દાહોદની ખંગેલા ચેકપોસ્ટ પર દારૂનાના નશામાં ધૂત વડોદરાના 4 યુવાનનો હોબાળો, પોલીસ સાથે ધક્કામુક્કી કરી હાઈવે જામ કર્યો

પોલીસ જ્યારે કાયદેસરની કાર્યવાહી કરવા ગઈ, ત્યારે પકડાઈ જવાની બીકે નશામાં ધૂત ચારેય યુવાનો ઉશ્કેરાઈ ગયા હતા. તેઓએ પોલીસ કર્મચારીઓ સાથે ઉગ્ર દલીલો કરી, ગાળાગાળી શરૂ કરી દીધી હતી.

By: Rakesh ShuklaEdited By:Rakesh ShuklaPublish Date: Tue, 02 Jun 2026 11:53 AM (IST)Updated: Tue, 02 Jun 2026 11:53 AM (IST)
dahod-news-4-vadodara-youths-held-after-clash-with-police-at-check-post

Dahod News: મધ્યપ્રદેશ સરહદને અડીને આવેલી ખંગેલા ચેકપોસ્ટ પર વડોદરાના ચાર નબીરાઓએ દારૂના નશામાં ધૂમ મચાવી ભારે હોબાળો કર્યો હોવાની ચકચારી ઘટના સામે આવી છે. કાળા કાચવાળી સ્વીફ્ટ કારમાં દારૂ સાથે પકડાયેલા આ યુવાનોએ પોલીસ કાર્યવાહીથી બચવા માટે ખાખી વર્દીધારીઓ સાથે ગાળાગાળી અને ધક્કામુક્કી કરી હતી. એટલું જ નહીં, તેઓએ ઇન્દોર-અમદાવાદ નેશનલ હાઈવે પર આશરે એક કલાક સુધી વાહનવ્યવહાર ખોરવી નાખી ચક્કાજામ સર્જ્યો હતો. આખરે કતવારા પોલીસે કડક વલણ અપનાવી ચારેય યુવાનોની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ચેકપોસ્ટ પર શંકાસ્પદ સ્વીફ્ટ કાર રોકતા ભાંડો ફૂટ્યો

મળતી માહિતી મુજબ, કતવારા પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલ વિબુભાઈ સારાભાઈ ચોસલા તથા તેમનો સ્ટાફ વહેલી સવારે સાડા છ વાગ્યાના સુમારે ખંગેલા ચેકપોસ્ટ પર ફરજ પર તૈનાત હતો. આ દરમિયાન મધ્યપ્રદેશ તરફથી આવતી એક કાળા કાચવાળી સ્વીફ્ટ કાર શંકાસ્પદ જણાતા પોલીસે તેને રોકી હતી. ગાડીની તલાશી લેતા તેમાંથી વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો, તેમજ કારમાં સવાર ચારેય યુવાનો દારૂ પીધેલી હાલતમાં ઝૂમી રહ્યા હતા. ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં ગેરકાયદેસર રીતે નશો કરીને દારૂ ઘુસાડવાનો આ આખો ખેલ પોલીસે ઝડપી પાડ્યો હતો.

પોલીસ સાથે ઘર્ષણ અને નેશનલ હાઈવે પર ચક્કાજામ

પોલીસ જ્યારે કાયદેસરની કાર્યવાહી કરવા ગઈ, ત્યારે પકડાઈ જવાની બીકે નશામાં ધૂત ચારેય યુવાનો ઉશ્કેરાઈ ગયા હતા. તેઓએ પોલીસ કર્મચારીઓ સાથે ઉગ્ર દલીલો કરી, ગાળાગાળી શરૂ કરી દીધી હતી અને જોરજોરથી ધક્કામુક્કી કરીને પોલીસની કાયદેસરની ફરજમાં રૂકાવટ ઊભી કરી હતી. આટલેથી ન અટકતા, આ નબીરાઓએ ઈન્દોર-અમદાવાદ નેશનલ હાઈવે પર વચોવચ વાહનો રોકી દીધા હતા. જેના કારણે વહેલી સવારે હાઈવે પર વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી અને અંદાજે એક કલાક સુધી ટ્રાફિકજામની સ્થિતિ સર્જાતા વાહનચાલકો ભારે મુશ્કેલીમાં મુકાયા હતા.

વડોદરાના ચારેય આરોપીઓની પ્રોફાઈલ અને પોલીસ કાર્યવાહી

પોલીસે કાયદો અને વ્યવસ્થા હાથમાં લેનારા આ ચારેય યુવાનોની ધરપકડ કરી છે, જે તમામ વડોદરાના રહેવાસી છે.

  1. ભાર્ગવભાઈ ટીકુભાઈ જાદવ (ઉં.વ. 25) – રહે. ફતેગંજ, વડોદરા.
  2. ધવલભાઈ અશોકભાઈ સોલંકી (ઉં.વ. 25) – રહે. લક્ષ્મીપુરા, ગોરવા, વડોદરા.
  3. પંકજકુમાર ભરતભાઈ આર્ય (ઉં.વ. 35) – રહે. ગિરધર પાર્ક, રિફાઇનરી રોડ, ગોરવા.
  4. કરણસિંહ મહેન્દ્રભાઈ રાણા (કાર ચાલક, ઉં.વ. 35) – રહે. જલારામ ચોક, કિશનવાડી, વડોદરા.

કતવારા પોલીસે આ ચારેય સામે પ્રોહિબિશન એક્ટ તેમજ સરકારી કર્મચારીની ફરજમાં અડચણ ઊભી કરવા અને જાહેર માર્ગ પર નુકસાન પહોંચાડવા બદલ ગુનો નોંધી, તેઓને લોકઅપના સળિયા પાછળ ધકેલી દઈ આગળની તપાસ આદરી છે.