Dahod leopard attack: દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકામાં વન્યજીવોના હુમલાનો ગંભીર કિસ્સો સામે આવ્યો છે. તાલુકાના પાંચવાડા ગામે વહેલી સવારે એક હિંસક દીપડાએ આતંક મચાવતા ત્રણ વ્યક્તિઓ પર જીવલેણ હુમલો કરીને તેમને ઇજાગ્રસ્ત કર્યા છે. આ લોહિયાળ ઘટનાને પગલે સમગ્ર પાંચવાડા ગામ સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ભયનો માહોલ વ્યાપી ગયો છે.
ખેતરમાં વહેલી સવારે દીપડો ત્રાટક્યો
પ્રાપ્ત વિગતો અનુસાર, પાંચવાડા ગામે રહેતા ખેડૂત રાકેશભાઈ પરમાર વહેલી સવારે પોતાના ખેતરમાં ગવારસિંગ તોડી રહ્યા હતા. આ દરમિયાન અચાનક નજીકની ઝાડીઓમાંથી એક હિંસક દીપડો ધસી આવ્યો અને રાકેશભાઈ પર જીવલેણ હુમલો કરી દીધો હતો. રાકેશભાઈએ પોતાની જાતને બચાવવા માટે બૂમાબૂમ કરતા નજીકમાં જ હાજર અન્ય સ્થાનિક ગ્રામજનો પંકજભાઈ માવી અને મનોજભાઈ માવી તેમને બચાવવા માટે દોડી આવ્યા હતા.
બચાવવા આવેલા યુવકો પણ ઈજાગ્રસ્ત
રાકેશભાઈને દીપડાથી છોડાવવા માટે પંકજભાઈ અને મનોજભાઈએ હિંમતપૂર્વક વચ્ચે પડી દીપડાનો સામનો કરવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ, આક્રમક બનેલા દીપડાએ આ બંને યુવકો પર પણ પંજાના ઘા મારી દીધા હતા. દીપડાના આ હુમલામાં ત્રણેય યુવકોના મોઢા, માથા તેમજ હાથના ભાગે ગંભીર અને ઊંડી ઇજા પહોંચી હતી. આ દરમિયાન અન્ય ગ્રામજનો લાકડીઓ લઈને દોડી આવતા દીપડો ત્યાંથી ભાગી છૂટ્યો હતો.
ઇજાગ્રસ્તો ઝાયડસ હોસ્પિટલમાં દાખલ
આ ઘટના બાદ સ્થાનિકો દ્વારા લોહીલુહાણ હાલતમાં ત્રણેય ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે દાહોદની ઝાયડસ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે, જ્યાં હાલ તેમની ગંભીર સારવાર ચાલી રહી છે.
આ પણ વાંચો: Dahod: ઝાલોદ રોડ ઓવરબ્રિજથી ખરોડ બાયપાસ બનશે ફોર-લેન, અત્યાધુનિક સુવિધાથી હશે સજ્જ; જાણો
ગંભીર બનાવ બાદ વન વિભાગ દોડતું થયું
બીજી તરફ, આ ઘટના અંગે ગ્રામજનો દ્વારા વન વિભાગને જાણ કરવામાં આવતા તાત્કાલિક વન વિભાગની ટીમ ઉચ્ચ અધિકારીઓ અને કાફલા સાથે ઘટના સ્થળે દોડી આવી હતી. વન વિભાગ દ્વારા ગામમાં ફરી હુમલો ન થાય તે માટે અને હિંસક દીપડાને વહેલી તકે પાંજરે પુરવા માટે અલગ-અલગ ટીમો બનાવીને તાકીદે સઘન સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે.
સરપંચ દ્વારા વન વિભાગને જરૂરી અપીલ
આ હુમલા અંગે પાંચવાડા ગામના સરપંચ રામસિંગ ડામોરે જણાવ્યું કે, "વહેલી સવારે અમારા ગામના ખેડૂત ખેતરમાં કામ કરી રહ્યા હતા ત્યારે દીપડાએ અચાનક હુમલો કર્યો હતો. તેમને બચાવવા ગયેલા અન્ય બે યુવકો પણ ગંભીર રીતે ઘાયલ થયા છે. ગામમાં અત્યારે ભારે ભયનો માહોલ છે. અમારી વન વિભાગને નમ્ર વિનંતી છે કે વહેલી તકે પાંજરું મૂકીને આ દીપડાને પકડવામાં આવે જેથી ગ્રામજનો અને પશુઓ સુરક્ષિત રહી શકે."
