Loading...

Bharuch: પાનોલી GIDCની કેમિકલ કંપનીમાં ભીષણ આગ, 10 કિમી દૂર દેખાયા ધુમાડાના ગોટેગોટા; 'મેજર કોલ' જાહેર થયો

આગના બનાવને લઈને તંત્ર દ્વારા મેજર કોલ જાહેર કરવામાં આવ્યો હતો.

By: Purvalak DabhiEdited By: Purvalak Dabhi Publish Date: Sun 08 Mar 2026 10:21 AM (IST)Updated: Sun 08 Mar 2026 10:21 AM (IST)
bharuch-panoli-gidc-krishi-chemical-company-fire-incident-major-call-issued-704645
HIGHLIGHTS
  • ભરૂચના પાનોલી GIDCમાં ભીષણ આગ લાગી
  • ક્રિશી રસાયણ કંપનીમાં આગ લાગતા મેજર કોલ
  • 10થી વધુ ફાયર ફાઈટર વાહનોએ કાબૂ મેળવ્યો

Panoli GIDC fire: ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકામાં આવેલી પાનોલી GIDC માં આજે રવિવારે સવારે એક મોટી દુર્ઘટના સર્જાઈ છે. અહીં આવેલી ક્રિશી રસાયણ એક્સપોર્ટ પ્રાઇવેટ લિમિટેડ નામની કેમિકલ કંપનીમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળી હતી. જે બાદ સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. 

કેમિકલ કંપનીમાં ભીષણ આગ

આગનું સ્વરૂપ એટલું વિકરાળ હતું કે તેના કાળા ધુમાડાના ગોટેગોટા 5 થી 10 કિલોમીટર દૂરથી પણ સ્પષ્ટ જોઈ શકાતા હતા. આગ લાગવાની જાણ થતા જ પાનોલી, અંકલેશ્વર અને ભરૂચના વિવિધ ફાયર સ્ટેશનોથી 10થી વધુ ફાયર ફાઈટર તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા. બીજી તરફ તંત્ર દ્વારા 'મેજર કોલ' જાહેર કરવામાં આવ્યો હતો.

ફાયર વિભાગે માંડ આગ બુજાવી

ફાયર વિભાગની ટીમે ભારે જહેમત બાદ લગભગ સાડા ત્રણ કલાકની મહેનત પછી આગ પર કાબૂ મેળવ્યો હતો. આગને કાબૂમાં લેવા માટે પાણીની સાથે મોટા પ્રમાણમાં ફોમ (Foam)નો પણ ઉપયોગ કરવામાં આવ્યો હતો. જોકે, આગને કારણે કંપનીનો પ્લાન્ટ અને અંદર રહેલી મશીનરી બળીને સંપૂર્ણ ખાખ થઈ ગયા છે.

રજા હોવાથી મોટી જાનહાનિ ટળી

આ ભયાનક ઘટનામાં સદનસીબે કોઈ જાનહાનીના સમાચાર પ્રાપ્ત થયા નથી. રવિવારની રજા હોવાના કારણે કંપનીમાં કર્મચારીઓની સંખ્યા ખૂબ જ ઓછી હતી, જેને કારણે એક મોટી માનવ ખુવારી ટળી હોવાનું માનવામાં આવે છે. જોકે, કંપનીને લાખો રૂપિયાનું આર્થિક નુકસાન થયું હોવાનો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે.

પ્રચંડ ધડાકાથી સ્થાનિકોમાં ભય

આગ લાગી તે દરમિયાન કંપનીમાં થયેલા પ્રચંડ ધડાકાઓને કારણે આસપાસના રહીશો અને અન્ય ઉદ્યોગકારોમાં ભારે ભયનો માહોલ ફેલાઈ ગયો હતો. સાવચેતીના ભાગરૂપે આગ વધુ ન પ્રસરે તે માટે આસપાસની અન્ય કંપનીઓને પણ એલર્ટ કરી દેવામાં આવી હતી. આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી. હાલ ફાયર અને પોલીસ વિભાગે આગ લાગવાના કારણો અને નુકસાનીનો સચોટ તાગ મેળવવા માટે વધુ તપાસ હાથ ધરી છે.