Western Railway: પશ્ચિમ રેલવેના સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર, સાપ્તાહિક ટ્રેન નંબર 22905/22906 ઓખા-શાલીમાર એક્સપ્રેસમાં આ ફેરફાર લાગુ કરવામાં આવશે. ટ્રેન નંબર 22905 ઓખા-શાલીમાર એક્સપ્રેસ 2 ઓગસ્ટ, 2026 થી LHB રેક સાથે દોડશે, જ્યારે વળતી મુસાફરીમાં ટ્રેન નંબર 22906 શાલીમાર-ઓખા એક્સપ્રેસમાં 4 ઓગસ્ટ, 2026 થી આ આધુનિક સુવિધા ઉપલબ્ધ થશે.
LHB કોચના ફાયદા
LHB કોચ પોતાની શ્રેષ્ઠ સુરક્ષા અને વધુ સારી રાઇડિંગ ક્વોલિટી માટે જાણીતા છે. ICF કોચની સરખામણીએ આ કોચમાં મુસાફરોને આ મુજબના ફાયદા મળશે-
ઉન્નત સુરક્ષા: LHB કોચ અકસ્માત સમયે એકબીજા પર ચડી જતા નથી, જે મુસાફરોની સુરક્ષામાં મોટો વધારો કરે છે.
આરામદાયક મુસાફરી: આ કોચમાં ઝટકા ઓછા લાગે છે અને તે વધુ સ્થિરતા પ્રદાન કરે છે, જેનાથી લાંબા અંતરની મુસાફરી થાક મુક્ત બને છે.
આધુનિક સુવિધાઓ: વધુ સારી સીટીંગ વ્યવસ્થા અને સુધારેલ ઈન્ટીરીયર ડિઝાઇન.

ટ્રેનની નવી રચના
આ ટ્રેન હવે કુલ 22 આધુનિક કોચ સાથે દોડશે, જેમાં નીચે મુજબના વર્ગોનો સમાવેશ થાય છે:
- 1 ફર્સ્ટ એસી કોચ
- 2 સેકન્ડ એસી કોચ
- 6 થર્ડ એસી કોચ
- 6 સ્લીપર ક્લાસ કોચ
- 4 જનરલ કોચ
- 1 પેન્ટ્રી કાર
- 1 લગેજ વાન અને 1 જનરેટર વાન
રેલવેના આ પગલાથી ઓખાથી શાલીમાર સુધીની મુસાફરી કરનારા હજારો મુસાફરોને મોટી રાહત મળશે. રેલવે તંત્ર દ્વારા તેના નેટવર્કમાં સતત આધુનિકીકરણની પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે, જેના ભાગરૂપે આ ફેરફારને જોવામાં આવી રહ્યો છે. મુસાફરોને આ નવી વ્યવસ્થાનો લાભ લેવા માટે સમયપત્રકમાં ફેરફાર કે અન્ય વિગતો માટે અધિકૃત વેબસાઈટ તપાસવા વિનંતી છે.
