Loading...

Dwarka Fuldol Utsav: દ્વારકાધીશ મંદિરમાં ભવ્ય ફૂલડોલ ઉત્સવ, જાણો દર્શન માટે નવો રૂટ અને પાર્કિંગ વ્યવસ્થા

યાત્રિકો હાથી ગેટથી ગોમતી ઘાટના દર્શન કરી છપ્પન સીડીથી મંદિરમાં પ્રવેશ કરી શકશે.

By: Purvalak DabhiEdited By: Purvalak Dabhi Publish Date: Sat 28 Feb 2026 10:00 AM (IST)Updated: Sat 28 Feb 2026 10:00 AM (IST)
dwarka-fuldol-utsav-2026-darshan-new-route-and-parking-arrangements-699899
HIGHLIGHTS
  • આગામી 3 માર્ચ, મંગળવારે યોજાશે ફૂલડોલ ઉત્સવ
  • દર્શનાર્થીઓની સુવિધાઓને લઈ માસ્ટર પ્લાન તૈયાર
  • વાહન પ્રવેશબંધી અને પાર્કિંગ સુવિધા જાહેર કરાઈ

Dwarka Fuldol Utsav 2026: દેશના પ્રમુખ તીર્થ ક્ષેત્ર અને ભગવાન શ્રી કૃષ્ણની કર્મભૂમિ દ્વારકામાં આગામી 3 માર્ચ, મંગળવારના રોજ ફૂલડોલ ઉત્સવ યોજાશે. ત્યારે આ પાવન અવસરે ઉમટી પડનારા પદયાત્રિકો અને દર્શનાર્થીઓની સુવિધા માટે દ્વારકાધીશ દેવસ્થાન સમિતિના અધ્યક્ષ અને જિલ્લા કલેક્ટર રાજેશ તન્ના દ્વારા એક ફૂલપ્રૂફ માસ્ટર પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે.

મંગળવારે ભવ્ય ફૂલડોલ ઉત્સવ યોજાશે

દ્વારકાધીશ મંદિર ખાતે આગામી 3 માર્ચ, મંગળવારના રોજ ભવ્ય ફૂલડોલ ઉત્સવ યોજાવા જઈ રહ્યો છે. આ પ્રસંગે સેંકડો ભાવિકો અને પદયાત્રિકો ઉમટી પડશે. ત્યારે દર્શનાર્થીઓની સુરક્ષા અને સુવિધાઓને લઈને જિલ્લા વહીવટી તંત્ર અને મંદિર ટ્રસ્ટ દ્વારા ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. આ વ્યવસ્થાને આખરી ઓપ આપતા પહેલા જિલ્લા કલેક્ટરે જાતે મંદિર સંલગ્ન તમામ વિસ્તારની મુલાકાત લઈને બારીક અવલોકન કર્યું હતું.

તૈયારીને આખરી ઓપ, માસ્ટર પ્લાન તૈયાર

ફૂલડોલ ઉત્સવને લઈને દ્વારકાધીશ દેવસ્થાન સમિતિના અધ્યક્ષ અને જિલ્લા કલેક્ટર રાજેશ તન્નાએ માસ્ટર પ્લાન તૈયાર કર્યો છે. જે અંતર્ગત પ્રાંત અધિકારી આમોલ આવટે, દેવસ્થાન સમિતિના વહીવટદાર હિમાંશુ ચૌહાણ, જિલ્લા પોલીસ વડા જયરાજસિંહ વાળા અને વિભાગીય પોલીસ અધિક્ષક સાગર રાઠોડ જેવા ઉચ્ચ અધિકારીઓ તેમજ સુરક્ષા વિભાગ અને સામાજિક સંસ્થાઓ સાથે સંકલન સાધીને સંપૂર્ણ તૈયારી પૂર્ણ કરવામાં આવી છે.

દર્શન માટે નવો રૂટ અને સુરક્ષા વ્યવસ્થા

નવા તૈયાર કરાયેલા પ્લાન મુજબ, યાત્રિકો હાથી ગેટથી ગોમતી ઘાટના દર્શન કરીને છપ્પન સીડી મારફતે મંદિરમાં પ્રવેશ કરી શકશે. દર્શનાર્થીઓની સુરક્ષા અને ભીડ નિયંત્રણ માટે હાથી ગેટથી એક કિલોમીટર સુધીનું બેરિકેટિંગ કવચ ઉભું કરવામાં આવશે. યાત્રિકોને કોઈ પણ પ્રકારની અગવડતા ન પડે તે હેતુથી મંદિર પરિસરમાં પણ મજબૂત સુરક્ષા કવચ ગોઠવવામાં આવ્યું છે.

વાહન પ્રવેશબંધી અને પાર્કિંગ સુવિધા

ટ્રાફિક સમસ્યા નિવારવા માટે જિલ્લા કલેક્ટર દ્વારા મંદિરને જોડતા જાહેર રસ્તાઓ પર વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ મૂકતું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. આ નિયમનો કડક અમલ થાય તે માટે પોલીસે ખાસ પોઈન્ટ ઊભા કર્યા છે. સાથે જ અખબારો તેમજ સોશિયલ મીડિયાના માધ્યમથી લોકોને માહિતગાર પણ કરવામાં આવ્યા છે. યાત્રિકોના વાહનો માટે હાથી ગેટ, દેવસ્થાન સમિતિના ઇસ્કોન ગેટ પાસે આવેલ યાત્રિક સંકુલ અને સનસેટ પોઈન્ટના ખુલ્લા ગ્રાઉન્ડમાં કામચલાઉ પાર્કિંગની સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે.