Chhari-Dhandh becomes Ramsar site: પ્રકૃતિના સંરક્ષણ વગર માનવજાતનું અસ્તિત્વ અશક્ય છે. વેટલેન્ડ્સ માત્ર સુંદરતાનું પ્રતીક નથી, પરંતુ તે ક્લાઈમેટ ચેન્જ સામે લડવામાં આપણા સૌથી મોટા સાથી છે. ગુજરાત સરકાર વેટલેન્ડ્સને ‘પૃથ્વીની કિડની’ તરીકે ગણે છે, જે પાણીને શુદ્ધ કરી ભૂગર્ભજળના સ્તરને ઊંચા લાવે છે. કચ્છમાં આવેલ ‘છારી-ઢંઢ’ પક્ષી અભ્યારણને હવે રામસર સાઈટ તરીકે માન્યતા મળી છે.
ગુજરાતનું ગૌરવ: ‘છારી-ઢંઢ’ બન્યું રામસર સાઈટ
ગુજરાત સરકારના વન અને પર્યાવરણ વિભાગ દ્વારા રાજ્યમાં વેટલેન્ડ્સના સંરક્ષણ માટે નક્કર કામગીરી કરવામાં આવી રહી છે. આ વર્ષે ગુજરાત માટે ગૌરવની ક્ષણ એ છે કે, કચ્છના બન્ની અને મોટા રણની વચ્ચે આવેલું ‘છારી-ઢંઢ’ હવે ભારતની 98મી રામસર સાઈટ તરીકે વિશ્વના નકશા પર અંકિત થયું છે.

બન્નીનું રત્ન ‘છારી-ઢંઢ’ પક્ષી અભ્યારણ
છારી-ઢંઢ એટલે ‘ખારાશવાળું સરોવર’, જે ચોમાસા દરમિયાન હજારો એકર વિસ્તારમાં ફેલાઈ જાય છે. આ વિસ્તારની વિશેષતા એ છે કે તે અત્યંત લુપ્તપ્રાય વનસ્પતિઓ જેવી કે ‘ગૂગળ’ અને ‘કડાયો’નું આશ્રયસ્થાન છે. અહીં દર વર્ષે શિયાળામાં 30 હજારથી વધુ ‘કોમન ક્રેન’ કુંજ પક્ષીઓ મધ્ય એશિયાથી હજારો માઇલનું અંતર કાપીને આવે છે. આ ઉપરાંત, ગંભીર રીતે લુપ્ત થતી પ્રજાતિ 'સોશિયેબલ લેપવિંગ' અને 'કોમન પોચાર્ડ' જેવા પક્ષીઓ માટે આ સુરક્ષિત આવાસ છે.
છારી-ઢંઢની જૈવ વિવિધતા અને સ્થાનિક રક્ષકો
આ વેટલેન્ડની જૈવવિવિધતા એટલી સમૃદ્ધ છે કે તે સાઉદી અરેબિયા અને અન્ય દેશોના પક્ષીઓને પણ આકર્ષે છે, જે ‘સેન્ટ્રલ એશિયન ફ્લાયવે’માં ભારતની ભૂમિકાને સુનિશ્ચિત કરે છે. કચ્છના બન્ની વિસ્તારના માલધારીઓ પેઢીઓથી છારી-ઢંઢના રક્ષક રહ્યા છે. તેમનું પશુપાલન અને કુદરત સાથેનું સહઅસ્તિત્વ જ આ વેટલેન્ડ્સને જીવંત રાખે છે.
સરકાર દ્વારા અહીં ઈન્વેસિવ સ્પીસીઝના નિયંત્રણ માટે સ્થાનિક સમુદાયો અને NGO ના સહયોગથી વિશેષ એક્શન પ્લાન અમલમાં મૂકવામાં આવ્યો છે. 80 ચોરસ કિલોમીટરમાં ફેલાયેલું આ ક્ષેત્ર ચોમાસામાં વરસાદી પાણીથી ભરાય છે, અને શિયાળો આવતા જ પક્ષીઓના કલરવથી ગુંજી ઉઠે છે.

ગુજરાતની પંચરત્ન રામસર સાઈટ્સ
ગુજરાતની પાંચ રામસર સાઇટ રાજ્યની ભૌગોલિક વિવિધતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે.
- નળ સરોવર: પેલિકન અને ફ્લેમિંગો માટે વિશ્વવિખ્યાત
- થોળ પક્ષી અભયારણ્ય: ખેતી અને પ્રકૃતિના અદ્ભુત તાલમેલનું પ્રતીક
- વઢવાણા: ગાયકવાડી શાસનની જળ-વ્યવસ્થાનની દૂરંદેશીનું પ્રતીક
- ખીજડીયા: મીઠા અને ખારા પાણીના સંગમવાળું અજોડ નિવસનતંત્ર
- છારી-ઢંઢ: રણ અને જળનું અનોખું મિલનસ્થાન
સ્થાનિક લોકોના પરંપરાગત જ્ઞાનનો ઉપયોગ
સરકાર માને છે કે, વિકાસ પર્યાવરણના ભોગે ન હોવો જોઈએ. 'અમૃત ધરોહર' યોજના હેઠળ આ સાઇટ્સની આસપાસના લોકોના પરંપરાગત જ્ઞાનનો ઉપયોગ કરી સંરક્ષણ કરવામાં આવે છે. આ તમામ સ્થળોએ ડ્રોન સર્વેલન્સ, સેટેલાઇટ મેપિંગ અને આક્રમક વનસ્પતિઓના નિયંત્રણ માટે સરકાર દ્વારા સઘન એક્શન પ્લાન અમલમાં મૂકવામાં આવ્યો છે.
ભારતની રામસર સાઇટ્સની ઐતિહાસિક સિદ્ધિ
ભારતમાં રામસર સાઇટ્સની સંખ્યા સતત વધી રહી છે, જે સરકારની પર્યાવરણીય કટિબદ્ધતાનો જ્વલંત પુરાવો છે. જાન્યુઆરી 2026 સુધીની વિગતો મુજબ, તાજેતરમાં ગુજરાતમાં કચ્છના ‘છારી-ઢંઢ’ અને ઉત્તર પ્રદેશના ‘પટના પક્ષી અભયારણ્ય’નો રામસર સાઇટ્સમાં સમાવેશ કરવામાં આવ્યો છે. ભારત હવે કુલ 98 રામસર સાઇટ ધરાવે છે, જે દક્ષિણ એશિયાના કોઈપણ દેશની સરખામણીએ સૌથી વધુ છે.
આ સાઇટ્સ અંદાજે 13.84 લાખ હેક્ટર વિસ્તારને આવરી લે છે. પશ્ચિમ બંગાળનું ‘સુંદરબન’ તેના વિશાળ મેન્ગ્રોવ્સ સાથે ભારતનું સૌથી મોટું વેટલેન્ડ છે, જ્યારે હિમાચલ પ્રદેશનું ‘રેણુકા સરોવર’ સૌથી નાનું હોવા છતાં જૈવ વિવિધતાની દૃષ્ટિએ અત્યંત સમૃદ્ધ છે. આ આંકડાઓ ભારતની ઇકોસિસ્ટમની મજબૂતીનું પ્રતિબિંબ પાડે છે.

2 ફેબ્રુઆરી-'વિશ્વ વેટલેન્ડ દિવસ'
દર વર્ષે 2 ફેબ્રુઆરીના રોજ સમગ્ર વિશ્વમાં 'વિશ્વ વેટલેન્ડ દિવસ'ની ઉજવણી કરવામાં આવે છે. વેટલેન્ડ એટલે કે જળપ્લાવિત વિસ્તાર, જે પૃથ્વીની ઈકોસિસ્ટમનો એક અનિવાર્ય હિસ્સો છે. આવી સાઈટ જૈવવિવિધતા જાળવવામાં અને પર્યાવરણના સંતુલનમાં પાયાની ભૂમિકા ભજવે છે. આ દિવસની ઉજવણીનો મુખ્ય હેતુ જળાશયો, નદીઓ, કાદવ-કીચડવાળા વિસ્તાર અને દરિયાકાંઠાના ભાગોના સંરક્ષણ માટે જાગૃતિ લાવવાનો છે.
વેટલેન્ડના સંરક્ષણ માટે 'રામસર સંમેલન'
1971 માં ઈરાનના 'રામસર' શહેરમાં દુનિયાભરના વેટલેન્ડના સંરક્ષણ માટે એક આંતરરાષ્ટ્રીય સંધિ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા, જેને 'રામસર સંમેલન' તરીકે ઓળખવામાં આવે છે. ભારત આ સંધિમાં 1982 માં જોડાયું હતું. ત્યારથી દેશમાં વેટલેન્ડ્સના સંરક્ષણ માટેના પ્રયત્નો અમૃત કાળમાં નવી ઊંચાઈએ પહોંચ્યા છે.
આંતરરાષ્ટ્રીય અભિયાનમાં ભારતનો મહત્વપૂર્ણ ફાળો
ભારત પર્યાવરણના જતન અને વિકાસના સંતુલિત મોડેલ તરીકે વૈશ્વિક ફલક પર ઉભરી આવ્યું છે. વેટલેન્ડ જેને આપણે જળપ્લાવિત વિસ્તાર કહીએ છીએ, તે માત્ર પાણીના સંગ્રહ સ્થાન નથી, પરંતુ તે પૃથ્વીની જૈવિક પ્રક્રિયાનું હૃદય છે. રામસર શહેરમાં થયેલી સંધિ બાદ વેટલેન્ડના સંરક્ષણ માટે આંતરરાષ્ટ્રીય અભિયાન શરૂ થયું હતું, તેને ભારતે છેલ્લા દાયકામાં નવી ઊંચાઈ આપી છે. ભારતની આ વિકાસયાત્રા હવે પ્રકૃતિના સંરક્ષણ સાથે અતૂટ રીતે જોડાઈ ગઈ છે.
વર્ષ 2026 ની વિશેષ થીમ અને સાંસ્કૃતિક વારસો
વર્ષ 2026 માટેની થીમ "Wetlands and Traditional Knowledge: Celebrating Cultural Heritage" એટલે કે “વેટલેન્ડ્સ અને પરંપરાગત જ્ઞાન: સાંસ્કૃતિક વારસાની ઉજવણી” ભારતની અસ્મિતા સાથે સીધી જોડાયેલી છે. આ થીમ હેઠળ માત્ર પર્યાવરણીય પાસાઓ જ નહીં, પણ સ્થાનિક આદિવાસી સમુદાયો અને ગ્રામીણ જનતાની સાંસ્કૃતિક અને આધ્યાત્મિક આસ્થાને પણ ઉજાગર કરવામાં આવી રહી છે.
આદિવાસી સમુદાયો અને ગ્રામીણ જનતા પેઢીઓથી આ કુદરતી સ્ત્રોતોના સાચા રક્ષક રહ્યા છે. ભારતની સભ્યતા હજારો વર્ષોથી નદીઓ અને સરોવરોના કિનારે ફૂલીફાલી છે. આપણા પૂર્વજો પાસે જળ સંચય અને જળ પ્લાવિત વિસ્તારની જાળવણીનું જે પરંપરાગત જ્ઞાન હતું, તેને આધુનિક વિજ્ઞાન સાથે જોડવાનો પ્રયાસ સરકાર કરી રહી છે.
આમ, વિશ્વ વેટલેન્ડ દિવસ એ માત્ર એક દિવસની ઉજવણી નથી, પરંતુ તે પર્યાવરણીય ન્યાય અને ટકાઉ વિકાસ તરફનું એક મક્કમ ડગલું છે.
