Bhuj: ભારતના મધ્ય પ્રદેશના કુનો નેશનલ પાર્ક ખાતે ચિત્તાના પુનર્વસન પ્રોજેક્ટને વર્ષ 2022માં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસ પર શરૂ કરવામાં આવ્યો, ત્યારથી પ્રોજેક્ટ સતત ચર્ચામાં છે અને દિવસેને દિવસે પ્રોજેક્ટ નવા સિમાચિન્હ પાર કરી રહ્યું છે.
ભારતમાં હવે ચિત્તાની સંખ્યા 53 થઈ ગઈ છે અને તેમાં ભારતમાં જન્મેલા ચિત્તાની સંખ્યા 33 જેટલી છે. પ્રોજેક્ટ પર સતત કેન્દ્ર સરકાર તેમજ રાજ્ય સરકાર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે અને જરૂરી તમામ પ્રકારની મદદ કરી રહ્યું છે.
મધ્ય પ્રદેશ સરકાર દ્વારા પ્રોજેક્ટનું વિસ્તરણ કરવામાં આવ્યું છે, જેના ભાગરૂપે હવે ચિત્તાને અન્ય સ્થળે પણ લઈ જવામાં આવી રહ્યાં છે. પ્રથમ તબક્કામાં પ્રોજેક્ટને કુનો નેશનલ પાર્ક ખાતે શરૂ કરવામાં આવ્યો હતો, જ્યાં પ્રોજેક્ટને શાનદાર સફળતા મળી છે.
હાલ કુનો નેશનલ પાર્ક ખાતે ચિત્તાની સંખ્યા 50 થઈ ગઈ છે. બીજા તબક્કામાં 3 ચિત્તાને ગાંધીસાગર ખાતે વિસ્તરણના ભાગરૂપે સ્થળાંતર કરવામાં આવ્યાં છે. આમ હાલ રાજ્યમાં ચિત્તાની કુલ સંખ્યા 53 થઈ ગઈ છે.
સચિવ, મુખ્યમંત્રી અને પ્રવાસન તથા મેનેજિંગ ડિરેક્ટર, મધ્ય પ્રદેશ પ્રવાસન બોર્ડ ડૉ. ઇલૈયારાજા ટી.એ જણાવ્યું હતું કે, કુનો રાષ્ટ્રીય ઉદ્યાનમાં ચિત્તા સ્થળાંતર પ્રોજેક્ટની અભૂતપૂર્વ સફળતાએ રાજ્યમાં વન્યજીવન અને પ્રકૃતિ આધારિત પર્યટનને એક નવી ઓળખ આપી છે.

આ અનુભવને વધુ સમૃદ્ધ બનાવવા માટે, મધ્યપ્રદેશ પ્રવાસન બોર્ડે કુનો ફોરેસ્ટ રીટ્રીટની સ્થાપના કરી છે, જ્યાં પ્રવાસીઓ જંગલની નજીક વન્યજીવનનો અનુભવ કરી શકે છે અને તેનો આબેહૂબ અને અધિકૃત રીતે અનુભવ કરી શકે છે. આ પહેલ માત્ર પર્યટનને પ્રોત્સાહન આપી રહી નથી પરંતુ સ્થાનિક સમુદાયો માટે આજીવિકાની નવી તકો પણ ઉભી કરી રહી છે.
વર્ષ 2022માં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તેમના જન્મદિવસ પર કુનો નેશનલ પાર્ક ખાતે 8 ચિત્તાને છોડ્યા હતાં અને પ્રોજેક્ટની શરૂઆત કરી હતી. જે બાદ વર્ષ 2023માં રાજ્યના ભૂતપૂર્વ મુખ્યમંત્રી તથા હાલના કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી, ભારત સરકાર શિવરાજસિંહ ચૌહાણે 12 ચિત્તાને જંગલમાં મુક્ત કર્યા હતાં. સતત દેખરેખ અને કાળજીના સ્વરૂપે રાજ્યમાં ચિત્તાની સંખ્યા 53 થઈ ગઈ છે. જે પ્રોજેક્ટની સફળતાને પ્રતિબિંબિત કરે છે.

પ્રોજેક્ટનું વિસ્તરણ
વર્ષ 2022માં કુનો નેશનલ પાર્ક ખાતે 8 ચિત્તાને મુક્ત કરવાની સાથે પ્રોજેક્ટની શરૂઆત થઈ હતી. જે બાદ વર્ષ 2025માં રાજ્યના મુખ્યમંત્રી ડો. મોહન યાદવે 3 ચિત્તાને મુક્ત કર્યાં હતા, આમ પ્રોજેક્ટની બીજા તબક્કામાં વિસ્તરણ કરવામાં આવ્યું હતું. વિશેષજ્ઞો દ્વારા રાજ્યના ત્રીજા સ્થળ તરીકે રાણી દુર્ગાવતી અભ્યારણ્યની પસંદગી કરવામાં આવી છે અને ટુંક જ સમયમાં ચિત્તાના એક સમુહને જંગલમાં મુક્ત કરવામાં આવશે.
ચિત્તાની સંખ્યા
રાજ્યમાં ચિત્તાની કુલ સંખ્યા 53 છે, જેમાં કુનો નેશનલ પાર્ક ખાતે 50 અને ગાંધીસાગર અભ્યારણ્ય ખાતે 3 છે.
ગુજરાતમાં આયોજન
ગુજરાતના કચ્છના બન્ની ઘાસના મેદાનમાં આશરે 600 હેક્ટરમાં બ્રીડિંગ સેન્ટર વિકસાવીને આફ્રિકાથી 8-10 ચિત્તા લાવવાનું આયોજનની તૈયારી ચાલી રહી છે
કુનો ફોરેસ્ટ રિટ્રીટ
મધ્ય પ્રદેશ ટુરિઝમ બોર્ડ દર વર્ષે કુનોમાં ચિત્તા પુનર્વસન અને જૈવવિવિધતાને પ્રોત્સાહન આપવા માટે એક મેગા ફેસ્ટિવલનું આયોજન કરે છે. આ ફેસ્ટિવલને કુનો ફોરેસ્ટ રિટ્રીટ કહેવામાં આવે છે.
આ ફેસ્ટિવલમાં, કુનોમાં એક ટેન્ટ સિટી બનાવવામાં આવે છે, જે પ્રવાસીઓને ટેન્ટ સિટી અને વન વિસ્તારનો આરામદાયક અને યાદગાર અનુભવ આપે છે. પ્રવાસીઓ કુનો અને નજીકના પ્રવાસન સ્થળો જેમ કે ગ્વાલિયર, ઓરછા અને ચંદેરી ની પણ મુલાકાત લે છે.
