Loading...

Bharuch: સાયખા GIDCની કંપનીમાં દુર્ઘટના; 4 કર્મચારી ગંભીર રીતે દાઝ્યા, એક ICUમાં દાખલ 

અલ્કેમી ફાઈનકેમ કંપનીના બોઇલર વિભાગમાં રીપેરીંગ દરમિયાન ગરમ એશ (રાખ) પડતા ચાર મિકેનિકલ કર્મચારી ગંભીર રીતે દાઝી ગયા હતા.

By: Purvalak DabhiEdited By: Purvalak Dabhi Publish Date: Fri 23 Jan 2026 04:12 PM (IST)Updated: Fri 23 Jan 2026 04:12 PM (IST)
bharuch-saykha-gidc-company-boiler-leakage-incident-4-employees-burnt-678597
HIGHLIGHTS
  • ભરૂચ સાયખા GIDCમાં બન્યો ઔદ્યોગિક અકસ્માત
  • અલ્કેમી ફાઈનકેમ કંપનીના બોઈલરમાં થયું હતું લીકેજ
  • ગરમ રાખ પડતા ચાર મિકેનિકલ કર્મચારી દાઝી ગયા

Saykha GIDC Industrial accident: ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાની સાયખા GIDCમાં આવેલી અલ્કેમી ફાઈનકેમ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં રાત્રિના સમયે એક ગંભીર ઔદ્યોગિક અકસ્માત સર્જાયો હતો. કંપનીના બોઇલર વિભાગમાં રિપેરિંગ કામગીરી દરમિયાન અચાનક અત્યંત ગરમ એશ (રાખ) પડતા ચાર મિકેનિકલ કર્મચારી ગંભીર રીતે દાઝી ગયા હતા.

સાયખા GIDCની કંપનીમાં બન્યો ઔદ્યોગિક અકસ્માત

મળતી માહિતી અનુસાર, કંપનીના બોઇલર વિભાગમાં બટરફ્લાય વાલ્વ અને વાઇબ્રેટરના બોલ્ટ ઢીલા પડી જતા તે ડિસ-લોકેટ થયા હતા. આ ખામી સુધારવા માટે રાત્રે આશરે 1:10 વાગ્યે મિકેનિકલ ટીમ દ્વારા રીપેરીંગ કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ ટીમમાં નિરંજન યાદવ, દિગ્વિજયસિંહ રાણા, અમિત સિંહ અને રાહિલ મોહમ્મદ સૈયદનો સમાવેશ થતો હતો.

ચાર કર્મચારી દાઝ્યા, ગરમ એશની લપેટમાં આવ્યા

આ દરમિયાન અચાનક બટરફ્લાય વાલ્વ પોતાની જગ્યાથી બહાર આવી જતા સાયલોમાં સંગ્રહિત અત્યંત ગરમ એશ સીધી રીતે ત્યાં કાર્યરત ચારેય કર્મચારીઓ પર પડી હતી. ગરમ એશની લપેટમાં આવતા ચારેય શ્રમિકોને ગંભીર દાઝની ઇજા પહોંચી હતી. ઘટનાની જાણ થતા જ કંપની પરિસરમાં કામ કરતા અન્ય કર્મચારીઓ દોડી આવ્યા અને બચાવ કામગીરી શરૂ કરવામાં આવી.

તમામ ઈજાગ્રસ્ત સારવાર હેઠળ

અકસ્માત બાદ તમામ ઇજાગ્રસ્તોને પ્રાથમિક સારવાર માટે ભરૂચની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જોકે, તેમની હાલત નાજુક જણાતા વધુ સારવાર માટે વડોદરાની જાણીતી ભાઈલાલ અમીન હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યા છે. હોસ્પિટલ સૂત્રોના જણાવ્યા અનુસાર, ચારેય કર્મચારી ગંભીર રીતે દાઝ્યા છે, જેમાંથી એકની હાલત અત્યંત ચિંતાજનક છે.

20 વર્ષીય આશાસ્પદ યુવક ICUમાં દાખલ

કંઠારિયા ગામના રહેવાસી અને માત્ર 20 વર્ષના રાહિલ મોહમ્મદ સૈયદને ગંભીર ઈજાઓ પહોંચતા હાલ ICUમાં સારવાર આપવામાં આવી રહી છે. ITI ફિટરનો અભ્યાસ પૂર્ણ કર્યા બાદ એક વર્ષ અગાઉ જ નોકરીમાં જોડાયેલા રાહિલ સાથે બનેલી આ દુર્ઘટનાને પગલે તેના પરિવારમાં શોકનો માહોલ છવાયો છે. ગ્રામજનો તેના સ્વાસ્થ્ય સુધારા માટે પ્રાર્થના કરી રહ્યા છે.

પોલીસ સહિત સંબંધિત અધિકારીઓ સ્થળે પહોંચ્યા

ઘટનાની જાણ થતાં વાગરા પોલીસ, ફેક્ટરી ઇન્સ્પેક્ટર તેમજ સંબંધિત સરકારી તંત્રના અધિકારીઓએ ઘટનાસ્થળે પહોંચી તપાસ શરૂ કરી છે. કંપનીમાં સુરક્ષા નિયમોનું પાલન થતું હતું કે કેમ અને અકસ્માતનું ચોક્કસ કારણ શું હતું તે અંગે તપાસ ચાલી રહી છે. આ ઘટનાએ ફરી એકવાર ઔદ્યોગિક એકમોમાં કામદારોની સલામતી અને સુરક્ષા વ્યવસ્થા પર ગંભીર પ્રશ્નો ઉભા કર્યા છે.