Loading...

ગુજરાતમાં બનશે 11 નવા ગ્રીનફિલ્ડ એરપોર્ટ, જાણો કયા શહેરોને મળશે હવાઈ સેવાનો લાભ?

પ્રસ્તાવિત નવા શહેરોમાં 3 પ્રવાસન અને 3 ઔદ્યોગિક વિસ્તારનો સમાવેશ થયો.

By: Purvalak DabhiEdited By: Purvalak Dabhi Publish Date: Thu 26 Mar 2026 09:04 AM (IST)Updated: Thu 26 Mar 2026 09:07 AM (IST)
gujarat-11-new-greenfield-airport-proposed-cities-under-udan-2-scheme-715530
HIGHLIGHTS
  • ગુજરાતમાં બનશે 11 નવા એરપોર્ટ
  • ઉડાન 2.0 યોજના હેઠળ મળી મંજૂરી
  • પ્રવાસન અને ઉદ્યોગ ક્ષેત્રે મળશે વેગ

Gujarati new greenfield airport: કેન્દ્ર સરકારની ડોમેસ્ટિક એર કનેક્ટિવિટીને મજબૂત કરવાની પહેલ અંતર્ગત મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. 'ઉડાન 2.0' (UDAN 2.0) યોજના માટે કેન્દ્ર સરકારે રૂ. 28,840 કરોડની મંજૂરી આપી છે, જે હેઠળ દેશભરમાં 100 નવા એરપોર્ટ બનાવવાની જાહેરાત કરવામાં આવી છે. આ મહત્વાકાંક્ષી યોજના અંતર્ગત ગુજરાતમાં 11 નવા ગ્રીનફિલ્ડ એરપોર્ટ પ્રસ્તાવિત કરવામાં આવ્યા છે. જેનો મુખ્ય હેતુ રાજ્યમાં પર્યટન, ઔદ્યોગિક વિકાસ અને પ્રાદેશિક કનેક્ટિવિટીને વધુ મજબૂત કરવાનો છે.

અમદાવાદ એરપોર્ટનું ભારણ ઘટશે

હાલમાં ગુજરાતમાં કુલ 19 એરપોર્ટ આવેલા છે, જેમાં 3 ઇન્ટરનેશનલ અને 9 ડોમેસ્ટિક એરપોર્ટનો સમાવેશ થાય છે. બાકીના ડિફેન્સ અને પ્રાઇવેટ એરસ્ટ્રીપ છે. કુલ 19 એરપોર્ટ હોવા છતાં, તેમાંથી માત્ર 8 થી 10 એરપોર્ટ જ નિયમિત રીતે સક્રિય હોવાથી રાજ્યનો મોટાભાગનો હવાઈ ટ્રાફિક અમદાવાદ એરપોર્ટ પર કેન્દ્રિત થાય છે. આ નવા 11 એરપોર્ટના નિર્માણથી અમદાવાદ એરપોર્ટ પરનું ભારણ નોંધપાત્ર રીતે ઘટશે.

કયા 11 શહેરોમાં બનશે એરપોર્ટ?

ગુજરાતમાં પ્રસ્તાવિત નવા એરપોર્ટ માટે અંકલેશ્વર, મોરબી, રાજપીપળા, બોટાદ, દ્વારકા, ધોરડો (કચ્છ), રાજુલા, દાહોદ, અંબાજી, ધોળાવીરા અને પાલિતાણાની પસંદગી કરવામાં આવી છે. આ યાદીમાં 3 પ્રવાસન અને 3 ઔદ્યોગિક વિસ્તારોનો ખાસ સમાવેશ કરવામાં આવ્યો છે. આદિવાસી વિસ્તાર દાહોદ માટે આ પ્રોજેક્ટ ગેમ-ચેન્જર સાબિત થશે, કારણ કે એરપોર્ટ બનવાથી અહીં પ્રથમ વખત મજબૂત હવાઈ કનેક્ટિવિટી મળશે, જે સ્થાનિક રોકાણ અને વિકાસને ગતિ આપશે.

ઉદ્યોગો-પ્રવાસન ક્ષેત્રને મળશે 'બૂસ્ટ'

  • ઔદ્યોગિક ફાયદો: કેમિકલ હબ તરીકે જાણીતા અંકલેશ્વર અને સિરામિક એક્સપોર્ટના કેન્દ્ર સમાન મોરબીમાં એરપોર્ટ બનવાથી બિઝનેસ ટ્રાવેલ અને લોજિસ્ટિક્સને નવી ઉડાન મળશે.
  • ધાર્મિક અને ઐતિહાસિક પર્યટન: આ પ્રોજેક્ટનો સીધો લાભ રાજ્યના મુખ્ય ધાર્મિક અને પર્યટન સ્થળોને થશે. જેમાં દ્વારકા, અંબાજી, યુનેસ્કો હેરિટેજ ધોળાવીરા, જૈન તીર્થ પાલીતાણા અને રણ ઉત્સવ માટે પ્રખ્યાત ધોરડો સુધી પહોંચવું હવે વધુ સરળ બનશે. જેનાથી પ્રવાસીઓની સંખ્યામાં વધારો થશે અને રોજગારીની નવી તકો ઊભી થશે.

આ પણ વાંચો: અવિરત ગુજરાત, વિકસિત ગુજરાતઃ છેલ્લા 2 દાયકામાં ગુજરાત બન્યું નોંધપાત્ર શહેરીકરણનું સાક્ષી

શું છે પ્રોજેક્ટ્સની વર્તમાન સ્થિતિ?

આ 11 પ્રોજેક્ટમાંથી દ્વારકા (ધાર્મિક પર્યટન) અને દાહોદ (આદિવાસી અને ઔદ્યોગિક) સૌથી આગળ છે, જ્યાં જમીન અધિગ્રહણની પ્રક્રિયા પણ શરૂ કરી દેવામાં આવી છે.

  • અંકલેશ્વર: આંશિક રીતે તૈયાર છે.
  • મોરબી: એરપોર્ટ માટે સ્ટડી પૂર્ણ થઈ ગઈ છે.
  • ધોળાવીરા, ધોરડો અને રાજપીપળા: આ સ્થળોને ટેકનિકલ રીતે વ્યાવહારિક માનવામાં આવ્યા છે, અને ફિઝિબિલિટીની તપાસ ચાલી રહી છે.
  • અંબાજી: પ્રોજેક્ટ હજુ આયોજનના તબક્કામાં છે.
  • બોટાદ, રાજુલા અને પાલિતાણા: પ્રેક્ટિકલ પડકારો અને ઓછી વાયબિલિટી હોવાને કારણે અહીં પ્રોજેક્ટની પ્રગતિ ધીમી છે.