Ankleshwar fire incident: અંકલેશ્વર શહેર નજીક આવેલા નોબેલ માર્કેટ વિસ્તારમાં અચાનક સ્ક્રેપના બે ગોડાઉનમાં ભીષણ આગ ફાટી નીકળતા સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગ એટલી ઝડપથી ફેલાઈ કે થોડા જ સમયમાં તેણે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. આગના કારણે ઉઠતા ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાતા હતા.
ડમ્પિંગ સાઈટમાં લાગેલી આગ સ્ક્રેપના ગોડાઉન સુધી પહોંચી
પ્રાથમિક માહિતી મુજબ નજીક આવેલી ડમ્પિંગ સાઈટમાં લાગેલી આગ ફેલાઈને સ્ક્રેપના ગોડાઉન સુધી પહોંચી હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. ડમ્પિંગ સાઈટમાં રહેલા કચરા અને પ્લાસ્ટિક જેવા દહનશીલ પદાર્થમાં આગ લાગ્યા બાદ પવનના કારણે તે ઝડપથી નજીકના ગોડાઉનમાં પ્રવેશી ગઈ હોવાનું અનુમાન છે. સ્ક્રેપના ગોડાઉનમાં લોખંડ, પ્લાસ્ટિક, રબર સહિતની જ્વલનશીલ સામગ્રી સંગ્રહિત હોવાને કારણે આગે ટૂંકા સમયમાં ભયાનક સ્વરૂપ ધારણ કર્યું હતું.
ફાયર વિભાગે આગ પર માંડ કાબુ મેળવ્યો
આગની જાણ થતાં જ અંકલેશ્વર ફાયર વિભાગની અનેક ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ફાયર ફાઈટરો દ્વારા આગ પર કાબૂ મેળવવા માટે સતત પાણીનો મારો ચલાવવામાં આવ્યો હતો. આગ પર નિયંત્રણ મેળવવામાં કલાકો સુધીની જહેમત કરવી પડી હતી. આગના કારણે વિસ્તારમાં ભારે ધુમાડો ફેલાતા માર્ગ પર ટ્રાફિક પણ અસરગ્રસ્ત થયો હતો.
આ પણ વાંચો
આ પણ વાંચો: Bharuch: ન્યૂ યર પૂર્વે દારૂની પાર્ટી પર પોલીસનો દરોડો, ફાર્મ હાઉસમાં 9 નબીરા પીધેલી હાલતમાં પકડાયા
માલસામાનને ભારે નુકસાન, જાનહાનિ ટળી
ઘટનામાં કોઈ જાનહાનિ થયાની જાણ નથી, જે રાહતની બાબત છે. જોકે આગમાં ગોડાઉનમાં સંગ્રહિત મોટા પ્રમાણમાં સ્ક્રેપ અને અન્ય માલસામાનને ભારે નુકસાન પહોંચ્યું હોવાનું અનુમાન વ્યક્ત કરવામાં આવી રહ્યું છે. નુકસાનની ચોક્કસ રકમ અંગે હજુ અંદાજ લગાવવામાં આવી રહ્યો છે.
ફાયર વિભાગ દ્વારા તપાસ શરૂ
ફાયર વિભાગ દ્વારા આગ લાગવાનું ચોક્કસ કારણ જાણવા તપાસ શરૂ કરવામાં આવી છે. સાથે સાથે સ્થાનિક પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ અને કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે સુરક્ષા વ્યવસ્થા ગોઠવી હતી. આગની ઘટના બાદ સ્થાનિક તંત્ર દ્વારા ડમ્પિંગ સાઈટ અને ઔદ્યોગિક વિસ્તારમાં આગ નિવારણના પગલા વધુ મજબૂત કરવાની જરૂરિયાત પર ભાર મૂકવામાં આવી રહ્યો છે.
