દાહોદમાં અંધશ્રદ્ધાની પરાકાષ્ઠા: ભૂવાએ સારવારના નામે 2 મહિનાના માસૂમને ગરમ સોયના ડામ આપ્યા

દાહોદના ઝાલાત ગામે અંધશ્રદ્ધાનો કરૂણ કિસ્સો સામે આવ્યો છે. શ્વાસની તકલીફથી પીડાતા 2 મહિનાના બાળકને ભૂવા જયેશ સોલંકીએ ગરમ સોયના ડામ આપ્યા, પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Mon, 11 May 2026 03:19 PM (IST)Updated: Mon, 11 May 2026 03:19 PM (IST)
dahod-news-superstition-infant-burn-with-hot-needle-by-tantrik

Dahod News: 21મી સદીમાં પણ ભારતના અંતરિયાળ વિસ્તારોમાં અંધશ્રદ્ધાનું દૂષણ વ્યાપક પણ ફેલાયેલું છે. અંધશ્રદ્ધાના મૂળ ઉંડે સુધી ફેલાયેલા છે. જેનો એક અસલ પુરાવો દાહોદમાંથી સામે આવ્યો છે. મધ્ય પ્રદેશના ઝાબુઆથી આવેલા અરવિંદ રાણાના 2 મહિનાના પુત્ર યુવરાજને શરદી-ખાંસી અને શ્વાસ લેવામાં તકલીફ થતી હતી. પરંતુ બાળકના માતા પિતા ડોક્ટર લઈ જવાને બદલે 23 એપ્રિલના રોજ દાહોદ તાલુકાના ઝાલાતમાં રહેતા ભુવા જયેશ સોલંકી પાસે આવ્યા હતા.

ભૂવાએ બાળકને ડામ દીધા

ઝાલાત ગામે રહેતા ભુવા જયેશ સોલંકીએ ક્રૂરતા વટાવી દીધી હતી. આરોપી ભુવાએ દીવો સળગાવીને પાતળી સોય ગરમ કરીને માસૂમ બાળકના શરીરે ડામ આપ્યા હતા. માસૂમના શરીર પર 4 જગ્યાએ ડામ દીધા બાદ બાળકની હાલત એકદમ લથડી ગઈ હતી. જેથી માતા પિતા બાળકને ઝાબુઆના સરકારી હોસ્પિટલ ખાતે દાખલ કર્યો હતો. ત્યાં ફરજ પર હાજર રહેલા ડોક્ટર બાળકના શરીર પર ડામ જોઈને અંધશ્રદ્ધાનો આખો ખેલ સમજી ગયા હતા.

ભુવા વિરુદ્ધ પોલીસ ફરિયાદ

ફરજ પરના તબીબે તાત્કાલિક પોલીસને જાણ કરી હતી. પોલીસે આ મામલે પરિવારનું નિવેદન લીધા બાદ દાહોદ જિલ્લાના કતવારા પોલીસને જાણ કરી હતી. ડામ દીધા બાદ માસૂમ બાળકની હાલત ખૂબ જ નાજૂક હતી. 16મા દિવસે આરોપી ભુવા જયેશ સોલંકી વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

આ ઘટના અંગે કતવારા પોલીસ સ્ટેશનના પીએસઓ અલ્તાફ ખાનના જણાવ્યા મુજબ, ઝાલાત ગામના ભુવા જયેશ સોલંકી વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે. અગાઉના કેસની પણ જાણકારી છે. આ ગુનો જામીનપાત્ર હોવાથી જામીન જલ્દી મળી જાય છે.