Bhavnagar News: ગુજરાતભરમાં ગઈ કાલે એટલે કે, 14 જૂનના રોજ LRDની પરીક્ષા યોજાઈ હતી. ગુજરાતના તમામ પરીક્ષા કેન્દ્રોમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે પરીક્ષા યોજાઈ હતી. તે દરમિયાન ભાવનગર શહેરમાં LRD પરીક્ષામાં ગેરરીતિ આચર્યાની વિગતો સામે આવી છે.
શહેરના વિદ્યાનગર રોડ પર આવેલી વિશુદ્ધાનગર વિદ્યા મંદિર સ્કૂલના પરીક્ષા કેન્દ્ર પર સુરેન્દ્રનગર જિલ્લાના પરીક્ષાર્થીને સેન્ટર પર પ્રતિબંધિત એન્ડ્રોઇડ મોબાઈલ સાથે પરીક્ષા આપતા એલર્ટ સુપરવાઈઝરે ઝડપી લીધો હતો. આ મામલે પોલીસે બીએનએસ અને પરીક્ષા ગેરરીતિ વિરોધી કાયદા હેઠળ ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરી છે.
શંકાસ્પદ હિલચાલ ભારે પડી, આ રીતે ફૂટ્યો ભાંડો
ભાવનગર શહેરમાં LRD પરીક્ષા માટે કુલ 35 કેન્દ્રોની ફાળવણી કરાઈ હતી. જેમાં વિદ્યાનગર રોડ પર આવેલી વિશુદ્ધાનગર વિદ્યા મંદિર સ્કૂલમાં સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના જસમતપુર ગામનો 23 વર્ષીય રાહુલ પ્રહલાદભાઈ વિરગામા પરીક્ષા આપી રહ્યો હતો.
પરીક્ષા દરમિયાન રાહુલ ક્લાસરુમાંથી બાથરુમ જવા માટે નીકળ્યો હતો. જો કે, ગેલેરીમાં તેની હિલચાલ અને વર્તનમાં અસ્વાભાવિકતા જણાતાં તહેનાત સુપરવાઈઝરને શંકા ગઈ હતી. સુપરવાઈઝરે તેને અધવચ્ચે રોકી તેની સઘન તલાશી લેતા ખિસ્સામાંથી એન્ડ્રોઈડ મળી આવ્યો હતો. જેને પગલે પરીક્ષા કેન્દ્રોના સત્તાધીશો તાત્કાલિક એક્શનમાં આવ્યા હતા.
પરીક્ષાર્થી સામે ગુનો દાખલ કરાયો
બોર્ડના કડક નિયમોને આધારે કોઈ પણ પ્રકારના ઇલેક્ટ્રોનિક ગેજેટ્સને પરીક્ષા સેન્ટરમાં લાવવા પર સંપૂર્ણપણે પ્રતિબંધ છે. આ ગંભીર બેદરકારી અને ગેરરીતિ બદલ કેન્દ્રના મુખ્ય સુપરવાઈઝરે તાત્કાલિક નીલમબાગ પોલીસનો સંપર્ક સાધ્યો હતો.
પોલીસે ગુનો નોંધીને આરોપી પરીક્ષાર્થી રાહુલ વિરગામા વિરુદ્ધ નવા કાયદા બીએનએસની કલમ 318 (2) અને છેતરપિંડી તેમજ ગુજરાત જાહેર પરીક્ષા અધિનિયમ ( ગેરરીતિ અટકાવવા બાબત) કલમ 2,4 અને 12 (A) હેઠળ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
