Loading...

Kutch: ગાંધીધામ-આદિપુરમાં રૂ.135 કરોડના ખર્ચે બનશે 10 કિમી લાંબો 'ગ્રીન રિંગ રોડ', ટ્રાફિક સમસ્યાથી મળશે મુક્તિ!

આ પ્રોજેક્ટને મુખ્યમંત્રી ગ્રીન રોડ યોજના હેઠળ સૈદ્ધાંતિક મંજૂરી મળી છે.

By: Purvalak DabhiEdited By: Purvalak Dabhi Publish Date: Mon 16 Mar 2026 09:33 AM (IST)Updated: Mon 16 Mar 2026 09:33 AM (IST)
kutch-news-10-km-long-green-ring-road-built-in-gandhidham-adipur-route-708953
HIGHLIGHTS
  • ગાંધીધામમાં બનશે 10 KM લાંબો 'ગ્રીન રિંગ રોડ'
  • ગાંધીધામ-આદિપુરમાં ટ્રાફિક સમસ્યાથી મુક્તિ !
  • મુખ્યમંત્રી ગ્રીન રોડ યોજના હેઠળ સૈદ્ધાંતિક મંજૂરી

Gandhidham Green Ring Road: કચ્છના મહાનગર ગણાતા ગાંધીધામ અને આદિપુરમાં સતત વધતા જતા ટ્રાફિકના ભારણને હળવું કરવા માટે એક મોટા પ્રોજેક્ટની જાહેરાત કરવામાં આવી છે. ગાંધીધામ મહાનગરપાલિકા દ્વારા રજૂ કરાયેલા મહત્વાકાંક્ષી 'ગ્રીન રિંગ રોડ' પ્રોજેક્ટને રાજ્ય સરકાર દ્વારા મુખ્યમંત્રી ગ્રીન રોડ યોજના હેઠળ સૈદ્ધાંતિક મંજૂરી આપી દેવામાં આવી છે.

ગાંધીધામમાં બનશે 'ગ્રીન રિંગ રોડ'

આ માર્ગ શહેરની પરિવહન વ્યવસ્થામાં સીમાચિહ્નરૂપ સાબિત થશે. હાલના ટાગોર રોડના વિકલ્પ તરીકે આ નવો માર્ગ આદિપુર ઘોડા ચોકડીથી શરૂ થઈને નેશનલ હાઇવે સુધી પહોંચશે. ગાંધીધામ મનપાના કમિશ્નર મનીષ ગુરુવાણીના જણાવ્યા અનુસાર, આ રિંગ રોડ શહેરના પશ્ચિમ છેડાથી પૂર્વ છેડાને જોડશે.

ગ્રીન રિંગ રોડનો રૂટ અને સ્ટોપ

10 કિમી લાંબો 'ગ્રીન રિંગ રોડ'આદિપુર ઘોડા ચોકડીથી ઓમ મંદિર મણીનગર, આદિપુર જીઆઈડીસી અને તોલાણી કોલેજ થઈ લીલાશાહ ફાટક, ત્યાંથી રેલવે લાઈનને સમાંતર થઈ રાજવી ફાટક અને ન્યૂ ગોપાલપુરી રેલવે સ્ટેશનના અંતે નેશનલ હાઈવે પર આવેલા ઇન્ડિયન ઓઇલ પેટ્રોલ પંપ સુધી કનેક્ટિવિટી પૂરી પાડવામાં આવશે.

'ગ્રીન રિંગ રોડ' પ્રોજેક્ટની મુખ્ય વિશેષતા

આ પ્રોજેક્ટ માત્ર એક રસ્તો જ નહીં, પરંતુ પર્યાવરણ અને અત્યાધુનિક સુવિધાઓનું પેકેજ છે. અંદાજિત રૂ. 135 કરોડના ખર્ચે તૈયાર થનારા આ 10 કિલોમીટર લાંબા પ્રોજેક્ટની અનેક વિશેષતાઓ પણ છે.

  • મજબૂત CC રોડ: આ પ્રોજેક્ટ હેઠળ 24.4 મીટર (80 ફૂટ) પહોળાઈનો મજબૂત CC રોડ બનાવવામાં આવશે.
  • સ્ટોર્મ વોટર ડ્રેનેજ: વરસાદના સમયે રોડ પર પાણી ભરાવાની સમસ્યા ન થાય તે માટે બંને બાજુ સ્ટોર્મ વોટર ડ્રેનેજ અને જળ સંરક્ષણ માટેના સ્ટ્રક્ચર ઊભા કરવામાં આવશે.
  • અલગ યુટિલિટી ટ્રેન્ચ: વીજળી અને ટેલિકોમ લાઈનો માટે અલગથી યુટિલિટી ટ્રેન્ચ બનશે, જેથી ભવિષ્યમાં આ લાઈનોના કામ માટે વારંવાર નવો રોડ ખોદવો ન પડે.
  • વ્યાપક વૃક્ષારોપણ: માર્ગની વચ્ચે અને આસપાસ મોટા પાયે વૃક્ષારોપણ કરીને તેને ખરા અર્થમાં 'ગ્રીન રોડ' બનાવવામાં આવશે.

વાહનચાલકો અને નાગરિકોને શું ફાયદો થશે?

ગાંધીધામ મહાનગરપાલિકા દ્વારા આ રૂટ પરના દબાણ હટાવી લેવામાં આવ્યા છે, અને ટૂંક સમયમાં જ ટેન્ડર પ્રક્રિયા હાથ ધરીને કામગીરી શરૂ કરવામાં આવશે.

આ નવો રોડ બની જવાથી નાગરિકો માટે એરપોર્ટ, રેલવે સ્ટેશન અને બસ સ્ટેન્ડ સુધી પહોંચવું ખૂબ જ સરળ બની જશે. આ ઉપરાંત, કંડલા પોર્ટ, ભુજ, અંજાર અને મુન્દ્રા તરફ જતા વાહનોને પણ શહેરના આંતરિક ટ્રાફિકમાં ફસાયા વિના સીધો માર્ગ મળી રહેશે, જેનાથી સમય અને ઇંધણ બંનેની બચત થશે.