Aravalli: બાયડમાં ભાજપને મોટો ફટકો, સરપંચ અને ઉપસરપંચ સહિત 200થી વધુ આગેવાનો કોંગ્રેસમાં જોડાયા

જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અરૂણ પટેલના અધ્યક્ષસ્થાને કાર્યક્રમ યોજાયો હતો.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Fri, 10 Apr 2026 04:34 PM (IST)Updated: Fri, 10 Apr 2026 04:34 PM (IST)
bayad-bjp-leaders-join-congress-aravalli-news-defection
HIGHLIGHTS
  • બાયડ ભાજપમાં પડ્યું મોટું ગાબડું
  • સક્રિય કાર્યકર્તા કોંગ્રેસમાં જોડાયા
  • 200થી વધુ આગેવાનનો સમાવેશ

Bayad Taluka News: અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાના રાજકારણમાં મોટો ભૂકંપ આવ્યો છે. બાયડ તાલુકાના લાંક વિસ્તારમાં શાસક પક્ષ ભાજપને મોટો રાજકીય ફટકો પડ્યો છે. ભાજપની નીતિઓથી નારાજગી દર્શાવીને 200 થી વધુ સક્રિય કાર્યકર્તા અને સ્થાનિક આગેવાનોએ આજે કેસરિયો ત્યાગીને વિધિવત રીતે કોંગ્રેસનો હાથ પકડ્યો છે.

સરપંચ-ઉપસરપંચ સહિતના નેતાઓ જોડાયા

પ્રાપ્ત માહિતી અનુસાર, દેસાઈ પુરાકંપા ગ્રામ પંચાયતના સરપંચ કેશાજી ઠાકોર અને ડેપ્યુટી સરપંચ દિપેશભાઈ પટેલ સહિતના આગેવાનો કોંગ્રેસમાં જોડાયા છે. તેમની સાથે લાંકના પૂર્વ સરપંચ કાળુસિંહ ઝાલા અને અન્ય સ્થાનિક નેતાઓએ પણ પક્ષપલટો કરતા આ વિસ્તારમાં કોંગ્રેસનું સંગઠન વધુ મજબૂત બન્યું છે.

જનતાના પ્રશ્નો માટે લડવાની ખાતરી આપી

આ કાર્યક્રમ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અરૂણભાઈ પટેલના અધ્યક્ષસ્થાને યોજવામાં આવ્યો હતો. જેમાં બાયડના પૂર્વ ધારાસભ્ય જશુભાઈ પટેલ સહિતના કોંગ્રેસના સ્થાનિક અગ્રણીઓએ ભાજપમાંથી આવેલા તમામ નેતાઓ અને કાર્યકરોને કોંગ્રેસનો ખેસ પહેરાવીને ઉષ્માભેર સ્વાગત કર્યું હતું.

કોંગ્રેસમાં જોડાયેલી આ નવી ટીમ હવે સ્થાનિક જનતાના પડતર પ્રશ્નોના ઉકેલ માટે મજબૂતાઈથી લડત આપશે તેવી ખાતરી આપવામાં આવી છે. આ સામૂહિક પક્ષ પરિવર્તનને કારણે બાયડના સ્થાનિક રાજકારણમાં ભારે ગરમાવો આવી ગયો છે.