Dahod News: દાહોદ શહેરના વ્યસ્ત એવા APMC માર્કેટ વિસ્તારમાં ભરદિવસે એક સનસનાટીભરી અને ફિલ્મી ઢબે લૂંટની ઘટના સામે આવી છે. અહીં વર્ષો જૂની અને જાણીતી આંગડિયા પેઢી 'પટેલ બાબુ કાંતિલાલ'ના એક કર્મચારીને નિશાન બનાવી, હથિયારધારી શખ્સોએ આશરે ₹1.40 કરોડની રોકડ ભરેલો થેલો આંચકીને રફુચક્કર થઈ ગયા છે. આ ચકચારી ઘટનાને પગલે સમગ્ર પંથકના વેપારી આલમમાં ભારે ફફડાટ ફેલાઈ ગયો છે.

બાઈક સવાર 6 લૂંટારૂઓએ કર્યો હુમલો
પ્રાપ્ત પ્રાથમિક વિગતો અનુસાર, આંગડિયા પેઢીનો કર્મચારી ઓફિસનું રોજિંદું કામ પતાવીને રોકડ રકમથી ભરેલો થેલો લઈને વેરહાઉસ નજીકથી પસાર થઈ રહ્યો હતો. તે સમયે ત્યાં પહેલેથી જ ઘાત લગાવીને બેઠેલા આશરે 6 જેટલા હથિયારધારી લૂંટારૂઓએ તેને આંતર્યો હતો. નંબર પ્લેટ વગરની બે પલ્સર મોટરસાઈકલ પર આવેલા શખ્સોએ કર્મચારી પર ઓચિંતો હુમલો કરી દીધો હતો અને તેની પાસે રહેલો કરોડોની રોકડવાળો થેલો આંચકી લીધો હતો. આ ઝપાઝપી અને હુમલામાં કર્મચારીને સામાન્ય ઈજાઓ પણ પહોંચી છે. લૂંટારૂઓ માત્ર ગણતરીની મિનિટોમાં જ આ સમગ્ર ઘટનાને અંજામ આપીને પોતાની મોટરસાઈકલ પર ઝડપથી ફરાર થઈ ગયા હતા.

સમગ્ર ઘટના CCTVમાં કેદ, પોલીસ એક્શન મોડમાં
સશસ્ત્ર લૂંટની સમગ્ર ઘટના વેરહાઉસ અને તેની આસપાસના વિસ્તારોમાં લાગેલા CCTV કેમેરામાં કેદ થઈ ગઈ છે. ફૂટેજમાં લૂંટારૂઓ ગુનો આચર્યા બાદ ઘટનાસ્થળેથી બાઈક ભગાવતા સ્પષ્ટ નજરે પડે છે. ઘટનાની ગંભીરતાને જોતાં જ જિલ્લા પોલીસ તંત્ર તાત્કાલિક એક્શન મોડમાં આવી ગયું હતું. સ્થાનિક પોલીસ ઉપરાંત DYSP, LCB (લોકલ ક્રાઈમ બ્રાન્ચ) અને SOG (સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ) સહિતની ઉચ્ચ અધિકારીઓની ટીમો ઘટનાસ્થળે દોડી ગઈ હતી. પોલીસે તાબડતોબ જિલ્લાભરમાં નાકાબંધીના આદેશ આપી તમામ માર્ગો પર સઘન ચેકિંગ હાથ ધર્યું છે.

સત્તાવાર ફરિયાદની પ્રક્રિયા ચાલુ
પોલીસના સત્તાવાર સૂત્રોના જણાવ્યા મુજબ, હાલના તબક્કે આંગડિયા પેઢી તરફથી સત્તાવાર રીતે કોઈ લેખિત ફરિયાદ નોંધાવવામાં આવી નથી. લૂંટાયેલી રકમનો પ્રાથમિક અંદાજ ₹1.40 કરોડ હોવાનું ચર્ચાઈ રહ્યું છે, પરંતુ વાસ્તવિક અને ચોક્કસ આંકડો પેઢી દ્વારા હિસાબની ગણતરી પૂર્ણ થયા બાદ અને પોલીસ ફરિયાદ નોંધાયા પછી જ સત્તાવાર રીતે સામે આવશે.
