Chhota Udepur Rain Update: ગુજરાતના છોટાઉદેપુર જિલ્લામાં ગત રાત્રે અચાનક હવામાનમાં પલટો આવ્યો અને તીવ્ર વાવાઝોડા સાથે તોફાની વરસાદ ત્રાટક્યો હતો. આ કુદરતી આફતે સમગ્ર જિલ્લાના જનજીવનને અસ્તવ્યસ્ત કરી નાખ્યું છે. ભારે પવન અને ગાજવીજ સાથે પડેલા વરસાદના કારણે સૌથી મોટું અને વ્યાપક નુકસાન ખેડૂતોના ઉભા અને તૈયાર પાકને થયું છે.
કેળ અને મકાઈનો પાક મૂળમાંથી ઉખડી ગયો
ખાસ કરીને બોડેલી તાલુકાના જબુગામ, નસવાડી અને તેની આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં વાવાઝોડાની સૌથી ભયંકર અસર જોવા મળી હતી. ભારે પવનના કારણે ખેતરોમાં સેંકડો વીઘામાં વાવેલા કેળાના છોડ મૂળમાંથી ઉખડીને જમીનદોસ્ત થઈ ગયા છે. આ ઉપરાંત મકાઈ સહિતના અન્ય ઉભા પાકો પણ જમીન પર ઢળી પડ્યા છે.
સ્થાનિક ખેડૂતોએ વ્યથા ઠાલવતા જણાવ્યું હતું કે, આ વર્ષે પાક ઘણો સારો હતો અને ટૂંક સમયમાં જ તેની લણણી શરૂ થવાની હતી. પરંતુ અચાનક આવેલા વાવાઝોડાએ પાક બચાવવાની કોઈ તક ન આપી અને તેમના મોં સુધી આવેલો કોળિયો છીનવાઈ ગયો.
ભારે મહેનત પાણીમાં, લાખોનું આર્થિક નુકસાન
રાતભર ચાલેલા આ તોફાને ખેડૂતોની આખા વર્ષની કાળી મજૂરી અને મૂડી સાફ કરી નાખી છે. કેળાના પાકમાં ખેડૂતોએ કરેલ મોટું રોકાણ હવે સંપૂર્ણપણે નાશ પામ્યું છે. મોંઘા બિયારણ અને ખાતરનો ખર્ચ કરીને તૈયાર કરેલો પાક નજર સામે જ બરબાદ થતા ખેડૂતો ઊંડી ચિંતા અને આઘાતમાં સરી પડ્યા છે.
આ પણ વાંચો: છોટાઉદેપુરમાં પોલીસની મોટી કાર્યવાહી: કપાસના ખેતરમાંથી 78 લાખનો લીલા ગાંજાનો જથ્થો ઝડપાયો
અનેક ખેતરોમાં પાક સંપૂર્ણપણે નકામો થઈ જતાં ઉત્પાદન શૂન્ય થઈ જવાની ભીતિ છે. પ્રાથમિક અંદાજ મુજબ ખેડૂતોને લાખો રૂપિયાનું આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે, જેનાથી તેઓ દેવાના બોજ તળે દબાઈ શકે છે. ખેડૂતો આ આર્થિક સંકટમાંથી બહાર આવી શકે તે માટે સરકાર દ્વારા વહેલી તકે યોગ્ય આર્થિક પેકેજ જાહેર કરી વળતર ચૂકવવામાં આવે તેવી પ્રબળ આશા વ્યક્ત કરવામાં આવી છે.
સરકાર પાસે તાત્કાલિક સર્વે અને વળતરની માંગ
આવી કપરી પરિસ્થિતિમાં નુકસાનગ્રસ્ત ખેડૂતોએ સરકાર અને કૃષિ વિભાગ સમક્ષ મદદ માટે પોકાર કર્યો છે. જિલ્લાના ખેડૂત સંગઠનો અને ગ્રામજનોની માંગ છે કે તંત્ર દ્વારા સહેજ પણ વિલંબ કર્યા વિના તાત્કાલિક ધોરણે પ્રભાવિત વિસ્તારોની મુલાકાત લેવામાં આવે અને ખાસ ટીમ બનાવીને નુકસાનીનો સર્વે શરૂ કરવામાં આવે.
