Botad News: બોટાદ જિલ્લાના ગઢડા તાલુકામાંથી હનીટ્રેપ અને બ્લેકમેલિંગની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. ગઢડાના પ્રખ્યાત હરીપર રોડ વિસ્તારમાં એક યુવકને પ્રેમજાળમાં ફસાવી, અશ્લીલ વીડિયો બનાવીને લાખો રૂપિયા પડાવી લેવામાં આવ્યા છે. આ મામલે ભોગ બનનાર યુવકે ગઢડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પંથકમાં ભારે ચકચાર મચી ગઈ છે. પોલીસે એક મહિલા સહિત કુલ સાત શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
રૂમ પર બોલાવી વીડિયો ઉતાર્યો
પોલીસ ફરિયાદમાં મળેલી વિગતો અનુસાર, બોટાદના લાઠીદડ ગામના રહેવાસી અંકિતભાઈ જયસુખભાઈ અંદીપરા આ હનીટ્રેપ ગેંગનો શિકાર બન્યા છે.
આરોપીઓએ સુનિયોજિત કાવતરું ઘડીને અંકિતભાઈને ગઢડાના હરીપર રોડ પર આવેલી આઈ.ટી.આઈ. (ITI) ની સામેના એક મકાનમાં બોલાવ્યા હતા. યુવક ત્યાં પહોંચતા જ પૂર્વ આયોજિત પ્લાન મુજબ ભાવનાબેન નામની મહિલા સાથે તેના ફોટા પાડી લેવામાં આવ્યા હતા અને છૂપી રીતે વીડિયો શૂટિંગ કરી લેવાયું હતું.
ખોટા કેસમાં ફસાવવાની ધમકી આપી ₹2.48 લાખ પડાવ્યા
વીડિયો શૂટ થઈ ગયા બાદ આરોપીઓએ પોતાનો અસલી ચહેરો બતાવ્યો હતો. અંકિતભાઈને ધમકી આપવામાં આવી હતી કે જો તેઓ રૂપિયા નહીં આપે તો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ કરી દેવામાં આવશે અને તેમને રેપ કેસના ખોટા કેસમાં ફસાવી દેવાશે. બદનામીના ડરથી યુવકે આરોપીઓની માંગ સામે નમવું પડ્યું હતું અને ગેંગે તેની પાસેથી બળજબરીપૂર્વક રૂપિયા 2,48,000 પડાવી લીધા હતા.
વધુ 2.50 લાખની માંગણી સાથે મારપીટ અને હેરાનગતિ
રૂપિયા મેળવ્યા બાદ પણ હનીટ્રેપ ગેંગની લાલચ શાંત થઈ નહોતી. આરોપીઓએ અંકિતભાઈ અને તેમની સાથે આવેલા એક સાક્ષીને બંધક બનાવી, બેરહેમીથી મારપીટ કરી હતી અને અપશબ્દો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આટલું જ નહીં, આરોપીઓએ કાળી કમાણી માટે વધુ રૂપિયા 2,50,000 ની માંગણી કરીને સતત ઉઘરાણી અને માનસિક ત્રાસ આપવાનું શરૂ રાખ્યું હતું. અંતે કંટાળીને યુવકે કાયદાનો આશરો લીધો હતો.
આરોપીઓના નામ: મહિલા સહિત 7 સામે FIR
ભોગ બનનાર અંકિતભાઈ અંદીપરાની ફરિયાદના આધારે ગઢડા પોલીસે નીચે મુજબના નામચીન આરોપીઓ સામે નામજોગ અને અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધ્યો છે:
- અજયભાઈ રૂડાભાઈ બોળીયા
- ધનાભાઈ રાહાભાઈ પરમાર
- ભાવનાબેન (મુખ્ય મહિલા આરોપી)
- અન્ય 4 અજાણ્યા શખ્સો (જેમની ઓળખ મેળવવા પોલીસ તપાસ ચાલુ છે)
