Botad: બોટાદ જિલ્લાના રાણપુરમાં ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં રાણપુરની કિનારા ચોકડી પાસે પુરપાટ આવતી ટ્રક સામેથી આવતી ઈકો કાર સાથે ધડાકાભેર ભટકાઈ હતી. આ અકસ્માતમાં 3 લોકોના ઘટના સ્થળે જ કમકમાટીભર્યા મોત નીપજ્યા છે, જ્યારે 4 ઈજાગ્રસ્તોની હાલત નાજુક હોવાનું માલૂમ પડ્યું છે.
ટ્રકની ટક્કર બાદ ઈકો કારનો કચ્ચરઘાણ
આ અંગે પ્રાપ્ત વિગતો પ્રમાણે, મધ્ય પ્રદેશના પનાલા ગામથી શ્રમિકો ઈકો કારમાં રાણપુરના કુંડળી ગામે ખેત મજૂરી અર્થે આવી રહ્યા હતા. ઈકો કાર ધંધુકા તરફ જવાના હાઈવે પરથી પસાર થઈ રહી હતી, ત્યારે કિનારા ચોકડી પાસે સામેથી પુરપાટ આવતા ટ્રક સાથે ભીષણ ટક્કર થઈ હતી.
આ અકસ્માત એટલો ભયાનક હતો કે, ટ્રક સાથેની ટક્કર બાદ ઈકો કારનો કચ્ચરઘાણ વળી ગયો હતો. આ ઘટનાના પગલે સ્થાનિકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા અને કંટ્રોલ રૂમમાં ફોન કર્યો હતો.
બીજી તરફ આ બનાવની જાણ થતાં પોલીસ, મામલતદાર અને 108 એમ્બ્યુલન્સ સહિતનો કાફલો પણ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો. આ અકસ્માતમાં ઈકોમાં સવાર 3 લોકોએ ઘટના સ્થળે જ દમ તોડ્યો હતો. જ્યારે 4 મુસાફરોની હાલત ગંભીર જાણાતા તેઓને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. હાલ તો પોલીસે 3 મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
