Loading...

Dwarka Fuldol Utsav: ફૂલડોલ ઉત્સવ પૂર્વે દ્વારકામાં હરિભક્તો ઉમટ્યા, પદયાત્રિકોનો પણ અવિરત પ્રવાહ; રાસ-ગરબા સાથે કરતબોની રમઝટ

આવતીકાલ 3 માર્ચ, મંગળવારના રોજ દ્વારકામાં ફૂલડોલ ઉત્સવ યોજાશે.

By: Purvalak DabhiEdited By: Purvalak Dabhi Publish Date: Mon 02 Mar 2026 04:37 PM (IST)Updated: Mon 02 Mar 2026 04:37 PM (IST)
devotees-throng-dwarka-ahead-of-dwarka-fuldol-utsav-2026-at-dwarkadhish-temple-701430
HIGHLIGHTS
  • આવતીકાલ 3 માર્ચ, મંગળવારે યોજાશે ફૂલડોલ ઉત્સવ
  • એક દિવસ પહેલા દર્શનાર્થીઓ દ્વારકા પહોંચવા લાગ્યા
  • આજે 2 માર્ચના રોજ પરંપરાગત રીતે હોળી પ્રાગટ્ય થશે

Dwarka Fuldol Utsav 2026: યાત્રાધામ દ્વારકામાં હોળી-ધૂળેટી પર્વની ઉજવણીનું અનેરું મહાત્મ્ય છે. આજે 2 માર્ચના પરંપરાગત રીતે હોળી પ્રાગટ્ય થશે. ગોમતી ઘાટ પાસે સાંજે સૌ પ્રથમ હોલિકા પ્રાગટ્ય થશે. ત્યારબાદ તેમાંથી અગ્નિદેવને લઈ જઈ તેના થકી અન્ય સ્થળોએ હોલિકા પ્રાગટ્ય થશે. ફાગણી પૂનમના દિવસે પવિત્ર ગોમતી નદીમાં સ્નાન કરવાનું વિશેષ મહત્વ હોવાથી હજારો ભાવિકો ગોમતી સ્નાનનો લાભ લેશે.

ફૂલડોલ ઉત્સવ પૂર્વે ભક્તોની ભીડ

આવતીકાલ 3 માર્ચ, મંગળવારના રોજ દ્વારકાધીશ મંદિર ખાતે ભાવભેર ફૂલડોલ ઉત્સવ ઉજવાશે. શ્રીજી સંગે રંગે રંગાવા તથા ફૂલડોલ ઉત્સવ ઉજવવા ભાવિકો, પદયાત્રીઓનો પ્રવાહ દ્વારકામાં અવિરત રીતે આવી રહ્યો છે. હાલ જગત મંદિરમાં દર્શનાર્થે ભાવિકોની ભીડ ઉમટી રહી છે. ફાગણ સુદ પૂનમના ગોમતી નદીમાં સ્નાન કર્યા બાદ શ્રીજીના દર્શનનો વિશેષ મહિમા હોય છે. ત્યારે હજારો ભાવિકો ગોમતી નદીમાં સ્નાન કરી પુણ્યનું ભાથું બાંધશે.

આજે સાંજે થશે ભવ્ય હોલિકા દહન

આજે સોમવારે સાંજે દ્વારકામાં પ્રથમ ગોમતી ઘાટ ખાતે હોલિકા પ્રાગટ્ય થશે. ત્યારબાદ તેમાંથી અગ્નિદેવને લઇ જઈ તેના થકી મંદિર ચોક, હોળી ચોક, માર્કેટ ચોક તથા અન્ય સ્થળોએ હોલીકાનું પ્રાગટ્ય થશે. દ્વારકામાં ફૂલડોલ ઉત્સવ ઉજવવા હાલ મોટી સંખ્યામાં ભાવિકો દ્વારકા પહોંચી આવી રહ્યા છે. જગત મંદિર પરિસરમાં ડીજેના તાલે ભજનો સાથે હજારો ભાવિકો રાસ રમ્યા હતા.

સેંકડો શ્રદ્ધાળુઓ-પદયાત્રિકોનું આગમન

ફૂલડોલ ઉત્સવ ઉજવવા માટે અલગ-અલગ પ્રાંતમાંથી આવતા પગપાળા શ્રદ્ધાળુઓ રસ્તામાં વિવિધ પ્રાચીન અર્વાચીન રાસ-ગરબા તથા કરતબો સાથે કૃષ્ણભૂમિ તરફ પ્રયાણ કરી રહ્યા છે. પદયાત્રિકોનું સેવાભાવી સંસ્થાઓ તથા સેવા કેમ્પના સંચાલકો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું. સાથે જ ભાવિકોને કોઈપણ પ્રકારની મુશ્કેલી ન પડે તે માટે સહિયારા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

ઠંડી-ગરમી અને તડકો-છાંયો બધુ એક તરફ રાખીને DJના સથવારે નાચતા-નાચતા અંતર કાપતા પદયાત્રિકોની કાળિયા ઠાકોર પ્રત્યેની લગની જ કંઈક અલગ હોય છે. પદયાત્રિકોનો જુસ્સો જોતા જ લાગે છે કે તેમની દ્વારકાધીશ પ્રત્યેની લગની કેટલી પ્રબળ છે.

3 માર્ચે પૂર્ણિમા, ફૂલડોલ ઉત્સવની ઉજવણી

દ્વારકાધીશ જગત મંદિરમાં સામાન્ય રીતે ફાગણ વદ એકમના રોજ ફૂલડોલ ઉત્સવ મનાવાય છે. પરંતુ આ વખતે ઉત્તરા ફાલ્ગુની નક્ષત્ર પૂર્ણિમાના દિવસે હોવાથી 3 માર્ચે પૂર્ણિમાના રોજ દ્વારકાધીશ જગત મંદિરમાં ધાર્મિક પરંપરા અનુસાર ભાવિકો સંગ ફૂલડોલ ઉત્સવની ઉજવણી કરવામાં આવશે.

મહાભોગ બાદ ઠાકોરજીની મહાઆરતી

જગત મંદિરના પૂજારીના જણાવ્યા અનુસાર, 3 માર્ચ મંગળવારના રોજ બપોરે 1:45 વાગ્યે ઠાકોરજીને ભીતરમાં (બંધ પડદે) ધાણી, દાળિયા, ખજૂર, સૂકોમેવો, પતાસા વગેરેનો મહાભોગ ધરાવ્યા બાદ નિજ સભાગૃહમાં બાલસ્વરૂપને ઝુલામાં સ્થાપન કરાવી ફૂલડોલ ઉત્સવ સ્વરૂપના દર્શન કરાવાશે. હોજમાં ફૂલોના ઝુલામાં બિરાજમાન બાળ સ્વરૂપને સિદ્ધ કરી શંખનાદ, ઢોલ નગારાના ગગનભેદી નાદ સાથે ઠાકોરજીની મહાઆરતીનો પ્રારંભ થશે.

ભક્તો સંગ ધુળેટી રમશે ઠાકોરજી 

આરતી પ્રારંભે કેસુડા, કેસર, જળ ચાંદીની પિચકારીમાં ભરી ઠાકોરજી સંગ ધૂળેટી રમાશે. ત્યારબાદ દ્વારકાધીશના શ્રી અંગ પર પધરાવવામાં આવેલ અબીલ-ગુલાલની છોળો (રંગ) ભાવિક ભક્તોને પ્રસાદીરૂપે ઉડાડવામાં આવશે. બપોરે 2 વાગ્યે ઠાકોરજીના રાજાધિરાજ સ્વરૂપના પૂર્ણ શૃંગાર સાથે શ્રી અંગ પર શંખ, ચક્ર, ગદા, પદ્મ તથા અલંકારો તેમજ સફેદ વસ્ત્રો સાથેના ઠાકોરજીના દૈદિપ્યમાન સ્વરૂપના દર્શન ખુલ્લા મૂકાશે.

ઉત્સવ આરતી બાદ દ્વારકાધીશ જગત મંદિરમાં બપોરે 2 થી 3 વાગ્યા સુધી ભાવિકો વચ્ચે ઠાકોરજી સન્મુખ અબીલ ગુલાલ વડે પરંપરાગત રીતે ફૂલડોલ ઉત્સવ ઉજવાશે. આ ઉપરાંત દેશ વિદેશમાં લાખો શ્રદ્ધાળુઓ ઓનલાઈન માધ્યમથી જગત મંદિરમાં થનારા ફૂલડોલ ઉત્સવને નિહાળશે.