Bagdana Controversy: અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના વાવેરા ગામે આયોજિત કોળી સમાજના સમૂહ લગ્નોત્સવમાં હાજરી આપતા ધારાસભ્ય હીરા સોલંકી(MLA Hira Solanki)એ મહત્વનું નિવેદન આપ્યું છે. તાજેતરમાં બગદાણા(Bagdana) ખાતે થયેલી બબાલ બાદ આહીર અને કોળી સમાજ વચ્ચે ઊભા થયેલા વૈમનસ્યના વાતાવરણ વચ્ચે હીરા સોલંકીના આ નિવેદનને શાંતિ અને એકતાના સંદેશ તરીકે જોવામાં આવી રહ્યું છે.
વાવેરામાં જનમેદનીને સંબોધતા હીરા સોલંકીએ આહીર સમાજની પરંપરા અને તેમના દ્વારા લેવાયેલા સામાજિક નિર્ણયોની પ્રશંસા કરી હતી. તેમણે જણાવ્યું હતું કે આહીર સમાજ દ્વારા યોજાતા સમૂહ લગ્નોત્સવ અને તેના નિયમો સમાજને નવી દિશા આપનારા છે. આહીર સમાજે સમૂહ લગ્નોત્સવ થકી એક એવું શ્રેષ્ઠ બંધારણ બનાવ્યું છે જે અન્ય સમાજો માટે પણ પ્રેરણારૂપ છે.
વૈમનસ્ય ભૂલાવી એકતા પર ભાર
બગદાણાની ઘટના બાદ બંને જ્ઞાતિઓ વચ્ચે સોશિયલ મીડિયા અને અન્ય માધ્યમો દ્વારા જે તણાવ જોવા મળ્યો હતો, તેને હળવો કરવાના પ્રયાસરૂપે હીરા સોલંકીએ આહીર સમાજની ઉદારતા અને સંગઠન શક્તિના વખાણ કર્યા હતા. વાવેરાના આંગણે કોળી સમાજના પ્રસંગમાં ઉભા રહીને આહીર સમાજની પ્રશંસા કરી તેમણે સમાજિક સમરસતાનો મજબૂત પુરાવો પૂરો પાડ્યો છે.
