જ્યોર્જિયામાં 16 દિવસથી ગુમ બાયડના વિદ્યાર્થીનો મૃતદેહ નદીમાંથી મળ્યો, પરિવારે હત્યાની આશંકા વ્યક્ત કરી

ભારે શોધખોળ બાદ બાયડના ગુમ વિદ્યાર્થીનો મૃતદેહ સ્થાનિક નદીમાંથી મળી આવ્યો હતો. 16 દિવસથી ગુમ ધ્વનિત રાજદીપનો મૃતદેહ મળ્યો હોવાના સમાચાર મળતા પરિવાર શોકમાં ગરકાવ થઇ ગયો છે.

By: Rakesh ShuklaEdited By:Rakesh ShuklaPublish Date: Sun, 31 May 2026 11:52 AM (IST)Updated: Sun, 31 May 2026 11:52 AM (IST)
nri-news-bayad-student-missing-for-16-days-in-georgia-found-dead-in-river

Aravalli News: યુરોપના જ્યોર્જિયામાં મેડિકલના અભ્યાસ અર્થે ગયેલો અરવલ્લી જિલ્લાના બાયડના આમોદરા ગામનો વિદ્યાર્થી છેલ્લા 16 દિવસથી ગુમ હતો. જેનો મૃતદેહ નદીમાંથી મળી આવતા પરિવાર શોકમાં ગરકાવ થઇ ગયો છે. પરિવાર દ્વારા યુવકની હત્યા કરવામાં આવી હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે.

બનાવની પ્રાપ્ત વિગત અનુસાર, બાયડ તાલકાના આમોદરા ગામનો પરિવાર છેલ્લા કેટલાક વર્ષોથી અમદાવાદના વિરાટનગરમાં સ્થાયી થયો છે. ડો. મયૂર રાજદીપનો પુત્ર ધ્વનિત રાજદીપ ઉચ્ચ અભ્યાસ અર્થે યુરોપના જ્યોર્જિયા ગયો હતો. જ્યોર્જિયા દેશની રાજધાની તબીલીસીમાં તે મેડિકલ કોલેજમાં અભ્યાસ કરતો હતો.

ધ્વનિત કાકેસસ ઇન્ટરનેશનલ યુનિવર્સિટીમાં એમ.બી.બી.એસના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતો હતો. ધ્વનિત રાજદીપ છેલ્લા 16 દિવસથી તે રહસ્યમય રીતે ગુમ થઇ ગયો હતો. લાપતા થયેલા ધ્વનિત રાજદીપની શોધખોળ હાથ ધરવામાં આવી હતી પરંતુ તેનો કોઇ પત્તો લાગ્યો ન હતો.

ભારે શોધખોળ બાદ તેનો મૃતદેહ સ્થાનિક નદીમાંથી મળી આવ્યો હતો. 16 દિવસથી ગુમ ધ્વનિત રાજદીપનો મૃતદેહ મળ્યો હોવાના સમાચાર મળતા પરિવાર શોકમાં ગરકાવ થઇ ગયો છે. વતનમાં પણ શોકની લાગણી ફેલાઇ છે. ધ્વનિતને મકાન માલિક તથા સાથે રહેતા અન્ય સાથીદારો દ્વારા માનસિક અને શારીરિક ત્રાસ આપવામાં આવતો હતો. તેને ઓરડામાં પૂરી રાખ્યો હોવાની ઘટના પણ બની હતી. તેની પાસેથી 6500 ડોલર પણ પડાવી લેવામાં આવ્યા હોવાના અને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી તેવા આક્ષેપો પરિવાર દ્વારા કરવામાં આવ્યા છે.