Chhota Udepur News: છોટાઉદેપુર જિલ્લાના કવાંટમાં આજે આમ આદમી પાર્ટીની એક પરિવર્તન સભા યોજાઈ હતી. આ પરિવર્તન સભામાં આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ હાજરી આપી હતી. આ કાર્યક્રમમાં આમ આદમી પાર્ટીના પદાધિકારીઓ, સ્થાનિક આગેવાનો સહિત હજારોની સંખ્યામાં લોકો જોડાયા હતા. જનતાએ છોટાઉદેપુરમાં યોજાનાર સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે પરિવર્તનના સંકેત આપી દીધા હોય એવું સ્પષ્ટ પણે દેખાઈ રહ્યું છે. આ કાર્યક્રમ બાદ ધારાસભ્ય ચૈતર વસાવાએ જણાવ્યું હતું કે, આજે કવાંટમાં આમ આદમી પાર્ટીની પરિવર્તન સભામાં સ્વયંભૂ હજારોની સંખ્યામાં લોકો ઉમટી પડ્યા છે.
ચૈતર વસાવાએ સભામાં જણાવ્યું હતું કે, તાજેતરમાં લોકોને ગેરમાર્ગે દોરવા માટે એવું કહેવામાં આવ્યું હતું કે, કોઇ પ્રોજેક્ટને મંજૂરી આપવામાં આવી નથી. પરંતુ આંબા ડુંગરમાં જે જીએમડીસીનો પ્રોજેક્ટ છે, એમાં 28 ગામોની જમીન સંપાદિત કરવાનું ગેજેટ નોટિફિકેશન જારી કરવામાં આવ્યું હતું. ત્યારે હું પૂછવા માગું છું કે જો કોઇ પ્રોજેક્ટ મંજૂર કરવામાં નથી આવ્યો તો MoU કેમ કરવામાં આવ્યા અને એના સર્વે કેમ કરવામાં આવ્યા..? આ મુદ્દાને લઈને લોકોમાં ખૂબ જ આક્રોશ છે અને જેના કારણે આજે હજારોની સંખ્યામાં લોકો આ પરિવર્તન સભામાં ઉપસ્થિત થયા હતા.

વધુમાં ધારાસભ્ય ચૈતર વસાવાએ જણાવ્યું હતું કે, અમે આ બધી જનતા સાથે છીએ અને વિધાનસભાના બજેટ સત્રમાં આ મુદ્દો ઉઠાવીશું. આંબા ડુંગર અને નસવાડીનો હાઈડ્રો પ્રોજેક્ટ પણ રદ કરવામાં આવે તેવી અમારી માગણી છે. જનતા હવે જાગી ગઈ છે અને આમ આદમી પાર્ટી તમામ તાલુકા પંચાયત જિલ્લા પંચાયત અને નગરપાલિકામાં એકલા હાથે લડશે અને પૂર્ણ બહુમતીથી અમે સત્તામાં આવીશું. તમામ જગ્યાએ સત્તામાં આવ્યા બાદ અમે જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, નગરપાલિકા દ્વારા આ રીતના જે પ્રોજેક્ટ આવી રહ્યા છે તેને રદ કરવાના ઠરાવો કરીશું.

ધારાસભ્ય ચૈતર વસાવાએ જણાવ્યું હતું કે, મહેશભાઈને હું એટલું જણાવીશ કે જો મેં કંઇ ખોટું કર્યું હોય તો કરો ફરિયાદ મારા પર, તેઓ ફક્ત પાયાવિહોણી વાતો કરે છે. મુખ્ય મુદ્દાઓથી ધ્યાન બીજે દોરવાનું કામ મહેશ વસાવા જેવા લોકો કરે છે. જો ચૈતર વસાવા કે આમ આદમી પાર્ટી ભાજપની બી ટીમ હોત તો અમારા પર આટલા બધા કેસો ન થયા હોત. અમે જેલમાં જઈને આવ્યા છીએ અમારા ઘણા નેતાઓ જેલમાં છે પરંતુ કોંગ્રેસના એક નેતાનું નામ જણાવો કે તેઓ જેલમાં હોય. કોંગ્રેસે કેમ ભરૂચ લોકસભામાં મને મદદ ન કરી? વિસાવદરમાં ગોપાલભાઈ સામે શા માટે ઉમેદવાર ઉભો રાખ્યો? ભાજપ અને કોંગ્રેસના લોકો મળેલા છે અને એ લોકોને સત્તા જવાના ડરથી તેઓ મને ટાર્ગેટ કરી રહ્યા છે.
