Chhota Udepur: ક્વાંટ-નસવાડી રોડ પર પુરપાટ ઈકોની ટક્કરથી બાઈકના ટૂકડા, ફંગોળાઈને નીચે પટકાયેલા દંપતીનું કમકમાટીભર્યું મોત

ભયાનક ટક્કરના પગલે કારના આગળના ભાગનો કચ્ચરઘાણ વળી ગયો હતો, ત્યારે બાઈકના પણ ફૂરચેફૂરચા ઉડી ગયા હતા. પોલીસે દંપતીના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી તપાસ આદરી

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Tue, 26 May 2026 06:33 PM (IST)Updated: Tue, 26 May 2026 06:33 PM (IST)
chhota-udepur-accident-couple-killed-by-eeco-car-hits-bike-on-nasvadi-road
HIGHLIGHTS
  • ડણી ગામ નજીક ઈકો કારે બાઈક સવાર દંપતીને ઉલાળ્યા હતા
  • બોડેલીમાં રેતી ભરેલી ટ્રકમાં બાઈક ઘૂસી જતાં યુવકનું મોત

Chhota Udepur Accident: છોટા ઉદેપુર જિલ્લાના ક્વાંટ-નસવાડી રોડ પર પુરપાટ જતી ઈકો કારે બાઈકને ટક્કર મારતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં બાઈક સવાર દંપતીનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું છે.

કારના આગળના ભાગનો કચ્ચરઘાણ, બાઈકના ફૂરચેફૂરચા ઉડ્યા

આ અંગે પ્રાપ્ત વિગતો પ્રમાણે, જામ્બા ગામના વતની ભુપેન્દ્ર રાઠવા ગઢ બોરિયાદ ગામના સામુહિક આરોગ્ય કેન્દ્રમાં ફરજ બજાવતા હતા. આજે ભૂપેન્દ્ર રાઠવા પોતાની પત્ની સુનિતા રાઠવા સાથે બાઈક પર નોકરી પૂરી કરીને બાઈક પર ઘરે જઈ રહ્યા હતા.

દંપતીનું બાઈક ક્વાંટ-નસવાડી રોડ પરના ડણી ગામ નજીકથી પસાર થઈ રહ્યું હતુ. આ સમયે સામેથી પુરપાટ ગતિએ આવતી ઈકો કારે તેમના બાઈકને ઠોકર મારીને ઉલાળ્યું હતુ. ઈકો કારની ટક્કરથી બાઈક સવાર દંપતી ફૂટબૉલની માફક હવામાં ફંગોળાઈને નીચે પટકાયું હતુ. આ અકસ્માતમાં નીચે પટકાયેલા પતિ-પત્નીને ગંભીર ઈજા પહોંચતા તેમનું ઘટના સ્થળે જ પ્રાણપંખેરું ઉડી ગયું હતુ.

ઈકો અને બાઈક વચ્ચેની ટક્કર એટલી ભયાનક હતી કે, કારના આગળના ભાગનો કચ્ચરઘાણ વળી ગયો હતો. જ્યારે બાઈકના પણ ફૂરચેફૂરચા ઉડી ગયા હતા. આ ઘટનાની જાણ થતાં નસવાડી પોલીસ મથકનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો. હાલ તો પોલીસે બન્ને મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે નસવાડી સિવિલ હોસ્પિટલ મોકલી આપ્યા છે. જ્યારે અકસ્માતનો ગુનો નોંધીને કાર ચાલકની ધરપકડ માટે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

બોડેલીમાં રેતી ભરેલી ટ્રકમાં બાઈક ઘૂસી જતાં યુવકનું મોત

છોટા ઉદેપુરમાં અકસ્માતનો બીજો બનાવ જબુગામ કૃષિ યુનિવર્સિટી નજીક બન્યો છે. જેમાં મેહુલ રાઠવા નામનો યુવક હાઈક લઈને પુરપાટ જઈ રહ્યો હતો, ત્યારે હાઈવે નજીક રોડની સાઈડમાં રેતીના ડમ્પરમાં બાઈક ઘુસી ગયું હતુ. આ અકસ્માતમાં ગંભીર ઈજા પહોંચતા મેહુલ રાઠવાનું ઘટના સ્થળે મોત નીપજ્યું છે.