રો ઓનલાઈન મળશે, રાજ્યના 80 લાખ પરિવારોને સીધો લાભ થશે

આગામી 1 એપ્રિલથી આ 18 પ્રકારના દાખલા અને પ્રમાણપત્રો ઘરે બેઠા ઓનલાઈન જ મેળવી શકાશે, જે 70થી 80 લાખ પરિવારો માટે રાહતરૂપ સાબિત થશે.

By: Rakesh ShuklaEdited By: Rakesh Shukla Publish Date: Wed 04 Feb 2026 06:52 PM (IST)Updated: Wed 04 Feb 2026 06:52 PM (IST)
18-govt-certificates-available-online-in-gujarat-services-to-start-april-1-685851

Gandhinagar News: ગુજરાત સરકારે રાજ્યના નાગરિકોને સરકારી સેવાઓનો લાભ વધુ સરળતાથી મળે તે માટે એક મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. આગામી 1 એપ્રિલથી આવકનો દાખલો, જાતિનું પ્રમાણપત્ર સહિત કુલ 18 પ્રકારના વિવિધ સરકારી પ્રમાણપત્રો ઓનલાઈન ઉપલબ્ધ બનશે. આ નિર્ણયથી રાજ્યના અંદાજે 80 લાખ પરિવારોને સીધો ફાયદો થશે અને સરકારી કચેરીઓના ધક્કા ખાવામાંથી મુક્તિ મળશે.

શાળા પ્રવેશ અને અન્ય સેવાઓ સરળ બનશે

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ ગાંધીનગરમાં યોજાયેલી રાજ્ય કેબિનેટની મહત્વપૂર્ણ બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ માહિતી આપતા જણાવ્યું હતું કે, દર વર્ષે શાળા પ્રવેશના સમયે વિદ્યાર્થીઓ અને વાલીઓને આવકનો દાખલો અને જાતિનું પ્રમાણપત્ર જેવા અનેક દસ્તાવેજોની જરૂર પડતી હોય છે. આ પ્રમાણપત્રો મેળવવા માટે સરકારી કચેરીઓમાં લાંબી કતારો જોવા મળતી હતી, જેના કારણે વાલીઓને સમયસર પ્રવેશની ચિંતા સાથે દાખલા મેળવવામાં પણ મુશ્કેલી પડતી હતી.

આવક અને જાતિના દાખલા સહિત 18 સેવાઓ ફેસલેસ

આ સમસ્યાને દૂર કરવા માટે મુખ્યમંત્રીએ અધિકારીઓને સમગ્ર પ્રક્રિયાને ઓનલાઈન અને ફેસલેસ બનાવવા માટે સૂચના આપી હતી. આ પહેલના પરિણામે હવે નાગરિકોને વિવિધ સરકારી કચેરીઓના ચક્કર લગાવવાની જરૂર રહેશે નહીં. આગામી 1 એપ્રિલથી આ 18 પ્રકારના દાખલા અને પ્રમાણપત્રો ઘરે બેઠા ઓનલાઈન જ મેળવી શકાશે, જે 70થી 80 લાખ પરિવારો માટે રાહતરૂપ સાબિત થશે. આ ડિજિટલ પહેલ રાજ્યમાં સુશાસનને વેગ આપશે અને સમયની સાથે નાણાંની પણ બચત કરશે.

કૃષિ વિભાગની ડિજિટલ પહેલ

આ ઉપરાંત, કૃષિ વિભાગ દ્વારા અત્યાર સુધીમાં 59 લાખ લાભાર્થીઓનું ફાર્મર રજિસ્ટ્રેશન પણ સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યું છે, જે સરકારી સેવાઓને ડિજિટલ પ્લેટફોર્મ પર લાવવાની દિશામાં વધુ એક મહત્વપૂર્ણ કદમ છે.

મંત્રી વાઘાણીએ કોંગ્રેસના નેતાઓ દ્વારા કલાકારો પર કરવામાં આવેલી ટિપ્પણીઓ મુદ્દે પણ પ્રતિક્રિયા આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, ભૂપેન્દ્ર પટેલની સરકાર ભવાઈ કરતા કલાકારનું પણ સન્માન કરે છે. કલાકારો સાહિત્ય અને સાંસ્કૃતિક વારસાને જીવંત રાખે છે, તેથી તેમના પર કોઈ ટીકા કે ટિપ્પણી થવી ન જોઈએ. કોંગ્રેસ સનાતન વિરોધી વલણ અને વોટબેંકની રાજનીતિ કરી રહી છે.