Kutch: વર્તમાન સમયમાં દીકરો-દીકરી એક સમાન હોવાના કિસ્સાઓ અવારનવાર સામે આવતા હોય છે, પરંતુ ગઢશીશાના પાટીદાર પરિવારે સમાજ સામે એક એવી મિસાલ કાયમ કરી છે જે અન્ય લોકો માટે પ્રેરણારૂપ બની છે. ગઢશીશાના પાટીદાર પરિવારના મોભીના અવસાન બાદ તેમની છ દીકરીઓએ પિતાની અંતિમ વિધિ કરી પુત્રની ખોટ પૂરી કરી હતી.
સમાજ માટે નવી રાહ ચીંધી
સામાન્ય રીતે પાટીદાર સમાજ કે અન્ય સમાજોમાં જ્યારે કોઈ વ્યક્તિનું નિધન થાય છે, ત્યારે તેમના પુત્ર અથવા અન્ય નજીકના સગાના પુત્રો દ્વારા અંતિમ સંસ્કાર કરવાની પરંપરા હોય છે. જો કે ગઢશીશાના દામજીભાઈ ખીમજીભાઈ રંગાણી (70)ના નિધન બાદ એક અનોખો અને હૃદયસ્પર્શી કિસ્સો જોવા મળ્યો હતો.
છ દીકરીઓએ આપી મુખાગ્નિ
દામજીભાઈના નિધન બાદ તેમની છ દીકરીઓએ નક્કી કર્યું કે, તેઓ પોતે જ પિતાના અંતિમ સંસ્કાર કરશે. આ દીકરીઓએ માત્ર કાંધ જ ન આપી, પરંતુ સ્મશાન ઘાટ સુધી પહોંચીને શાસ્ત્રોક્ત વિધિ મુજબ પિતાને મુખાગ્નિ પણ આપી હતી.

આ ઘટનાએ રૂઢિચુસ્ત પરંપરાઓને બાજુ પર મૂકીને સમાજને નવો રાહ ચીંધ્યો છે. શોકમગ્ન હોવા છતાં દીકરીઓએ મક્કમતા દાખવી પિતા પ્રત્યેની પોતાની ફરજ નિભાવી હતી. પાટીદાર સમાજ અને સ્થાનિક લોકો દ્વારા પરિવારની આ પહેલને બિરદાવવામાં આવી રહી છે.
