Ahmedabad Plane Crash Tragedy: અમદાવાદમાં સર્જાયેલી ભયાનક પ્લેન ક્રેશ દુર્ઘટનાને આજે આખું એક વર્ષ પૂર્ણ થઈ ગયું છે. સમય વહી ગયો છે, પરંતુ પોતાના વહાલસોયા પુત્રને ગુમાવનાર ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના સારોઠ ગામના પટેલ પરિવારના આંસુ હજુ પણ સુકાયા નથી. ભાજપ અગ્રણી સલીમ ગદડુના યુવાન પુત્ર સાહિલના અકાળ અવસાનથી આખો પરિવાર આજે પણ ઘેરા શોકમાં ડૂબેલો છે.
લંડન જવા માટે ઘરેથી હસતા ચહેરે નીકળેલો 25 વર્ષનો સાહિલ હવે ક્યારેય પાછો નહીં આવે એ ક્રૂર સત્ય સ્વીકારવું પરિવાર માટે અસહ્ય બની ગયું છે. દુઃખની વાત એ છે કે, આટલી મોટી દુર્ઘટના છતાં પીડિત પરિવાર આજે પણ ન્યાય મેળવવા માટે દર-દર ભટકી રહ્યો છે.

પરિવારે લગાવ્યા ગંભીર આક્ષેપ
દુર્ઘટના બાદ એર ઈન્ડિયા અને ટાટા ગ્રુપના ઉચ્ચ અધિકારીઓએ પીડિત પરિવારની મુલાકાત લઈને મોટા-મોટા વાયદાઓ કર્યા હતા. પરંતુ એક વર્ષ વીતી જવા છતાં આ તમામ આશ્વાસનો પોકળ સાબિત થયાનો આક્ષેપ પરિવારે કર્યો.

ખુશીના માહોલમાંથી માતમની કાળી રાત
બહેન સાહિસ્તાએ રૂંધાયેલા ગળે અને આંસુ છલકાતી આંખો સાથે વિલાપ કરતા જણાવ્યું કે, તેણે કેટલાય હરખ અને અરમાનો સાથે પોતાના હાથે સાહિલની બેગ તૈયાર કરી હતી. આખો પરિવાર સાહિલને ખુશી-ખુશી લંડન જવા માટે વિદાય આપી રહ્યો હતો. પરંતુ નિયતિને કંઈક ઓર જ મંજૂર હતું. જે દીકરાને ઉજ્જવળ ભવિષ્ય માટે વિદાય આપ્યો હતો, તેનો મૃતદેહ ઘરે પરત આવશે તેવી કલ્પના પણ કોઈએ કરી નહોતી.
