દ્વારકા–ભીમરાણા રેલવે સેક્શનમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર કામગીરી, પશ્ચિમ રેલવેની આ ટ્રેનો પ્રભાવિત, મુસાફરો માટે ખાસ સૂચના

પશ્ચિમ રેલવે દ્વારા દ્વારકા અને ભીમરાણા વચ્ચે ઇન્ફ્રાસ્ટ્રક્ચર કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. જાણો કઈ ટ્રેનો રદ થશે અને શેડ્યૂલમાં શું ફેરફાર છે.

By: Jignesh TrivediEdited By:Jignesh TrivediPublish Date: Wed, 10 Jun 2026 10:19 PM (IST)Updated: Wed, 10 Jun 2026 10:19 PM (IST)
dwarka-bhimrana-railway-block-train-schedule-update-june-2026

Dwarka Bhimrana Railway Block: પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝન હેઠળ આવતા દ્વારકા અને ભીમરાણા સ્ટેશનો વચ્ચે રેલવે તંત્ર દ્વારા મહત્વપૂર્ણ ઇન્ફ્રાસ્ટ્રક્ચર કામગીરી હાથ ધરવામાં આવશે. રેલવે ટ્રેક પર વરસાદી પાણીનો યોગ્ય નિકાલ થઈ શકે તે માટે પુલિયાના નિર્માણની કામગીરી (RCC Box Installation) કરવામાં આવનાર છે. આ ટેકનિકલ કામગીરીના કારણે ટ્રેન વ્યવહારમાં કામચલાઉ ફેરફાર કરવામાં આવ્યા છે.

ભાવનગર ડિવિઝનના વરિષ્ઠ મંડળ વાણિજ્ય પ્રબંધક અતુલ કુમાર ત્રિપાઠીએ આપેલી સત્તાવાર માહિતી મુજબ, આગામી તારીખ 10 અને 11 જૂન, 2026 દરમિયાન કેટલીક ટ્રેનોના સંચાલનમાં ફેરફાર રહેશે.

કઈ ટ્રેનો પર અસર પડશે?

  • ટ્રેન નંબર 19210 (ઓખા–ભાવનગર ટર્મિનસ એક્સપ્રેસ): આ ટ્રેન 11 જૂન, 2026ના રોજ ઓખાને બદલે દ્વારકા સ્ટેશનથી જ ઉપડશે (શોર્ટ ઓરિજિનેટ). પરિણામે, તે ઓખા અને દ્વારકા વચ્ચે આંશિક રીતે રદ રહેશે.
  • ટ્રેન નંબર 19252 (ઓખા–વેરાવળ એક્સપ્રેસ): તારીખ 11 જૂન, 2026ના રોજ ઓખાથી ઉપડતી આ ટ્રેન તેના નિર્ધારિત સમય કરતા 15 મિનિટ મોડી રવાના થશે.
  • ટ્રેન નંબર 19209 (ભાવનગર ટર્મિનસ–ઓખા એક્સપ્રેસ): જે ટ્રેન તારીખ 10 જૂન, 2026ના રોજ ભાવનગર ટર્મિનસથી ઉપડશે, તે દ્વારકા સ્ટેશન સુધી જ દોડશે. એટલે કે, આ ટ્રેનને દ્વારકા સ્ટેશન પર જ ‘શોર્ટ ટર્મિનેટ’ કરવામાં આવશે. આ ટ્રેન દ્વારકા અને ઓખા સ્ટેશન વચ્ચે આંશિક રીતે રદ રહેશે.

મુસાફરો માટે રેલવેની સલાહ

રેલવે પ્રશાસન દ્વારા મુસાફરોને અપીલ કરવામાં આવી છે કે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર કામગીરીના કારણે ટ્રેનોના સમયપત્રકમાં ફેરફાર શક્ય છે, તેથી મુસાફરી કરતા પહેલા ટ્રેનની લેટેસ્ટ સ્થિતિ તપાસી લેવી.

મુસાફરો અધિકૃત વેબસાઇટ www.enquiry.indianrail.gov.in અથવા NTES (National Train Enquiry System) એપ પર જઈને ટ્રેનનું સ્ટેટસ ચકાસી શકે છે. મુસાફરોને થતી અગવડતા બદલ રેલવે તંત્રએ ખેદ વ્યક્ત કર્યો છે અને સુરક્ષિત મુસાફરી માટે સહયોગની અપેક્ષા રાખી છે.