આફ્રિકાના કોંગોમાં ઇબોલા પ્રતિબંધો વચ્ચે ફસાયા ભુજના આસિસ્ટન્ટ પ્રોફેસર, ગુજરાત સરકારના એક્શનથી થઈ રહી છે વતન વાપસી!

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, NSGF અને વિદેશ મંત્રાલયના સંયુક્ત પ્રયાસોથી 1 મહિના બાદ પ્રોફેસરની સુરક્ષિત ભારત વાપસી થઈ છે. જાણો વિગતવાર અહેવાલ.

By: Jignesh TrivediEdited By:Jignesh TrivediPublish Date: Wed, 17 Jun 2026 07:31 PM (IST)Updated: Wed, 17 Jun 2026 07:31 PM (IST)
assistant-professor-from-bhuj-trapped-in-congo-africa-amid-ebola-restrictions-returns-home-due-to-gujarat-governments-action

Bhuj Professor Stuck in Congo: વિદેશની ધરતી પર મુશ્કેલીમાં મુકાયેલા ભારતીય નાગરિકોની વહારે આવવાની પોતાની પ્રતિબદ્ધતાને ગુજરાત સરકારે ફરી એકવાર સાબિત કરી બતાવી છે. ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગો (ડીઆરસી)ના ગોમા શહેરમાં ઇબોલા વાયરસના ભય અને સરહદી પ્રતિબંધોને કારણે લગભગ એક મહિનાથી ફસાયેલા ભુજ (કચ્છ)ના આસિસ્ટન્ટ પ્રોફેસર ડૉ. અમીન સમા આખરે સુરક્ષિત રીતે વતન પાછા ફરી રહ્યા છે. ગુજરાત સરકારના ત્વરિત હસ્તક્ષેપ અને કેન્દ્ર સરકાર સાથેના મજબૂત સંકલનને કારણે પ્રોફેસરની ભારત વાપસીનો માર્ગ સરળ બન્યો છે.

મિત્રને મળવા ગયા અને અચાનક સરહદો થઈ ગઈ સીલ!

મળતી માહિતી મુજબ, ભુજની પ્રતિષ્ઠિત શ્રી આર.આર. લાલન કોલેજમાં સહાયક અદ્યાપક (Assistant Professor) તરીકે ફરજ બજાવતા ડૉ. અમીન સમા ગત 15 મે, 2026ના રોજ કિગાલી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ થઈને રવાંડા પહોંચ્યા હતા. ત્યાંથી તેઓ પોતાના બાળપણના એક મિત્રને મળવા માટે કાયદેસરની પ્રક્રિયા પૂર્ણ કરીને ડીઆરસીના ગોમા શહેરમાં ગયા હતા. તેમનો મૂળ પ્લાન ત્યાંથી તાન્ઝાનિયા પ્રવાસે જવાનો હતો.

પરંતુ, ગોમા પહોંચ્યાના માત્ર બે જ દિવસમાં આફ્રિકન દેશોમાં ઇબોલા ફાટી નીકળવાની આશંકા સેવાતાં રવાંડા સરકારે સાવચેતીના પગલારૂપે ડીઆરસી સાથેની પોતાની તમામ સરહદો તાત્કાલિક અસરથી બંધ કરી દીધી હતી. સરહદો અચાનક સીલ થઈ જવાને કારણે ડૉ. સમા ગોમા શહેરમાં જ અટવાઈ ગયા હતા અને કિગાલી પરત ફરી શક્યા નહોતા.

ફ્લાઇટ ચૂકી ગયા અને મુસાફરી પ્લાન ખોરવાયો

આ અણધારી આંતરરાષ્ટ્રીય કટોકટીને કારણે ડૉ. અમીન સમાની મુસાફરીના તમામ આયોજનો વેરવિખેર થઈ ગયા હતા. તેઓ 31 મેના રોજ ભારત પરત આવવા માટેની પોતાની નિર્ધારિત ફ્લાઇટ પણ ચૂકી ગયા હતા. અજાણ્યા દેશમાં ફસાઈ ગયા બાદ, વતન પરત ફરવાના તમામ રસ્તા બંધ જણાતાં તેમણે આખરે મદદ માટે ગુજરાતના નાયબ મુખ્યમંત્રીશ્રીની કચેરીનો સંપર્ક સાધ્યો હતો અને સુરક્ષિત બહાર કાઢવા વિનંતી કરી હતી.

હર્ષ સંઘવીની કચેરી એક્શનમાં: NSGF એ સંભાળ્યો મોરચો

આ ગંભીર મામલો નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની કચેરીના ધ્યાને આવતા જ તંત્ર તાત્કાલિક હરકતમાં આવ્યું હતું. ફસાયેલા નાગરિકને ક્ષણભરનો પણ વિલંબ કર્યા વિના યોગ્ય સહાય મળી રહે તે માટે આંતરરાષ્ટ્રીય સ્તરે સંબંધિત સત્તાધિકારીઓ સાથે સંકલન શરૂ કરવામાં આવ્યું.

ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગ (GAD) હેઠળ કાર્યરત એનઆરઆઈ (NRI) ડિવિઝનની પાંખ એવી ગુજરાત રાજ્ય બિનનિવાસી ગુજરાતી ફાઉન્ડેશન (NSGF) એ તાત્કાલિક આ કેસ પોતાના હાથમાં લીધો. ફાઉન્ડેશને યુદ્ધના ધોરણે ભારત સરકારના વિદેશ મંત્રાલય (MEA) અને આફ્રિકામાં સ્થિત ભારતીય રાજદ્વારી મિશનો સાથે કનેક્ટિવિટી સ્થાપિત કરી.

રાજદ્વારી સ્તરે આ રીતે કરાયું ઓપરેશન

10 જૂનનાં રોજ નવી દિલ્હી સ્થિત વિદેશ મંત્રાલયના ઉચ્ચ અધિકારીઓ તેમજ રવાંડા અને ડીઆરસી (DRC)ની બાબતો સંભાળતી ભારતીય દૂતાવાસોને સત્તાવાર રજૂઆતો મોકલવામાં આવી. ડૉ. સમાને સુરક્ષિત ટ્રાન્ઝિટ આપવા માટે કયા વિકલ્પો ઉપલબ્ધ છે તેની ચકાસણી કરવા માટે ફાઉન્ડેશનના અધિકારીઓ ભારતીય દૂતાવાસ સાથે ચોવીસે કલાક સંપર્કમાં રહ્યા.

આ સમગ્ર મુશ્કેલ સમયગાળા દરમિયાન ફાઉન્ડેશનના અધિકારીઓ સતત ડૉ. સમા સાથે ફોન અને મેસેજથી જોડાયેલા રહ્યા, જેથી તેમનો ઉત્સાહ જળવાઈ રહે અને જરૂરી ગાઇડલાઇન્સ મળતી રહે.

તબીબી તપાસ અને ક્વોરન્ટાઇન માટે પ્રોફેસરની તૈયારી

આ કટોકટી દરમિયાન ડૉ. અમીન સમાએ વહીવટીતંત્રને સ્પષ્ટ કર્યું હતું કે તેઓ કોઈ પણ ઇબોલા પ્રભાવિત વિસ્તારની મુલાકાતે ગયા નથી. તેઓ સંપૂર્ણપણે સ્વસ્થ અને લક્ષણમુક્ત (Asymptomatic) છે. તેમ છતાં, રવાંડા, ડીઆરસી કે ભારત સરકારના સત્તાવાળાઓ પ્રોટોકોલ મુજબ જે કોઈ પણ તબીબી તપાસ, ઇબોલા ટેસ્ટ, ક્વોરન્ટાઇન પ્રક્રિયા કે ઇમિગ્રેશન ચકાસણી અનિવાર્ય ગણશે, તે તમામ પ્રક્રિયાઓમાંથી પસાર થવા તેઓ સંપૂર્ણ તૈયાર છે.

16 જૂનની નિર્ણાયક ચર્ચા અને 17 જૂને મળી સફળતા

18 જૂનની પુનઃનિર્ધારિત (Rescheduled) ફ્લાઇટનો સમય નજીક આવી રહ્યો હોવાથી ગુજરાત રાજ્ય બિનનિવાસી ગુજરાતી ફાઉન્ડેશને પોતાના પ્રયાસો સુપર-ફાસ્ટ મોડ પર મૂક્યા હતા. 16 જૂનના રોજ રવાંડા સ્થિત ભારતીય દૂતાવાસ સાથે સઘન ચર્ચાઓ થઈ, જેમાં ખાતરી આપવામાં આવી કે ભારતીય એમ્બેસી આ મામલાને અત્યંત ગંભીરતાથી લઈ રહી છે અને કાનૂની પ્રક્રિયાઓ અંતિમ તબક્કામાં છે.

અંતે, સતત અને સચોટ પ્રયાસો રંગ લાવ્યા. 17 જૂનના રોજ ડૉ. અમીન સમાને ટ્રાન્ઝિટ રૂટ માટે અને ભારત પરત ફરવા માટે જરૂરી તમામ પ્રકારની આંતરરાષ્ટ્રીય કાનૂની મંજૂરીઓ અને વહીવટી પરવાનગીઓ મળી ગઈ હતી. આ સાથે જ 18 જૂને તેમની સુરક્ષિત વતન વાપસીનો માર્ગ સાફ થઈ ગયો હતો.

મુક્ત થયા બાદ ડૉ. અમીન સમાએ માન્યો આભાર

સુરક્ષિત મુસાફરીની પરવાનગી મળ્યા બાદ ડૉ. સમાએ ભારે હૈયે રાહતનો શ્વાસ લીધો હતો અને ગુજરાત સરકારનો આભાર માનતા જણાવ્યું હતું કે- મને હમણાં જ મુસાફરી માટેની સત્તાવાર પરવાનગી મળી ગઈ છે. આ આખીય જટિલ પ્રક્રિયા દરમિયાન મને જે સહયોગ અને સંવેદનશીલ મદદ મળી છે, તે બદલ હું હૃદયપૂર્વક આભારી છું. આ કપરા આંતરરાષ્ટ્રીય સંકટ સમયે સરકારની સહાય મારા માટે અત્યંત મહત્વપૂર્ણ સાબિત થઈ છે. આપના ભગીરથ પ્રયાસો અને ઉદારતાને હું જીવનભર કૃતજ્ઞતાપૂર્વક યાદ રાખીશ.

મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીની વૈશ્વિક કટિબદ્ધતા

આ કેસના સુખદ ઉકેલ અંગે વાત કરતા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે- મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના સક્ષમ નેતૃત્વ હેઠળ, વિશ્વના કોઈપણ ખૂણે મુશ્કેલીમાં મુકાયેલા ગુજરાતીઓ અને ભારતીય નાગરિકોની પડખે ઊભા રહેવું એ અમારી સરકારની પ્રાથમિકતા અને કટિબદ્ધતા છે. ગુજરાત રાજ્ય બિનનિવાસી ગુજરાતી ફાઉન્ડેશન, વિદેશ મંત્રાલય અને ભારતીય રાજદ્વારી મિશનોના ત્રિવેણી સંગમ સમાન સંકલિત પ્રયાસોથી અમે એક અત્યંત પડકારજનક વૈશ્વિક પરિસ્થિતિમાંથી આપણા નાગરિકને સમયસર હેમખેમ બહાર લાવી શક્યા છીએ.

ગુજરાત રાજ્ય બિનનિવાસી ગુજરાતી ફાઉન્ડેશને પણ આ તકે પુનરોચ્ચાર કર્યો હતો કે, ભવિષ્યમાં પણ વિશ્વભરમાં વસતા કે પ્રવાસ કરતા તમામ ગુજરાતીઓને કોઈપણ કટોકટીની સ્થિતિમાં યોગ્ય માર્ગદર્શન, સુમેળભર્યું સંકલન અને ત્વરિત સહાય આપવા માટે આ સંસ્થા હંમેશા તત્પર રહેશે.