Bharuch News: ભરૂચ ક્રાઈમ બ્રાન્ચે અંકલેશ્વર તાલુકાના જીતાલી ગામ નજીક આવેલા માધવ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં મોટી કાર્યવાહી કરી પ્રતિબંધિત વિદેશી દારૂના ગેરકાયદે વેપારનો પર્દાફાશ કર્યો છે. પોલીસ દ્વારા કરાયેલી દરોડાની કાર્યવાહીમાં ગોડાઉનમાંથી અંદાજે ₹94 લાખની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. આ ઉપરાંત દારૂના પરિવહન માટે ઉપયોગમાં લેવાતું પીકઅપ વાહન તથા અન્ય મુદ્દામાલ મળી કુલ ₹1 કરોડ જેટલો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.
આ કાર્યવાહી દરમિયાન પોલીસે રમેશ બિશ્નોઈ નામના એક આરોપીની ધરપકડ કરી છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે રાજસ્થાનની કુખ્યાત બિશ્નોઈ ગેંગ દ્વારા ગુજરાતમાં મોટા પાયે પ્રતિબંધિત દારૂ ઘુસાડવામાં આવતો હતો. ગેંગના સભ્યો અંકલેશ્વરના ઔદ્યોગિક વિસ્તારમાં ગોડાઉન ભાડે રાખીને દારૂનો જથ્થો સંગ્રહ કરતા હતા અને ત્યાંથી વિવિધ વિસ્તારોમાં તેનું વિતરણ કરવામાં આવતું હતું.
પોલીસ તપાસમાં ખુલ્યું છે કે આ ગેંગ સુવ્યવસ્થિત રીતે દારૂની હેરાફેરી ચલાવતી હતી. ઔદ્યોગિક વિસ્તાર હોવાના કારણે અહીં આવન-જાવન સામાન્ય લાગતું હોવાથી ગેરકાયદે પ્રવૃત્તિ લાંબા સમયથી ચાલી રહી હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. ક્રાઈમ બ્રાન્ચને મળેલી ચોક્કસ બાતમીના આધારે ગોડાઉન પર દરોડો પાડવામાં આવ્યો હતો, જ્યાંથી વિદેશી બ્રાન્ડના દારૂની મોટી ખેપ મળી આવી હતી.
આ કેસમાં પોલીસ દ્વારા સુરેન્દ્ર બિશ્નોઈ, મહેતા, સુરેશ ઠાકરારામ બિશ્નોઈ, ડેનીભાઈ, ગોપી, ચેતન અને રાજેશ સહિત કુલ આઠ આરોપીઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. તમામ ફરાર આરોપીઓની ધરપકડ માટે અલગ અલગ ટીમો બનાવી તપાસ તેજ કરવામાં આવી છે અને રાજસ્થાન સહિત અન્ય રાજ્યોમાં પણ શોધખોળ શરૂ કરાઈ છે.
ભરૂચ ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓના જણાવ્યા મુજબ, આ દારૂ હેરાફેરીના સમગ્ર નેટવર્કની ઊંડાણપૂર્વક તપાસ ચાલી રહી છે. દારૂ ક્યાંથી લાવવામાં આવતો હતો, કોને સપ્લાય કરવામાં આવતો હતો અને તેમાં કેટલા લોકો સંડોવાયેલા છે તે અંગે વધુ માહિતી એકત્ર કરવામાં આવી રહી છે. આવનારા દિવસોમાં આ કેસમાં વધુ મોટા ખુલાસા થવાની શક્યતા પોલીસ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.
