Bharuch: કંથારિયામાં મસ્જિદ-મદરેસા સંચાલિત મકાનમાં ભીષણ આગ, ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થતાં અફરાતફરી

ફાયર ફાઇટરોએ આગ પર કાબૂ મેળવ્યો અને કૂલિંગની પ્રક્રિયા હાથ ધરી હતી.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Tue, 16 Jun 2026 10:22 AM (IST)Updated: Tue, 16 Jun 2026 10:48 AM (IST)
bharuch-kantharia-madresa-building-fire-gas-cylinder-blast-fire-brigade-rescue

Bharuch Kantharia Cylinder Blast Fire: ભરૂચ તાલુકાના કંથારિયા ગામમાં આવેલા કબ્રસ્તાનની બિલકુલ સામે સ્થિત એક મસ્જિદ-મદરેસા સંચાલિત મકાનમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળી હતી. આગની જ્વાળાઓ એટલી તીવ્ર હતી કે જોતજોતામાં સમગ્ર મકાન તેની લપેટમાં આવી ગયું. આ દરમિયાન મકાનમાં રહેલો એક ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થયો હતો.

ગેસ સિલિન્ડર ફાટતાં ભયનો માહોલ સર્જાયો

આ દુર્ઘટના દરમિયાન મકાનમાં રાખવામાં આવેલો ગેસ સિલિન્ડર પ્રચંડ ધડાકા સાથે ફાટતાં સમગ્ર વિસ્તાર ધણધણી ઊઠ્યો અને સ્થાનિકોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, બ્લાસ્ટ એટલો શક્તિશાળી હતો કે તેનો અવાજ દૂર-દૂર સુધી સંભળાયો હતો, જેને પગલે આસપાસના રહીશો ઘરની બહાર દોડી આવ્યા હતા.

બચાવ-રાહત કામગીરી, આગ કાબૂમાં આવી

આ ઘટનાની ગંભીરતા જોતાં જ સ્થાનિક યુવાનો અને ગ્રામજનોએ માનવતા દાખવી તુરંત બચાવ કામગીરી શરૂ કરી દીધી હતી. ફાયર બ્રિગેડ પહોંચે તે પહેલાં સ્થાનિકોએ પોતાના સ્તરે પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કર્યો હતો. બીજી તરફ આ ઘટના અંગે જાણ થતા જ ફાયર બ્રિગેડ અને સ્થાનીય વહીવટી તંત્રનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો. ફાયર ફાઇટરોએ ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો અને કૂલિંગની પ્રક્રિયા હાથ ધરી હતી. 

અનેક લોકો દાઝ્યા હોવાની આશંકા

ભીષણ આગના આ બનાવમાં મકાનની અંદર હાજર કેટલાક લોકો દાઝી ગયા હોવાના પ્રાથમિક અહેવાલો મળી રહ્યા છે. ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. જો કે, તંત્ર અથવા હોસ્પિટલ પ્રશાસન દ્વારા ઇજાગ્રસ્તોની ચોક્કસ સંખ્યા કે તેમની સ્થિતિ અંગે હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.

આગ લાગવાનું કારણ શોર્ટ સર્કિટ? 

પ્રાથમિક તપાસમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાની આશંકા સેવાઈ રહી છે. આ અણધારી આફતને પગલે કંથારિયા ગામ સહિત સમગ્ર પંથકમાં ચિંતા અને અરેરાટી વ્યાપી ગઈ છે. હાલમાં પોલીસ અને સંબંધિત સરકારી તંત્ર દ્વારા આગ લાગવાના ચોક્કસ કારણો જાણવા માટે ઘટનાસ્થળની બારીકાઈથી તપાસ શરૂ કરવામાં આવી છે.