Loading...

Railway News: પશ્ચિમ રેલવેનો મોટો નિર્ણય; ભાવનગર મંડળની મુખ્ય ટ્રેનોમાં કાયમી ધોરણે જનરલ કોચ વધારવામાં આવ્યા

પશ્ચિમ રેલવેના ભાવનગર મંડળ દ્વારા સામાન્ય શ્રેણીના મુસાફરોની સુવિધામાં વધારો કરવા માટે એક અત્યંત પ્રશંસનીય નિર્ણય લેવામાં આવ્યો છે.

By: Jignesh TrivediEdited By: Jignesh Trivedi Publish Date: Thu 05 Feb 2026 09:20 PM (IST)Updated: Thu 05 Feb 2026 09:20 PM (IST)
railway-news-big-decision-of-western-railway-general-coaches-permanently-increased-in-main-trains-of-bhavnagar-division-686477

Bhavnagar: પશ્ચિમ રેલવેના ભાવનગર મંડળ દ્વારા સામાન્ય શ્રેણીના મુસાફરોની સુવિધામાં વધારો કરવા માટે એક અત્યંત પ્રશંસનીય નિર્ણય લેવામાં આવ્યો છે. લાંબા અંતરની અને આંતર-શહેર (Intercity) ટ્રેનોમાં મુસાફરોની વધતી ભીડને ધ્યાનમાં રાખીને, રેલવે પ્રશાસને કેટલીક લોકપ્રિય ટ્રેનોમાં સ્થાયી (Permanent) રીતે વધારાના જનરલ કોચ જોડવાનો નિર્ણય કર્યો છે.

ભાવનગર મંડળના વરિષ્ઠ મંડળ વાણિજ્ય પ્રબંધક અતુલ કુમાર ત્રિપાઠીએ આ અંગે વિગતો આપતા જણાવ્યું હતું કે, આ સુવિધાથી દૈનિક અપ-ડાઉન કરતા મુસાફરો અને સામાન્ય વર્ગના યાત્રીઓને મોટી રાહત મળશે અને તેમની મુસાફરી વધુ આરામદાયક બનશે.

આ ટ્રેનોમાં કરવામાં આવ્યો કોચનો વધારો

ભાવનગર–સાબરમતી–ભાવનગર ઇન્ટરસિટી (20966/20965)

સૌરાષ્ટ્ર અને અમદાવાદ વચ્ચે મુસાફરી કરતા નોકરિયાત વર્ગ અને વિદ્યાર્થીઓ માટે સૌથી મહત્વની એવી આ ટ્રેનમાં 4 વધારાના જનરલ કોચ કાયમી ધોરણે લગાવવામાં આવશે. આ વ્યવસ્થા 06 ફેબ્રુઆરી, 2026થી ભાવનગર અને ગાંધીગ્રામ બંને સ્ટેશનોથી પ્રારંભ થશે.

પોરબંદર–શાલીમાર–પોરબંદર સુપરફાસ્ટ (12905/12906)

લાંબા અંતરની આ ટ્રેનમાં મુસાફરોની ભીડને ઘટાડવા માટે 1 વધારાનો જનરલ કોચ ઉમેરાશે. પોરબંદરથી 04 ફેબ્રુઆરી અને શાલીમારથી 06 ફેબ્રુઆરીથી આ સુવિધા મળશે. આ સાથે જ ટ્રેનમાં જનરલ કોચની કુલ સંખ્યા 2 થી વધીને 3 થઈ જશે.

પોરબંદર–સિકંદરાબાદ–પોરબંદર સુપરફાસ્ટ (20968/20967)

આ ટ્રેનમાં પણ 1 વધારાનો જનરલ કોચ સ્થાયી રીતે લગાવવાની જાહેરાત કરાઈ છે. પોરબંદરથી 03 ફેબ્રુઆરી અને સિકંદરાબાદથી 04 ફેબ્રુઆરીથી આ સુવિધા અમલમાં આવી ચૂકી છે. આ ટ્રેનમાં પણ હવે કુલ 3 જનરલ કોચ ઉપલબ્ધ રહેશે.

રેલવેના આ નિર્ણય પાછળનું મુખ્ય કારણ
સામાન્ય રીતે ટ્રેનોમાં સ્લીપર અને એસી કોચનું બુકિંગ મહિનાઓ પહેલા થઈ જતું હોય છે, પરંતુ સામાન્ય વર્ગના મુસાફરો, મજૂર વર્ગ અને નાના વેપારીઓ 'અનરિઝર્વ્ડ' (જનરલ) કોચ પર નિર્ભર હોય છે. ભાવનગર-સાબરમતી રૂટ પર મુસાફરોનો ધસારો એટલો વધારે હોય છે કે જનરલ કોચમાં ઊભા રહેવાની પણ જગ્યા નથી હોતી. આથી, 4 નવા કોચ ઉમેરવા એ ખૂબ મોટો નિર્ણય છે, જેનાથી એકસાથે અંદાજે 300 થી 400 વધુ મુસાફરો બેસીને સફર કરી શકશે. આ ટ્રેન ભાવનગર, સીહોર, ધોળા, બોટાદ, અને ધંધુકા જેવા સ્ટેશનોને અમદાવાદ સાથે જોડે છે.

મુસાફરો માટે મહત્વનું પગલું
રેલવે પ્રશાસનનો આ નિર્ણય ખાસ કરીને એવા મુસાફરો માટે આશીર્વાદરૂપ સાબિત થશે જેઓ છેલ્લી ઘડીએ ટિકિટ લઈને જનરલ કોચમાં મુસાફરી કરે છે. જનરલ કોચની સંખ્યા વધતા ડબ્બાઓમાં થતી અતિશય ભીડમાં ઘટાડો થશે અને મુસાફરી વધુ સુરક્ષિત તેમજ સુવિધાજનક બનશે.

માહિતી મેળવવાના સ્ત્રોત
રેલવેએ મુસાફરોને વિનંતી કરી છે કે ટ્રેનોના સમયપત્રક, સ્ટોપેજ અને કોચની સંરચનામાં થયેલા આ ફેરફારોની વધુ વિગતવાર માહિતી માટે અધિકૃત વેબસાઈટ www.enquiry.indianrail.gov.in અથવા 'National Train Enquiry System' (NTES) એપનો ઉપયોગ કરવો.