Gujarat new shipping route: ગુજરાત અને ભારતના આયાત-નિકાસ અને મેરીટાઇમ વેપાર ક્ષેત્ર માટે રાહતરૂપ સમાચાર સામે આવ્યા છે. લાલ સમુદ્રમાં ચાલતી નવી સાઉથ રેડ સી શિપિંગ સેવાનું હવે પશ્ચિમ સાઉદી અરેબિયાના જેદ્દાહ ઇસ્લામિક પોર્ટ સુધી વિસ્તરણ કરવામાં આવ્યું છે. સાઉદી પોર્ટ્સ ઓથોરિટી દ્વારા કરાયેલી આ જાહેરાતની સીધી અસર ગુજરાતના વ્યાપારને પડશે.
અમીરાત શિપિંગ લાઈન દ્વારા સંચાલિત આ નવો મેરીટાઇમ રૂટ હવે ગુજરાતના મુન્દ્રા પોર્ટને સીધું સાઉદી અરેબિયાના જેદ્દાહ પોર્ટ અને આફ્રિકાના જીબુટી પોર્ટ સાથે જોડશે. આ નવો રૂટ ગુજરાતના સ્થાનિક ઉદ્યોગોથી લઈને વૈશ્વિક સપ્લાય ચેઇન માટે ગેમચેન્જર સાબિત થઇ શકે છે.
વૈશ્વિક પડકારો વચ્ચે મળ્યો સુરક્ષિત વિકલ્પ
હાલમાં ગ્લોબલ શિપિંગ બેવડા પડકારોનો સામનો કરી રહ્યું છે. એક તરફ સ્ટ્રેટ ઓફ હોમુંઝમાં ઈરાન-ઈઝરાયેલ તણાવ અને અન્ય કારણોસર ભારે અશાંતિ છે. તો બીજી તરફ લાલ સમુદ્રના દક્ષિણ ભાગમાં હુથી (Houthis) બળવાખોરોના હુમલાનો ડર સતાવી રહ્યો છે.
આવી વિકટ સ્થિતિમાં સાઉદી અરેબિયાનો આ નવો ‘વેસ્ટર્ન કોરીડોર' (જેદ્દાહ રૂટ) એક રક્ષિત અને વ્યૂહાત્મક વિકલ્પ પૂરો પાડે છે. સાઉદી અરેબિયાના પશ્ચિમ કિનારે આવેલો આ માર્ગ પ્રમાણમાં વધુ સુરક્ષિત માનવામાં આવે છે, અને તે રિયાધના 'ગ્લોબલ લોજિસ્ટિક્સ હબ' બનવાના માસ્ટરપ્લાનનો જ એક હિસ્સો છે.
ટ્રાન્ઝિટ સમય અને ખર્ચમાં મોટી બચત
આ સીધી કનેક્ટિવિટીના કારણે લોજિસ્ટિક્સ ક્ષેત્રે મોટો ફાયદો જોવા મળશે:
- સમયની બચત: સીધા જેદ્દાહ કે જીબુટી પહોંચવાથી જહાજોના ટ્રાન્ઝિટ સમયમાં અંદાજે 5 થી 7 દિવસ બચી જશે.
- ખર્ચમાં ઘટાડો: સમય બચવાની સાથે એક્સપોર્ટર્સના લોજિસ્ટિક્સ અને ફ્રેટના ખર્ચમાં પણ અંદાજે 10-15 ટકાનો ઘટાડો થવાની શક્યતા છે.
વેપાર માટે મુન્દ્રા પોર્ટની જ પસંદગી કેમ?
આ નવા રૂટ માટે મુન્દ્રા પોર્ટ એક આદર્શ પસંદગી છે કારણ કે તે ‘વેસ્ટર્ન ડેડિકેટેડ ફ્રેટ કોરિડોર' નામની હાઈ-સ્પીડ કાર્ગો ટ્રેન નેટવર્ક માટે ગેટવે સમાન છે. આ સુવિધાના કારણે આયાત-નિકાસ થતો કાર્ગો ખૂબ જ ઝડપથી NCR (નેશનલ કેપિટલ રિજન) અને ઉત્તર ભારતના અન્ય ઔદ્યોગિક વિસ્તારોમાં પહોંચાડી શકાશે.
ગુજરાતના કયા ઉદ્યોગોને થશે સીધો ફાયદો?
ગુજરાતના આ નવા શિપિંગ રૂટની સૌથી મોટી અને હકારાત્મક અસર ગુજરાતના MSME સેક્ટર પર પડશે.
- મોરબી અને રાજકોટ: મોરબીની પ્રખ્યાત સિરામિક ટાઇલ્સ અને રાજકોટના એન્જિનિયરિંગ ગુડ્સ તથા ઓટો પાર્ટ્સ માટે સાઉદી અરેબિયા ખૂબ મોટું માર્કેટ છે. ડાયરેક્ટ શિપિંગથી હવે આ માલ વધુ ઝડપથી પહોંચી શકશે.
- જામનગર અને કચ્છઃ જામનગરના બ્રાસ પાર્ટ્સ ઉદ્યોગ અને કચ્છની એગ્રીકલ્ચર પ્રોડક્ટ્સ જેમ કે એરંડા, ખારેક અને કપાસની નિકાસને નવા રૂટથી ગતિ મળશે.
- આફ્રિકન માર્કેટમાં એન્ટ્રી: જીબુટી પોર્ટ મારફતે ગુજરાતનો માલ સીધો આફ્રિકા ખંડના આંતરિક બજારોમાં સરળતાથી અને ઝડપથી પહોંચી શકશે.
