Dahod’s Gol Gadheda Mela: દાહોદ જિલ્લામાં આદિવાસી સંસ્કૃતિ અને પરંપરાનો જીવંત નજારો જોવા મળ્યો, જ્યાં હોળી બાદ યોજાતા પરંપરાગત ‘ગોળ ગધેડાના મેળા’એ ફરી એકવાર લોકોનું વિશેષ ધ્યાન ખેંચ્યું.
દાહોદના જેસાવાડા ગામે દર વર્ષે યોજાતો આ અનોખો મેળો માત્ર મનોરંજન પૂરતો સીમિત નથી, પરંતુ આદિવાસી સમાજની શૌર્ય, સાહસ અને પરંપરાગત જીવનશૈલીનું પ્રતિબિંબ માનવામાં આવે છે.

મેળાના દિવસે વહેલી સવારથી જ ગામમાં ઉત્સાહનું માહોલ જોવા મળ્યો હતો. ગામની મધ્યમાં સીમળાના ઝાડનું ઊંચું થડ ઊભું કરવામાં આવ્યું હતું.

આ થડને લપસણું બનાવવા માટે તેની છાલ કાઢી નાખવામાં આવી હતી, જેથી તેના પર ચઢવું અત્યંત મુશ્કેલ બને. થડની ટોચ પર ગોળથી ભરેલી પોટલી બાંધી દેવામાં આવી હતી, જેને મેળવવા માટે યુવકો વચ્ચે રોમાંચક સ્પર્ધા જોવા મળી.

ઢોલ-નગારાના ગુંજતા અવાજ વચ્ચે હજારો લોકો આ દૃશ્ય જોવા માટે એકત્ર થયા હતા. આદિવાસી યુવકો લપસણા થડ પર ચઢવાનો પ્રયાસ કરતા હતા, જ્યારે આસપાસ ઉભેલી યુવતીઓ સોટીઓ લઈને યુવકોને રોકવાનો પ્રયાસ કરતી હતી. યુવકો જ્યારે થડ પર ચઢવા લાગતા ત્યારે યુવતીઓ તેમના પર સોટીઓના પ્રહારો કરતી હતી, જેના કારણે સ્પર્ધા વધુ રોમાંચક બની જતી હતી.

આ પડકારજનક પરિસ્થિતિ વચ્ચે પણ અનેક યુવકોએ સાહસ બતાવીને થડ પર ચઢવાનો પ્રયાસ કર્યો. અંતે જે યુવક ટોચ સુધી પહોંચી ગોળની પોટલી ઉતારવામાં સફળ થાય છે, તેને આ સ્પર્ધાનો વિજેતા જાહેર કરવામાં આવે છે. આ સમગ્ર રમતમાં સાહસ, સહનશક્તિ અને પરંપરાગત ઉત્સાહનો અનોખો સમન્વય જોવા મળે છે.

સ્થાનિક વડીલો મુજબ આ મેળો રાજવી સમયથી ચાલી આવતી પરંપરાનો ભાગ છે. અગાઉના સમયમાં એવી માન્યતા હતી કે જે યુવક સોટીઓના પ્રહારો વચ્ચે ગોળની પોટલી જીતે, તે યુવક ગામની કોઈપણ કન્યા સાથે લગ્ન કરવાનો હકદાર બને. જોકે આજના સમયમાં લગ્ન સાથે જોડાયેલી આ પ્રથા બંધ થઈ ગઈ છે, છતાં આ મેળો આદિવાસી સમાજમાં શૌર્ય અને સંસ્કૃતિના પ્રતિક તરીકે ઉજવવામાં આવે છે.

દર વર્ષે યોજાતા આ અનોખા મેળાને જોવા માટે દાહોદ સહિત આસપાસના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં લોકો ઉમટી પડે છે. જેસાવાડાનો ગોળ ગધેડાનો મેળો આજે પણ આદિવાસી સંસ્કૃતિ અને પરંપરાનો જીવંત વારસો બની રહ્યો છે.
