Botad: શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે 'શ્રી હનુમાન જયંતી મહામહોત્સવ' અંતર્ગત આજે સવારે સાડા 7 કલાકે સાળંગપુર ધામના રાજાનું ઐતિહાસિક પૂજન કરવામાં આવ્યું હતુ. જેમાં બ્રાહ્મણો તેમજ હરિપ્રકાશદાસ સ્વામીના હસ્તે ભવ્ય એવં દિવ્ય રાજોપચાર પૂજન સંપન્ન થયું હતું.
દાદાને ઓર્કિડ-ગુલાબ- સેવંતીના ફૂલો દ્વારા વિશેષ શણગાર કરવામાં આવ્યો હતો. શોભાયાત્રા સાથે સવારે 08:00 કલાકે શ્રી કષ્ટભંજનદેવ દાદાનું દિવ્ય રાજોપચાર પૂજનનું આયોજન કરવામાં આવ્યું.
આ તકે દાદાને દિવ્ય શણગાર સાથો સાથ ફળ,પુષ્પ, ડ્રાયફ્રુટ વિગેરે ધરવવામાં આવ્યા હતા. આ ઉપરાંત 1008 કિલો પુષ્પોથી અભિષેક- પુષ્પવર્ષા કરવામાં આવી હતી. 11 કલાકે દાદાની દિવ્ય આરતી શાસ્ત્રી હરિપ્રકાશદાસજી સ્વામી (અથાણાવાળા)દ્વારા કરવામાં હતી. તેમજ હજારો ભક્તોએ પ્રત્યક્ષ તેમજ ઓનલાઈન આ દિવ્ય દર્શનનૉ લાભ લઈ ધન્યતાનો અનુભવ કર્યો હતો.
મહત્વનું છે કે, શ્રી સાળંગપુરધામમાં શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મહારાજને રાજોપચાર પૂજા ઘણી વખત કરવામાં આવે છે.ભગવાન શ્રી રામના સમર્પિત સેવક હનુમાનજી મહારાજ પણ એક રાજાની જેમ પોતાનાં ભક્તોના કષ્ટોને નિરંતર દૂર કરે છે, તેથી જ શ્રી સાળંગપુરધામમાં કોઈને કોઈ કારણસર રાજોપચાર પૂજન કરવામાં આવે છે.

જે ઉપચારથી રાજા પ્રસન્ન થાય છે તેને રાજોપચાર પૂજા કહે છે. શ્રી હનુમાનજી મહારાજ શાસ્ત્રોમાં પારંગત છે. જેઓ વેદોના રહસ્યો જાણે છે, તેથી જ રાજોપચાર પૂજામાં ચાર વેદના મંત્રો સૌપ્રથમ હનુમાનજી મહારાજને સમર્પિત થાય છે.

જે બાદ પ્રાન્તિક ભાષામાં લખેલા શાસ્ત્રો, પુરાણો, ઉપનિષદો અને ગાનું પણ હૃદયપૂર્વક પાઠ કરવામાં આવે છે. જેમ રાજાને સંગીત અને નૃત્ય ગમે છે, તેવી જ રીતે હનુમાનજી મહારાજની સામે શાસ્ત્રીય સંગીત સહીત વિવિધ સંગીતનાં સાધનો વડે સંગીત રજૂ કરીને હનુમાનજી મહારાજને પ્રસન્ન કરે છે. વિવિધ વસ્ત્રો, આભૂષણો, સ્વાદિષ્ટ નૈવેદ્ય અને મંગલ નિરાજન પણ હનુમાનજી મહારાજને સમર્પિત છે. 1008 કિલોથી વધુ ગુલાબની પાંખડીઓ સાથે શ્રી હનુમાનજી મહારાજના ફૂલની વર્ષા કરવામાં આવી હતી.
