રાણપુરમાં જમીનની લાલચમાં લોહીના સંબંધો લજવાયા: પત્ની અને બે પુત્રોએ મળી આધેડની કરપીણ હત્યા કરી

બોટાદના રાણપુર તાલુકાના ગુંદા ગામે જમીન નામે ન કરી આપતા પત્ની અને બે પુત્રોએ મળીને આધેડની નિર્મમ હત્યા કરી. પોલીસે ફરાર માતા-પુત્રોની શોધખોળ શરૂ કરી છે.

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Fri, 12 Jun 2026 10:09 AM (IST)Updated: Fri, 12 Jun 2026 10:09 AM (IST)
botad-ranpur-gunda-village-murder-wife-sons-killed-man-for-land

Botad News: બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાના ગુંદા ગામેથી એક અત્યંત ચૌંકાવનારો અને ગુનાહિત કિસ્સો સામે આવ્યો છે. માત્ર જમીન પોતાના નામે ન કરી આપવાની અદાવતમાં એક પત્નીએ તેના જ બે સગા પુત્રો સાથે મળીને પોતાના પતિની નિર્મમ હત્યા કરી નાખી છે. આ ચકચારી બનાવને પગલે સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી છે. મૃતકના ભાઈની ફરિયાદના આધારે રાણપુર પોલીસે ગુનો નોંધીને ફરાર માતા-પુત્રોની શોધખોળ શરુ કરી છે.

પુત્રોના નામે જમીન ન કરતા ખેલાયો લોહિયાળ ખેલ

મળતી માહિતી પ્રમાણે,રાણપુરના ગુંદા ગામે રહેતા 43 વર્ષીય અનિરુદ્ધ ખાચરના નામે કિંમતી જમીન આવેલી હતી. આ જમીન તેમના બંને પુત્રો અમીરાજ અને વિશ્વજીત પોતાના નામે કરાવવા અવારનવાર દબાણ કરતા હતા. જોકે, અનિરુદ્ધભાઈ જમીન નામે કરી આપવાનો ઈન્કાર કરી દિધો હતો. આ વાતનો મનમાં ખાર રાખીને પત્ની ઉમાબેન અને પુત્રોએ રાત્રિના સમયે હત્યાનો પ્લાન ઘડી કાઢ્યો હતો.

ગત 10 જૂનની મોડી રાત્રે આશરે 2 વાગ્યાની આસપાસ જ્યારે અનિરુદ્ઘભાઈ સૂતા હતા. ત્યારે પત્ની ઉમાબેને પતિનું ગળું દબાવી દીધું હતું. બંને પુત્રો અને પત્નીએ એકસંપ થઈને લોખંડના પાટલા વડે અનિરુદ્ધભાઈના માથા પર ઘા ઝીંકી દિધા હતા.

' અમે જે કર્યું એ બરાબર કર્યું' કહી આરોપીઓ ફરાર

અનિરુદ્ધભાઈના માથે ગંભીર ઈજાઓ પહોચતા તેમણે ચીસાચીસ કરી મૂકી હતી. આથી બાજુમાં રહેતા મોટાભાઈ માણશીભાઈ ખાચર દોડી આવ્યા હતા. તેમણે ઘરમાં જઈને વચ્ચે બચાવાનો પ્રયાસ કર્યો અને પૂંછ્યુ કે, આ તમે શું કર્યું? ત્યારે ક્રૂરતાની હદ વટાવી ગયેલા અમીરાજે જવાબ આપ્યો કે, "અમે જે કર્યું એ બરાબર કર્યું છે." આટલું કહીને માતા અને બંને પુત્રો રાત્રિના અંધકારમાં પલાયન કરી ગયા હતા.

હૉસ્પિટલ પહોંચે તે પહેલાં જ દમ તોડ્યો

મોટા ભાઈ માણશીભાઈ અને તેમના દીકરા સત્યજીતભાઈ તાત્કાલિક લોહીલુહાણ હાલતમાં અનિરુદ્ધભાઈને હોસ્પિટલ લઈ ગયા હતા. પરંતુ હોસ્પિટલના ફરજ પરના તબીબે તપાસીને તેમને મૃત જાહેર કર્યા હતા.

પોલીસ એક્શન: માતા અને બે પુત્રો સામે ગુનો દાખલ

આ મામલે મૃતકના મોટા ભાઈ માણશીભાઈ મોટુભાઈ ખાચરે રાણપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે નીચેના ત્રણ આરોપીઓ સામે હત્યાનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે:

  • ઉમાબેન અનિરુદ્ધભાઈ ખાચર (પત્ની)
  • અમીરાજ અનિરુદ્ધભાઈ ખાચર (પુત્ર)
  • વિશ્વજીત અનિરુદ્ધભાઈ ખાચર (પુત્ર)

પોલીસ કાર્યવાહી: રાણપુર પોલીસે ગુનો નોંધીને ફરાર થઈ ગયેલી માતા અને તેના બંને પુત્રોને ઝડપી પાડવા માટે અલગ-અલગ બે ટીમો બનાવીને ચક્રો ગતિમાન કર્યા છે.