Devbhumi Dwarka: સૌરાષ્ટ્ર સહિત સમગ્ર ગુજરાતમાં હ્રદય સબંધિત બીમારી ગંભીર રીતે વધી રહી છે. ખાસ કરીને કોવિડ પછી શિયાળામાં હાર્ટ એટેકના કેસોમાં ચિંતાજનક વધારો જોવા મળી રહ્યો છે. એકદમ તંદુરસ્ત લાગતા યુવાનો ઉપરાંત સ્કૂલમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ પણ અચાનક હ્રદય રોગના હુમલાથી મોતને ભેટી રહ્યા છે, ત્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકાના મોવાણ ગામે આવો જ એક કરૂણ બનાવ સામે આવ્યો છે.
જેમાં લગ્ન પ્રસંગ નિમિત્તે રાસની રમઝટ બોલાવતી 16 વર્ષીય સગીરા અચાનક ઢળી પડી મોતને ભેટી છે. જેના પગલે લગ્નના મંગળ ગીતોનું સ્થાન પરિવારના હૈયાફાટ આક્રંદે લઈ લીધુ હતુ. તબીબોએ સગીરાને હાર્ટ એટેક આવ્યો હોવાનો મત આપ્યો છે.
ગઢકા ગામની સંધ્યાને રાસ રમતા-રમતા બેભાન થઈ ઢળી પડી
દેવભૂમિ-દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના ગઢકા ગામની સંધ્યા ડાભી (16) નામની સગીરા ખંભાળિયાના મોવાણ ગામે આયોજિત પોતાના પિતાના મામાના ઘરે લગ્ન પ્રસંગમાં હાજરી આપવા આવી હતી. જ્યાં સોમવારે રાતના સમયે રાસ-ગરબાનો કાર્યક્રમ રાખ્યો હોવાથી પરિવારજનો ઉપરાંત સગા-સબંધીઓ હર્ષોલ્લાસ સાથે ગરબે ઘૂમી રહ્યા હતા.
આ દરમિયાન રાસ રમતી સંધ્યા અચાનક છાતી પકડીને બેભાન થઈને ઢળી પડી હતી. જેના પગલે તાત્કાલિક પરિવારજનો દોડી આવ્યા હતા અને સંધ્યાને સારવાર અર્થે હોસ્પિટલ લઈ ગયા હતા. જ્યાં સારવાર મળે તે પહેલા જ ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કરી હતી.
હસતી-રમતી દીકરીના અચાનક નિધનથી ડાભી પરિવારના માથે આભ તૂટી પડ્યું હતુ. જે ઘરેથી જાન વિદાય થવાની હતી, ત્યાંથી લાડકીની અંતિમ યાત્રા નીકળતા સમગ્ર પંથકમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
