Bagdana Controversy: બગદાણામાં કોળી સમાજના યુવા સરપંચ નવનીત બાલધિયા પર થયેલા હુમલા પ્રકરણમાં SIT દ્વારા લોક કલાકાર માયાભાઈ આહીરના પુત્રની ધરપકડ કરીને તેને જેલ હવાલે કરવામાં આવ્યો છે. જો કે કોળી સમાજના આગેવાનોનું માનવું છે કે, હજુ પણ અન્ય દોષિતોની ધરપકડ નથી થઈ. જેને લઈને આજે ભાવનગરમાં ન્યાય સભાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં મોટી સંખ્યામાં કોળી સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા.
આ ન્યાયસભામાં ઉપસ્થિત ઋષિભારતી બાપુએ જણાવ્યું કે, નવનીતભાઈને ન્યાય અપાવવા માટે આખા સમાજને ખૂબ જ દોડાવવામાં આવ્યો, જેમાં અમારા જેવા સંતો પણ સામેલ હતા. આજે ન્યાય સભામાં કોળી-ઠાકોર સમાજના 50 હજાર લોકો સ્વયંભુ આવ્યા છે.
ગુજરાતમાં કોળી-ઠાકોર સમાજની 3 કરોડ વસ્તી અને 2 કરોડની આસપાસ વૉટિંગ પાવર ધરાવે છે. સરકાર બનાવવામાં સમસ્ત કોળી ઠાકોર સમાજનું સૌથી મોટું યોગદાન છે, ત્યારે નવનીત બાધલિયાને બેરહેમીથી માર મારવામાં આવ્યો હતો. જેના પુરતા પુરાવા હોવા છતાં ન્યાય આપવામાં વિલંબ કરવામાં આવ્યો હતો.
કોળી સમાજમાં હજુ પણ અંદરખાને રોષ
સમાજના નેતાઓ અને મંત્રીઓએ સરકાર સમક્ષ રજૂઆત કરી તે પછી એક્શન લેવાયા અને ન્યાય મળ્યો, તેનાથી સમાજ રાજી છે. આ માટે સમાજના જે યુવાનોએ મહેનત કરી છે. આમ છતાં કોળી સમાજમાં અંદરખાને રોષ પણ છે.
ઋષિ ભારતી બાપુએ જીતુ વાઘાણીનું નામ લીધા વિના જણાવ્યું કે, આ ભાવનગર પશ્ચિમની વિધાનસભામાં 85000 મતદારો માત્ર કોળી સમાજના છે. આથી આ વિધાનસભામાં સમાજના જે આગેવાનો છે, તેમને બધી જ ખબર છે. આથી સમાજ જાગૃત થઈને એક થાય અને ભવિષ્યમાં કોળી સમાજના એકપણ ભાઈ-બહેનને અન્યાય ના થાય, તેનો આ ન્યાય સભા જવાબ છે.
કોળી યુવક પર હુમલાના પ્રકરણને દબાવવામાં કોનો હાથ હતો, તેનો સમાજના આગેવાનોને ખ્યાલ હતો. જ્યારે ભાવનગર પશ્ચિમ વિધાનસભા વિસ્તારમાં ન્યાય સભાની જાહેરાત કરવામાં આવી, તે સાથે જ આખો મુદ્દો ઉકેલાઈ ગયો.
કોળી વિરુદ્ધ આહીર સમાજની વાત નથી
વધુમાં ભારતી બાપુએ જણાવ્યું કે, કોળી સમાજ માનદાતા મહારાજનો વંશજ છે, જેના એક હાથમાં તલવાર છે. આથી લોકો જે ભાષામાં સમજે, તે ભાષામાં તેમને સજાવતા કોળી સમાજને આવડે છે.
પરષોત્તમ સોલંકીના 'ધોકાવાળી' નિવેદનને પગલે આહીર સમાજમાં રોષને લઈને ભારતી બાપુએ જણાવ્યું કે, તેમણે કોઈ સમાજને કે વ્યક્તિને ટાર્ગેટ કરીને ધોકા ઉપાડવાની વાત કરી જ નથી. જો કોઈ વ્યક્તિને અન્યાય થયો હોય, તો સામે હોય એને ધોકા ઉપાડવાથી વાત થાય. આમાં કોળી વર્સીસ આહીર સમાજની વાત જ નથી.
PI ડીવી ડાંગરે આપણું કરોડોનું પેટ્રોલ બાળ્યું છે, તો હવે તેને દેખાડી દેવાનું છે: કિશન મેર
કોળી સમાજના યુવા આગેવાન કિશન મેરે જણાવ્યું કે, નવનીત બાલધિયા ફરિયાદ લખાવવા છતાં બગદાણાના PI ડીવી ડાંગર તેમની ફરિયાદ નહતા લેતા. જેના કારણે આપણા કોળી સમાજે 27 દિવસ સુધી રોડ પર ઉતરવું પડું.
હવે આપણે આ ડીવી ડાંગરને રોડ પર ના લાવીએ, ત્યાં સુધી જપવાનું નથી. આ લડાઈ માત્ર નવનીતભાઈ બાલધિયા એકની નથી, પરંતુ સામાન્ય મધ્યમ વર્ગ અને ગરીબ પરિવારમાંથી આવતા આપણા કોળી સમાજના લોકોની છે.
બગદાણાના PI ડીવી ડાંગરે આપણા કોળી સમાજના લોકો જ્યાં વસતા હોય, ત્યાં તેમને પરેશાન કર્યા છે. આ ડીવી ડાંગરે આપણાં સમાજનું એક કરોડથી વધારે રૂપિયાનું પેટ્રોલ બાળ્યું છે. હવે આપણે ડીવી ડાંગરને દેખાડી દેવાનું છે કે, આવનારા દિવસોમાં તમે જ્યાં પણ નોકરી કરશો, ત્યાં કોળી સમાજનો કોઈ વ્યક્તિ તમારી પાસે ફરિયાદ લઈને આવે, તો પેન લઈને તમારે બહાર દરવાજે જવું પડશે.
