Kashtabhanjan Dev Hanumanji Temple: રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશભાઈ અંબાણીના પરિવારની અતૂટ શ્રદ્ધા ફરી એકવાર ગુજરાતના પવિત્ર તીર્થધામમાં જોવા મળી છે. તાજેતરમાં જ મુકેશભાઈ અને અનંત અંબાણીની મુલાકાત બાદ, આજે નીતાબેન અંબાણીના માતા પૂર્ણિમાબેન દલાલ અને તેમના બહેન મમતાબેન દલાલ સાળંગપુર હનુમાનજી (કષ્ટભંજન દેવ) ના શરણમાં પહોંચ્યા હતા.
ભક્તિ અને આસ્થાનો સંગમ
નવા વર્ષ 2026ના પ્રારંભે અંબાણી પરિવાર સતત ધાર્મિક યાત્રાઓ કરી રહ્યો છે. આ કડીમાં પૂર્ણિમાબેન અને મમતાબેને સાળંગપુર મંદિરે પહોંચીને દાદાની વિશેષ પૂજા-અર્ચના કરી હતી. મંદિરના કોઠારી સ્વામી અને સંતો દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. શાસ્ત્રોક્ત વિધિ મુજબ પૂજન કર્યા બાદ તેમણે દાદાના શિખર દર્શન કરી ધન્યતા અનુભવી હતી.


આ ઉપરાંત નીતાબેનના માતા અને બહેને દાદાને ધજા ચઢાવી હતી. ત્યારબાદ 'કિંગ ઓફ સાળંગપુર'ના દર્શન કર્યા હતા. મુલાકાત દરમિયાન મંદિર તરફથી પૂર્ણિમાબેન દલાલ તથા મમતાબેન દલાલનું ભાવભર્યું સ્વાગત કર્યું હતું અને તેમને ફુલ-હાર પહેરાવી કિંગ ઓફ સાળંગપુરની પ્રતિમા આપી સન્માનિત કર્યા હતા. દર્શનાર્થીઓમાં પણ અંબાણી પરિવારના સભ્યોની સાદગી જોઈ અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો.
સાળંગપુર હનુમાનજી મંદિર તેના આધ્યાત્મિક વાતાવરણ અને ભવ્ય કિંગ ઓફ સાળંગપુર પ્રતિમા માટે વિશ્વભરમાં જાણીતું છે. અંબાણી પરિવારની આ મુલાકાત તેમની સનાતન પરંપરા અને દેવસ્થાનો પ્રત્યેની અતૂટ શ્રદ્ધા પ્રતીત કરે છે

સાળંગપુર દાદાના પણ આશીર્વાદ લીધા હતા
નોંધનીય છે કે, આ જ સપ્તાહમાં 4 જાન્યુઆરી 2026ના રોજ મુકેશભાઈ અંબાણી અને અનંત અંબાણીએ પણ સાળંગપુરની મુલાકાત લીધી હતી. તે સમયે તેમણે દાદાના ચરણોમાં ₹5 કરોડનું દાન અર્પણ કર્યું હતું. મંદિરના શિખર પર ધ્વજારોહણ કર્યું હતું. આ ઉપરાંત રિલાયન્સ જીઓ પ્લેટફોર્મ પર દાદાની લાઈવ આરતી ભક્તો સુધી પહોંચાડવા અંગે પણ ચર્ચાઓ કરી હતી.
મુકેશ અંબાણી તેમના પુત્ર અનંત અંબાણી સાથે આજે સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિરની મુલાકાતે પહોંચ્યા હતા. જ્યાં પિતા-પુત્રની આ જોડીએ હનુમાન દાદાના ચરણોમાં શીશ ઝૂકાવી વિશેષ પૂજા-અર્ચના કરી હતી. કષ્ટભંજન દેવ મંદિર પરિસરમાં મુકેશ અંબાણી અને અનંત અંબાણીએ શાસ્ત્રોક્ત વિધિ મુજબ ગાયની પૂજા કરી હતી. જે બાદ તેઓએ ભક્તિભાવ સાથે મંદિરના શિખર પર ધજા ચડાવી હતી. પિતા-પુત્ર દાદાના દર્શન કરીને ભાવવિભોર જણાતા હતા.

અંબાણી પરિવાર સોમનાથના દર્શને ગયો હતો
દેશના અગ્રણી ઉદ્યોગપતિ અને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ (RIL)ના ચેરમેન મુકેશ અંબાણીએ તેમના પત્ની નીતા અંબાણી તથા દીકરા અનંત સાથે નવા વર્ષના શરૂઆત નિમિત્તે સોમનાથ મંદિરની આજે મુલાકાત લીધી હતી અને ભગવાન સોમનાથ મહાદેવના દર્શન કરીને આશીર્વાદ લીધા હતા. અંબાણી પરિવાર હેલિકોપ્ટર મારફતે સોમનાથ પહોંચ્યો હતો.આ સાથે ઉદ્યોગપતિ મુકેશ અંબાણીએ આજે સોમનાથ મંદિર ખાતે રૂપિયા 5 કરોડનું દાન પણ આપ્યું છે. આ અગાઉ મંદિર ખાતેના પુજારી દ્વારા અંબાણી પરિવારનું સ્વાગત કરવામાં આવ્યું હતું.

પરિવારની પરંપરા
અંબાણી પરિવાર કોઈ પણ મોટા આયોજન કે પ્રસંગ પહેલા ભગવાનના આશીર્વાદ લેવા માટે જાણીતો છે. નીતાબેનના માતા પૂર્ણિમાબેન દલાલ ઘણીવાર મહત્વના પ્રસંગોએ પ્રાર્થના કરતા જોવા મળે છે. તેમના સાળી મમતાબેન દલાલ, જેઓ ધીરુભાઈ અંબાણી ઇન્ટરનેશનલ સ્કૂલમાં શિક્ષણ ક્ષેત્રે મહત્વનું યોગદાન આપી રહ્યા છે, તેઓ પણ આ આધ્યાત્મિક મુલાકાતમાં જોડાયા હતા.
