Zalod Public Protest: ઝાલોદ નગરમાં મોડી રાત્રે નગરપાલિકા ચીફ ઓફિસર સામે નગરજનોમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો હતો. ઝાલોદ નગર સ્થિત અનેક સોસાયટીના રહીશો અચાનક મોડી રાત્રે ઝાલોદ પોલીસ સ્ટેશન પહોંચ્યા અને નગરપાલિકા ચીફ ઓફિસર સામે લેખિત અરજી કરી હતી. ઘટનાને લઇને નગરમાં ભારે ચકચાર મચી ગઈ હતી.
સળગતા કચરાના ધુમાડાએ સ્થાનિકોને કર્યા બેહાલ
પ્રાપ્ત માહિતી અનુસાર, ઝાલોદ નગરપાલિકા સંચાલિત ડમ્પિંગ યાર્ડમાં રાત્રીના સમયે કચરો સળગાવવામાં આવ્યો હતો. કચરો બળતા ધુમાડાના ગોટેગોટા નજીકની સોસાયટીઓ અને રહેણાંક વિસ્તારમાં ફેલાઈ ગયા હતા. ધુમાડો સીધો લોકોના ઘરમાં પ્રવેશતા બાળકો, વૃદ્ધો અને મહિલાઓને શ્વાસ લેવામાં ભારે તકલીફ પડી હતી. ઘણા લોકોને આંખોમાં બળતરા, ઉધરસ અને ગભરાટની સમસ્યા સર્જાઈ હતી.

નગરપાલિકા ચીફ ઓફિસર સામે રોષ ફેલાયો
રાત્રીના સમયે અચાનક ધુમાડાના કારણે લોકો ઘરમાં રહેવા અસમર્થ બન્યા હતા, અને અનેક પરિવારોએ રસ્તા પર ઉતરી આવવું પડ્યું હતું. નગરજનો દ્વારા અગાઉ પણ ડમ્પિંગ યાર્ડના કચરાના પ્રશ્ન અંગે નગરપાલિકા ચીફ ઓફિસરને અનેક વખત રજૂઆત કરવામાં આવી હતી. પરંતુ કોઈ યોગ્ય નિરાકરણ ન આવતા લોકોમાં ભારે રોષ ફેલાયો હતો.

પોલીસ સ્ટેશનમાં કરી લેખિત ફરિયાદ
આથી કંટાળીને નગરના અનેક વિસ્તારના રહીશો મોડી રાત્રે એકત્ર થઈ ઝાલોદ પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. ત્યાં નગરપાલિકા ચીફ ઓફિસર સામે કાયદેસર પગલાં લેવાની માંગ સાથે લેખિત ફરિયાદ નોંધાવવામાં આવી હતી. લોકોનું કહેવું હતું કે વારંવાર રજૂઆત કરવા છતાં પણ નગરપાલિકા તરફથી બેદરકારી દાખવવામાં આવી રહી છે.
નગરપાલિકા તંત્ર સફાળું જાગ્યું, કચરો બાળવાનું બંધ કર્યું
નગરજનોના ઉગ્ર આક્રોશ અને પોલીસ સ્ટેશનમાં થયેલી રજૂઆત બાદ નગરપાલિકા દ્વારા તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવી હતી. ડમ્પિંગ યાર્ડમાં લાગેલી આગ તાત્કાલિક ઓલવવામાં આવી અને કચરો બળવાનું બંધ કરાવવામાં આવ્યું હતું. તેમ છતાં નગરજનો દ્વારા ચીફ ઓફિસર સામે જવાબદારી નક્કી કરી કડક કાર્યવાહી કરવાની માંગ યથાવત રાખવામાં આવી છે.
