Bhavnagar News: જિલ્લા વહિવટી તંત્ર ભાવનગર દ્વારા તળાજા તાલુકાના સામૂહિક આરોગ્ય કેન્દ્ર દાઠાના નવા બાંધકામ તથા આરોગ્ય સંબંધિત વિવિધ વિકાસકાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્તનો સમારોહ કેબિનેટ કૃષિ મંત્રી જીતુ વાઘાણીના અધ્યક્ષસ્થાને યોજાયો હતો.
આ કાર્યક્રમ અંતર્ગત સામૂહિક આરોગ્ય કેન્દ્ર દાઠાના નવા બાંધકામ, આરોગ્યના અન્ય 3 કામો કુલ રૂ. 5 કરોડ 5 લાખના, નગરપાલિકાના 9 કામો રૂ. 9 કરોડ 47 લાખના તેમજ બાંધકામના 2 કામો રૂ. 4 કરોડ 70 લાખના કામોનું લોકાર્પણ સમારોહ યોજાયો હતો.
આ તકે કેબિનેટ કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શરૂ કરેલ વિકાસની નવી ઉંચાઈઓ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં અવિરત ચાલુ છે. રાજ્ય સરકાર દ્વારા "જન ત્યાં સુવિધા" ના મંત્ર સાથે છેવાડાના વિસ્તારોમાં રોડ-રસ્તા, પાણી અને આરોગ્યની સુવિધાઓને પ્રાથમિકતા આપવામાં આવી છે.
મંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વમાં લોકોની સુખાકારી માટેના કામોને પ્રાધાન્ય આપવામાં આવી રહ્યું છે. કમોસમી વરસાદથી થયેલ નુકશાન સામે ખેડૂતોને 10 હજાર કરોડનું ઐતિહાસિક પેકેજ જાહેર કરવામાં આવ્યું અને પંદર દિવસના ટૂંકા ગાળામાં ખેડૂતોના ખાતામાં પૈસા જમા થઈ ગયા હતા.

મંત્રીશ્રીએ તળાજા વિધાનસભામાં પ્રગતિમાં રહેલા રોડ રસ્તા, પાણી પુરવઠા, પંચાયત ઘર નવિનીકરણના ચાલતા કામો અંગે વિગતો આપી હતી. આ ઉપરાંત આરોગ્ય વિભાગની આયુષ્યમાન કાર્ડ સહિતની યોજનાઓ સામાન્ય પરિવારને સધિયારો આપે છે એમ જણાવ્યું હતુ. કાર્યક્રમમાં તળાજા ધારાસભ્ય ગૌતમ ચૌહાણ અને મહુવા ધારાસભ્ય શિવા ગોહિલે પ્રસંગોચિત ઉદ્બોધન કર્યું હતું.
કાર્યક્રમમાં સગર્ભા બહેનોને સૂપોષણ કીટ વિતરણ તથા ટી.બી. ના દર્દીઓને કીટ વિતરણ કરવામાં આવી હતી. આ તકે ટોકન દરે પાંચ કિશોરીઓને HPV વેકસીન આપવામાં આવી હતી તેમજ રેડક્રૉસની કેન્સર વાનની મંત્રીશ્રીએ મુલાકાત લઈને સિવધાઓનું નિરીક્ષણ કર્યું હતું.
આ તકે જિલ્લા પંચાયત પ્રમુખ રૈયાબેન મીયાણી, જિલ્લા કલેકટર ડૉ. મનીષ કુમાર બંસલ, જિલ્લા પંચાયત ઉપપ્રમુખ વિક્રમ ડાભી, જિલ્લા વિકાસ અધિકારી હનુલ ચૌધરી, પ્રાંત અધિકારી જે. આર. સોલંકી,જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારી ડૉ. ચંદ્રમણી કુમાર, જિલ્લા આર.સી.એચ. અધિકારી ડૉ. કોકિલાબેન સોલંકી, તાલુકા પંચાયત પ્રમુખ રાણાભાઈ, આગેવાન મહેન્દ્રભાઈ પનોત સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
