Dang: વિશ્વમાં યુદ્ધની સ્થિતિ વચ્ચે કોંગ્રેસ માત્ર અફવા ફેલાવવાનું અને જનતાને ગેરમાર્ગે દોરવાનું કામ કરી રહી છે: ભાજપ

'કમળના ફૂલ વાળી સરકાર' માત્ર વચનો નથી આપતી, પરંતુ ઘરે-ઘરે નળથી જળ, શૌચાલય, મફત અનાજ અને આયુષ્માન કાર્ડ દ્વારા મફત સારવાર આપી જીવનની ગુણવત્તા સુધારી રહી છે.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Sat, 14 Mar 2026 10:18 PM (IST)Updated: Sat, 14 Mar 2026 10:18 PM (IST)
dang-news-jagdish-vishwakarma-attacks-congress-highlights-tribal-development-under-bjp
HIGHLIGHTS
  • ડાંગના આહવામાં ભાજપ પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માની ઉપસ્થિતિમાં બુથ કાર્યકર્તા સંમેલન યોજાયું
  • કોંગ્રેસે ગુલામીની માનસિકતા સાથે આદિવાસીઓનો વોટબેંક તરીકે ઉપયોગ કર્યો, જ્યારે ભાજપે વિકાસની મુખ્યધારામાં જોડ્યા

Dang: ભાજપ પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માની ઉપસ્થિતિમાં ડાંગ જિલ્લાના આહવા ખાતે ભાજપાનું 'બૂથ કાર્યકર્તા સંમેલન' યોજાયું હતું. જેમાં પ્રદેશ અધ્યક્ષે કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યાં હતા.

આ તકે જગદીશ વિશ્વકર્માએ જણાવ્યું કે, આઝાદીના દાયકાઓ સુધી કોંગ્રેસે આદિવાસી ભાઈ-બહેનો, ગરીબો અને ખેડૂતોની ક્યારેય ચિંતા કરી નથી. કોંગ્રેસની માનસિકતા હંમેશા એવી રહી હતી કે, જો આદિવાસી અને ગરીબ વર્ગ ભણી-ગણીને આગળ આવશે તો તેમની ગુલામી કોણ કરશે?

જો કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આદિવાસી સમાજને આ ગુલામીભરી માનસિકતામાંથી મુક્ત કરાવી વિકાસની મુખ્યધારામાં લાવવાનું ભગીરથ કાર્ય કર્યું છે.

એક સમય એવો હતો જ્યારે ડાંગને પછાત ગણી તેની અવગણના કરવામાં આવતી હતી, પરંતુ આજે ભાજપ સરકારના પ્રયાસોથી ડાંગના દરેક ગામડા પાકા રસ્તાઓથી જોડાયેલા છે. PM મોદીએ આદિવાસી વિદ્યાર્થીઓના ઉચ્ચ અભ્યાસ માટે શિષ્યવૃત્તિની આવક મર્યાદા રૂ. 2.5 લાખથી વધારીને રૂ. 6 લાખ કરી છે, જેથી છેવાડાના માનવીનો સંતાન પણ ઉચ્ચ શિક્ષણ મેળવી ઉજ્જવળ ભવિષ્ય બનાવી શકે.

ભાજપ અધ્યક્ષે રાહુલ ગાંધી અને કોંગ્રેસ પર કટાક્ષ કરતા કહ્યું કે, જ્યારે વિશ્વ યુદ્ધની સ્થિતિમાં છે ત્યારે કોંગ્રેસ માત્ર અફવાઓ ફેલાવવાનું અને જનતાને ગેરમાર્ગે દોરવાનું કામ કરી રહી છે.

પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધી સ્વીકારતા કે તેઓ 1 રૂપિયો મોકલે તો જનતા પાસે માત્ર 15 પૈસા પહોંચે છે, જ્યારે આજે મોદી સરકારમાં કિસાન સન્માન નિધિ સહિતની યોજનાઓના સીધા નાણાં પારદર્શક રીતે લાભાર્થીઓના બેંક ખાતામાં જમા થાય છે.

'કમળના ફૂલ વાળી સરકાર' જનતાને માત્ર વચનો આપતી નથી, પરંતુ ઘરે-ઘરે નળથી જળ, શૌચાલય, મફત અનાજ અને આયુષ્માન કાર્ડ દ્વારા રૂ. 10 લાખ સુધીની મફત સારવાર આપી જીવનની ગુણવત્તા સુધારી રહી છે.

સારું શિક્ષણ, આરોગ્ય માટે સુવિધા મળે અને નાગલી જેવા પાક ઉગાડતા ખેડૂતોને યોગ્ય ભાવ મળે તેની ચિંતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી કરે છે. 25 વર્ષ પહેલાંની ડાંગની સ્થિતિ અને આજની પ્રગતિનો તફાવત સ્પષ્ટ દેખાય છે.

કોંગ્રેસે વર્ષો સુધી આદિવાસી સમાજનો માત્ર વોટબેંક તરીકે ઉપયોગ કર્યો છે, પરંતુ હવે જનતા ક્યારેય છેતરાશે નહીં તેવો મને વિશ્વાસ છે. ભગવાન બિરસા મુંડાનું સાચું સન્માન ભાજપા એ કર્યું, ભગવાન બિરસા મુંડા યુનિવર્સિટી ભાજપ સરકારે બનાવી. ઉજ્જવલા યોજના દ્વારા માતા-બહેનોને ધુમાડાથી મુક્તિ અપાવી સન્માન આપ્યું છે.