Bhavnagar PM E-Bus Service: ભાવનગર શહેરમાં જાહેર પરિવહનની સુવિધાને વધુ મજબૂત અને સુદ્રઢ બનાવવા માટે ભાવનગર મહાનગરપાલિકા દ્વારા વધુ એક મહત્વપૂર્ણ પગલું ભરવામાં આવ્યું છે. શહેરમાં મુસાફરીને આસાન બનાવવાના ઉદ્દેશ્યથી વધુ 25 નવી PM ઈ-બસોનું લોકાર્પણ કરવામાં આવ્યું છે.
કુંભારવાડા ખાતેથી ઈ-બસ સેવાનો પ્રારંભ
આ નવી PM ઈ-બસ સેવાનો પ્રારંભ કુંભારવાડા ખાતે આવેલા શીતળા માતાજીના મંદિર પાસેથી કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં રાજ્યના કેબિનેટ કૃષિ મંત્રી જીતુ વાઘાણી, ભાવનગરના મેયર ઉષાબેન તલરેજા અને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન કિશન મહેતા સહિતના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. મહાનુભાવોએ આ બસોને લીલીઝંડી બતાવીને પ્રસ્થાન કરાવ્યું અને પોતે પણ બસમાં મુસાફરી કરીને આનંદ વ્યક્ત કર્યો હતો.

ગ્રામ્ય વિસ્તારો બાદ હવે શહેર પર ફોકસ
ભાવનગર શહેરમાં છેલ્લા ઘણા વર્ષોથી સિટી બસ સેવા બંધ હાલતમાં હતી. આ સેવાને પુનઃ શરૂ કરવા માટે ભાવનગર મનપાએ બે મહિના પહેલાં જ ગુજરાત સરકાર દ્વારા ફાળવવામાં આવેલ 100 બસોમાંથી પ્રથમ તબક્કાની 50 જેટલી PM ઈ-બસો સાથે પ્રારંભ કર્યો હતો. જોકે, શરૂઆતમાં આ બસોનો લાભ શહેરના લોકોને મળવાને બદલે મુખ્યત્વે ગ્રામ્ય વિસ્તારોમાં રૂટ ફાળવાયા હોવાના ગંભીર આક્ષેપો થયા હતા.
E-બેસ સેવાનું ભાડું કેટલું?
| કિમી | ભાડું (રૂપિયા) |
| 0-3 | 5 |
| 3-5 | 10 |
| 5-8 | 15 |
| 8 સુધી | 20 |
