Loading...

ખંભાતની વિશિષ્ટ પરંપરા: ત્રણ ઉતરાયણનો અનોખો ઉત્સવ, દરિયાઈ ઉતરાયણ માટે ઉમટ્યા હજારો પતંગરસિકો

ઉત્સવ દરમિયાન નાગરિકોને કોઈ અગવડતા ન પડે તે માટે પ્રશાસન દ્વારા ખાણી-પીણીના સ્ટોલ, પાર્કિંગ વ્યવસ્થા, ટ્રાફિક નિયમન અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત સહિતની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.

By: Rakesh ShuklaEdited By: Rakesh Shukla Publish Date: Sun 18 Jan 2026 01:40 PM (IST)Updated: Sun 18 Jan 2026 01:40 PM (IST)
khambhats-unique-tradition-festival-of-three-uttarayans-draws-thousands-to-sea-shore-676001

Anand News: ખંભાત શહેર પોતાની અનોખી પરંપરા માટે સમગ્ર રાજ્યમાં ઓળખાય છે. અહીં ઉત્તરાયણ માત્ર એક દિવસ પૂરતી મર્યાદિત નથી, પરંતુ ઉત્તરાયણ, વાસી ઉત્તરાયણ અને દરિયાઈ ઉત્તરાયણ એમ ત્રણ અલગ-અલગ રીતે ઉજવવામાં આવે છે. ખાસ કરીને દરિયાઈ ઉત્તરાયણ ખંભાતની વિશિષ્ટ ઓળખ બની ગઈ છે. ભૂતકાળમાં પતંગ ઉત્પાદકો દ્વારા દરિયાકાંઠે પતંગ ચગાવવાની પરંપરા શરૂ થઈ હતી, જે સમય જતાં લોકઉત્સવમાં ફેરવાઈ ગઈ છે.

ઉતરાયણ પછીના પ્રથમ રવિવારે ઉજવાતી દરિયાઈ ઉત્તરાયણમાં રાજ્યભરમાંથી પતંગપ્રેમીઓ ઉમટી પડે છે. સવારથી શરૂ થતો આ ઉત્સવ રાત સુધી ચાલે છે અને અંતે દરિયાલાલને પતંગ પધરાવી ઉત્સવનું સમાપન કરવામાં આવે છે. અંદાજે 30 હજારથી વધુ લોકો દરિયાઈ પટ્ટી વિસ્તારમાં ભેગા થઈ પતંગોત્સવની મજા માણે છે. જિલ્લા કલેકટર, જિલ્લા પોલીસ વડા સહિતના ઉચ્ચ અધિકારીઓ પણ આ લોકોત્સવમાં હાજરી આપી ઉજવણીમાં જોડાય છે.

ઉત્સવ દરમિયાન નાગરિકોને કોઈ અગવડતા ન પડે તે માટે પ્રશાસન દ્વારા ખાણી-પીણીના સ્ટોલ, પાર્કિંગ વ્યવસ્થા, ટ્રાફિક નિયમન અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત સહિતની તમામ વ્યવસ્થાઓ સુચારુ રીતે ગોઠવવામાં આવી છે. આ તૈયારી અંતર્ગત નાયબ કલેકટર કુંજલ શાહ, મામલતદાર જયદેવભાઈ વાંક, પોલીસ ઇન્સ્પેક્ટર વિજયસિંહ ચૌહાણ અને પાલિકા પ્રમુખ દિગ્વિજયસિંહ પરમાર સહિતના અધિકારીઓએ દરિયાઈ વિસ્તારમાં નિરીક્ષણ કર્યું હતું.

પ્રશાસન દ્વારા આ વર્ષે પ્રથમવાર દરિયાઈ ઉત્તરાયણ નિમિત્તે દરિયાઈ અખાતમાં સ્ટેજ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ડી.જે. સહિત કલાકારો દ્વારા લાઇવ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરાશે, જેનો આનંદ લોકો લઈ શકશે.

પાલિકા પ્રમુખ દિગ્વિજયસિંહ પરમારે જણાવ્યું કે, પાલિકા દ્વારા નાગરિકો માટે તમામ સુવિધાઓ ઊભી કરાઈ છે તેમજ પતંગ ચગાવવા માટે અલગ અલગ જગ્યાએ વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે ખંભાતમાં પતંગ વ્યવસાય છેલ્લા 100 વર્ષથી ચાલી રહ્યો છે. ખંભાતી પતંગો દેશ-વિદેશમાં પ્રસિદ્ધ છે. દર વર્ષે 5 કરોડ રૂપિયાથી વધુનો વ્યવસાય થાય છે, જેમાં 200થી વધુ પરિવારો અને 3 હજારથી વધુ કારીગરો જોડાયેલા છે. છેલ્લા બે દાયકાથી સમગ્ર રાજ્ય અને વિદેશમાંથી, જેમાં 2 હજારથી વધુ એનઆરઆઇ પતંગરસિકો પણ સામેલ થાય છે, દરિયાઈ ઉતરાયણમાં ભાગ લઈ ખંભાતની આ અનોખી પરંપરાને જીવંત રાખે છે.