Chhota Udepur News: આજે કદવાલ-વડોદ ખાતે આમ આદમી પાર્ટીની પરિવર્તન સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સભામાં આમ આદમી પાર્ટી ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા, વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા સહિત કાર્યકર્તાઓ, પદાધિકારીઓ અને મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. આ તકે ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ જણાવ્યું હતું કે, આ વિસ્તારના લોકોની સમસ્યાનું નિરાકરણ નહીં આવે તો વિધાનસભાનો ઘેરાવ કરીશું.
આ તકે AAP ધારાસભ્ય ચૈતર વસાવાએ જણાવ્યું હતું કે કદવાલ ગામે યોજાયેલ આમ આદમી પાર્ટીની પરિવર્તન સભામાં છોટાઉદેપુર જિલ્લાનાં તમામ પદાધિકારીઓ હાજર રહ્યા હતા. કદવાલએ નવ નિર્મિત તાલુકો છે, 2 ઓક્ટોબરના રોજ એમને નવા તાલુકા તરીકે જાહેરાત કરી દેવામાં આવ્યો છે.

ચાર મહિના થયા છતાં ત્યાંની હોસ્પિટલમાં પૂરતો સ્ટાફ નથી, ત્યાં સાધનો નથી, તાલુકા પંચાયત જાહેર કરવામાં આવી છે ત્યાં પૂરતો સ્ટાફ નથી, મામલતદાર કચેરીઓમાં કોઈ કામ કરતા નથી, એ જ પ્રમાણે સિંચાઈ કચેરી હોય, માર્ગ મકાન કચેરી હોય, મનરેગા કચેરી હોય, કોઈ હાજર રહેતું નથી અને લોકોને ખૂબ જ હાલાકીનો સામનો કરવો પડે છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આજે અમને રજૂઆતો મળી છે, એ જ પ્રમાણે વન અધિકારના નિયમ 2006 અંતર્ગત વર્ષોથી દાવો કરેલ છે છતાં પેન્ડિંગ છે, આજે ભિકાપુરથી ઉપરના જે પણ ગામડા આવેલા છે, 35થી 40 ગામોમાં આજે બસની સુવિધાઓ નથી, કે ઘણા ગામોમાં જવા માટેના રસ્તાની પણ સુવિધાઓ નથી.

આ વિસ્તારમાં એ પ્રમાણે 30 વર્ષના ભારતીય જનતા પાર્ટીના શાસનમાં વિકાસ નથી થયો, ત્યારે લોકોમાં ખૂબ આક્રોશ છે, મનરેગામાં રોજગારી નથી, નલ સે જલમાં પાણી નથી, તમામ મુદ્દે આજે લોકોએ અમને રજૂઆત કરી છે. આ તમામ રજૂઆતો આવનાર વિધાનસભા બજેટમાં અમે સરકાર સમક્ષ મૂકીશુ. જો સરકાર કદવાલ, છોટા ઉદેપુરના લોકોના આ સમસ્યાનું નિરાકરણ નહીં તો તમામ લોકોને અમે ગાંધીનગર વિધાનસભા બજેટ સત્ર વખતે આહ્વાન કરીશું અને ફરજ પડશે તો અમે વિધાનસભાનો ઘેરાવ પણ કરીશું.

AAP ધારાસભ્ય ચૈતર વસાવાએ વધુમાં જણાવ્યું હતું કે અત્યાર સુધી સંવિધાનના આર્ટીકલ 335 અંતર્ગત આદિવાસી ઉમેદવારોને 15 ટકા અનામત મળ્યું છે. 100 ટકામાંથી 15 ટકા આદિવાસીથી જ ભરવાની હોય છે. ત્યારે તા.18/05/2023 ના રોજ સામાન્ય વહીવટ વિભાગ (GAD) દ્વારા એક પરિપત્ર જાહેર કરવામાં આવ્યો હતો, જેમાં અનામત બેઠકો માટે પણ લઘુત્તમ 40% માર્ક્સ ફરજિયાત રાખવામાં આવ્યા છે.

આ નિર્ણયના કારણે 100% ST અનામતની ઘણી બેઠકો ખાલી રહી જાય છે અને બાદમાં તે બેઠકો અન્ય જાતિના ઉમેદવારોથી ભરવામાં આવે છે, જેથી ST સમાજના લોકોને ઘણો અન્યાય થાય છે. આ બાબતે રાજ્ય સરકારને અગાઉ પણ રજૂઆતો કરવામાં આવી હતી, છતાં આજદિન સુધી કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. આગામી 15 દિવસમાં 40% કટ-ઓફ માર્ક્સનો આ પરિપત્ર રદ નહીં કરવામાં આવે તો ST સમાજના તમામ ઉમેદવારોને ગાંધીનગર બોલાવીને વિધાનસભાનો ઘેરાવો કરીશુ.
