Loading...

Bharuch: ગુજરાતની 5મી સૌથી લાંબી એરસ્ટ્રીપ, કાર્ગો-પેસેન્જર સેવાઓથી મળશે વિકાસની ઉડાન; કેવું હશે અંકલેશ્વર ગ્રીનફિલ્ડ એરપોર્ટ? 

અંકલેશ્વરના અમરતપુરા ગામ પાસે ગ્રીનફિલ્ડ એરપોર્ટનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે.

By: Purvalak DabhiEdited By: Purvalak Dabhi Publish Date: Fri 27 Mar 2026 12:31 PM (IST)Updated: Fri 27 Mar 2026 12:31 PM (IST)
ankleshwar-greenfield-airport-near-amaratpura-village-complete-information-716419
HIGHLIGHTS
  • અંકલેશ્વરમાં બનશે અત્યાધુનિક ગ્રીનફિલ્ડ એરપોર્ટ
  • અમરતપુરા ગામ પાસે અંદાજે 85 હેક્ટરમાં નિર્માણ
  • એરસ્ટ્રીપ બનીને તૈયાર, બીજા તબક્કાનું કામ થશે

Ankleshwar Greenfield Airport: કેન્દ્ર સરકારની 'ઉડાન 2.0' (UDAN 2.0) યોજના હેઠળ દેશભરમાં 100 નવા એરપોર્ટ બનાવવાની જાહેરાત કરવામાં આવી છે, જેમાં કેમિકલ હબ ગણાતા અંકલેશ્વરની પસંદગી થઈ છે. અંકલેશ્વરના અમરતપુરા ગામ પાસે અંદાજે 85 હેક્ટરમાં અત્યાધુનિક ગ્રીનફિલ્ડ એરપોર્ટનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે.

ગ્રીનફિલ્ડ એરપોર્ટ થકી વિકાસની ઉડાન  

ડોમેસ્ટિક એર કનેક્ટિવિટીને મજબૂત કરવાની પહેલ અંતર્ગત અંકલેશ્વર અને ભરૂચ વિસ્તાર માટે મહત્વપૂર્ણ એવા ગ્રીનફિલ્ડ એરપોર્ટ પ્રોજેક્ટની કામગીરી ખૂબ જ ઝડપથી આગળ વધી રહી છે. આ પ્રોજેક્ટના પ્રથમ તબક્કા અંતર્ગત રનવે બનાવવાનું કામ સફળતાપૂર્વક પૂર્ણ કરી દેવામાં આવ્યું છે, જે આગામી દિવસોમાં આ વિસ્તારમાં એક મૌલિક પરિવર્તન લાવશે.

અંકલેશ્વર ગ્રીનફિલ્ડ એરપોર્ટના નિર્માણનો બીજો તબક્કો પણ ટૂંક સમયમાં શરૂ થશે, જેમાં એર ટ્રાફિક કંટ્રોલ (ATC) ટાવર અને એરપોર્ટને લગતી અન્ય તમામ જરૂરી સુવિધાઓ વિકસાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. પ્રાપ્ત માહિતી અનુસાર, આ પ્રોજેક્ટ વર્ષ 2028 ના અંત સુધીમાં સંપૂર્ણ ઓપરેશનલ થઈ જવાની શક્યતા છે.

ગુજરાતની પાંચમી સૌથી લાંબી એરસ્ટ્રીપ 

અંકલેશ્વર ખાતે તબક્કાવાર રીતે બની રહેલા ગ્રીનફિલ્ડ એરપોર્ટ પ્રોજેક્ટના પ્રથમ તબક્કા અંતર્ગત એરસ્ટ્રીપ (રનવે) નિર્માણ કાર્ય લગભગ પૂર્ણ થઈ ગયું છે. ગુજરાત સરકારના માર્ગ અને મકાન વિભાગ દ્વારા NH-48 ની બાજુમાં આ એરસ્ટ્રીપ તૈયાર કરવામાં આવી છે. અંદાજે રૂપિયા 105 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવેલ આ નવી એરસ્ટ્રીપ 2,135 મીટર લાંબી અને 45 મીટર પહોળી છે, જે તેને ગુજરાતની પાંચમી સૌથી લાંબી એરસ્ટ્રીપ બનાવે છે.

કાર્ગો અને પેસેન્જર સેવાઓ થશે ઉપલબ્ધ

આગામી તબક્કામાં એર ટ્રાફિક કંટ્રોલ (ATC) ટાવર સહિતની અન્ય આવશ્યક ઈન્ફ્રાસ્ટ્રક્ચર સુવિધાઓ વિકસાવવામાં આવશે. ગ્રીનફિલ્ડ એરપોર્ટ કાર્યરત થતા કાર્ગો અને પેસેન્જર સેવાઓ શરૂ થશે. અહીં બોઇંગ (Boeing) કાર્ગો એરક્રાફ્ટના લેન્ડિંગ અને ટેક-ઓફ ટેસ્ટ કરવાનું આયોજન છે. આસપાસના વિસ્તારમાં ઊંચી ઇમારતો ન હોવાને કારણે વિમાનોની અવરજવર વધુ સુરક્ષિત અને સરળ બનશે.

ઉદ્યોગો-કનેક્ટિવિટીને મળશે નવો વેગ

નોંધનીય છે કે, ભરૂચ જિલ્લામાં એરસ્ટ્રીપ બનાવવાની યોજના સૌપ્રથમ વર્ષ 1993-94 માં જાહેર કરવામાં આવી હતી. પરંતુ 2022 માં વડાપ્રધાન મોદી દ્વારા આ પ્રોજેક્ટનો શિલાન્યાસ કરવામાં આવ્યા બાદ હવે તેનો પ્રથમ તબક્કો સાકાર થયો છે. હાલમાં, પ્રવાસીઓ ભરૂચ પહોંચવા માટે વડોદરા એરપોર્ટ અથવા સુરત એરપોર્ટનો ઉપયોગ કરે છે.

આ એરપોર્ટ શરૂ થવાથી ભરૂચ અને અંકલેશ્વરના ઔદ્યોગિક વિસ્તારોને પ્રાદેશિક તેમજ વૈશ્વિક કનેક્ટિવિટીનો સીધો લાભ મળશે. આ એરપોર્ટ કાર્યરત થતાંની સાથે જ કાર્ગો અને પેસેન્જર સેવાઓ શરૂ થશે, જેનાથી સ્થાનિક ઉદ્યોગોને મોટી સગવડ મળશે. સાથે જ આ પ્રોજેક્ટના અમલીકરણથી સ્થાનિક ઉદ્યોગો વિશ્વિક બજાર સાથે વધુ શ્રેષ્ઠ અને ઝડપી રીતે જોડાઈ શકશે.