છોટાઉદેપુરમાં લોહિયાળ ખેલ: પત્ની પિયરમાંથી પરત ન ફરતા જમાઈએ સાસુની નિર્મમ હત્યા કરી

છોટાઉદેપુરના કેવડી ગામે કૌટુંબિક કંકાસમાં જમાઈએ 74 વર્ષીય સાસુ સબુરીબેનની હત્યા કરી દીધી. દીકરીનું અપહરણ કરી જાનથી મારવાની ધમકી આપી. ઝોઝ પોલીસે ગુનો નોંધી આરોપીની અટકાયત કરી.

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Wed, 17 Jun 2026 07:59 AM (IST)Updated: Wed, 17 Jun 2026 07:59 AM (IST)
chhotaudepur-son-in-law-killed-mother-in-law-over-domestic-dispute

Chhotaudepur News: છોટાઉદેપુર તાલુકાના કેવડી ગામેથી એક અત્યંત ચોંકાવનારી અને નિર્મમ હત્યાની ઘટના સામે આવી છે. છેલ્લા ત્રણ વર્ષથી ચાલતા કૌટુંબિક ઘરકંકાસનો અંત એક કરુણ હત્યામાં પરિણમ્યો છે. પત્ની લાંબા સમયથી પિયરમાં રહેતી હોવાની અને પરત ન આવતી હોવાની રીસ રાખીને એક જમાઈએ પોતાની જ 74 વર્ષીય વૃદ્ધ સાસુ પર કુહાડી અને લાકડાના ફટકા વડે ઘાતકી હુમલો કરી ઘટનાસ્થળે જ મોતને ઘાટ ઉતારી દીધી છે.

ત્રણ વર્ષ જૂની અદાવતનો કરુણ અંત

મળતી વિગતો અનુસાર, આરોપી અશ્વિનભાઈ મથુરભાઈ નાયકા (રહે. રીંછવેલ, હોળી ફળિયા, તા.જી. છોટાઉદેપુર) ના લગ્ન વનિતાબેન સાથે થયા હતા. જોકે, છેલ્લા ત્રણેક વર્ષથી ચાલી રહેલા કૌટુંબિક ઝઘડા અને ઘરકંકાસના કારણે વનિતાબેન પોતાના પિયર કેવડી ગામે પીપરપાણી ફળિયામાં રહેતા હતા. પત્ની વારંવાર કહેવા છતાં પરત ન ફરતા આરોપી અશ્વિન નાયકાએ મનમાં અદાવત રાખી હતી. ગઈ આરોપી અશ્વિન કેવડી ગામે પોતાની સાસરીમાં હથિયારો સાથે ધસી ગયો હતો.

વૃદ્ધા પર કુહાડીના ઘા ઝીંક્યા

સાસરીમાં પહોંચીને આરોપીએ પોતાની સાસુ સબુરીબેન (ઉંમર વર્ષ 74, તે કાળુભાઈ ચોથીયાભાઈ નાયકાના વિધવા) સાથે ઉગ્ર ઝઘડો શરૂ કર્યો હતો. ઝઘડા દરમિયાન આવેશમાં આવી જઈને જમાઈએ સાસુ સબુરીબેનના માથાના ભાગે કુહાડીના જીવલેણ ઘા ઝીંકી દીધા હતા. આટલું જ નહીં, આરોપીએ વૃદ્ધાને હાથ અને પગના ભાગે લાકડાના ફટકા મારી ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. આ લોહિયાળ હુમલામાં ગંભીર રીતે ઘવાયેલા સબુરીબેનનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.

દીકરીનું અપહરણ અને જાનથી મારવાની ધમકી

હત્યા આચર્યા બાદ પણ આરોપીનો ગુસ્સો શાંત થયો ન હતો. તે કેવડી ગામે આવેલી નર્સરી ખાતે પહોંચ્યો હતો, જ્યાં તેની દીકરી દ્રષ્ટી કામ કરતી હતી. આરોપી ત્યાંથી પોતાની દીકરીને બળજબરીપૂર્વક ઉઠાવી લાવ્યો હતો. ત્યારબાદ તેણે પોતાની પત્ની વનિતાબેન અને દીકરી દ્રષ્ટી બંનેને જાનથી મારી નાખવાની ગંભીર ધમકીઓ આપી હતી.

પોલીસે ગુનો નોંધી આરોપીની અટકાયત કરી

આ ચકચારી ઘટના અંગે મૃતકની દીકરી અને આરોપીની પત્ની વનિતાબેન નાયકાએ ઝોઝ પોલીસ સ્ટેશનમાં આરોપી પતિ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનાની ગંભીરતાને ધ્યાને લઈ ત્વરિત કાર્યવાહી હાથ ધરીને આરોપી અશ્વિન નાયકાને ઝડપી પાડ્યો છે. પોલીસે આરોપી સામે નવીન કાયદા 'ભારતીય ન્યાય સંહિતા-2023' (BNS) ની કલમ 103(1) (હત્યા), 351(2) (ગુનાહિત ધમકી) તથા જી.પી.એક્ટની કલમ 135 મુજબ ગુનો નોંધી કાયદેસરની તપાસ શરૂ કરી છે.