Aravalli Range Dispute: જન આક્રોશ યાત્રા દરમિયાન કોંગ્રેસ પ્રદેશ પ્રમુખે અરવલ્લી ગીરીમાળાને લઇને ચાલી રહેલા વિવાદ અંગે નિવેદન આપ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, અરવલ્લી ગીરીમાળા એ સદીઓથી આ પ્રકૃતિનું જતન કરે છે. જમીનમાં જે પાણી રિચાર્જ થાય છે એનો મુખ્ય સ્ત્રોત છે, પર્યાવરણને જાળવે છે. અરવલ્લીની ગીરીમાળાના હિસ્સાને ખનન માફિયાઓ લૂંટીને લઈ જવાના છે ત્યારે તેની સામે "અરવલ્લી બચાવો અભિયાન" થકી કોંગ્રેસ છેલ્લી નિર્ણાયક લડાઈ લડશે.
અરવલ્લીની ગીરીમાળા ધાર્મિક આસ્થા જોડાયેલી
કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ જણાવ્યું હતું કે અરવલ્લીની ગીરીમાળા એ કોઈ ખાલી પર્વત નથી. દિલ્હી NCR થી શરૂ કરીને ગુજરાત સુધી આખી જે ગીરીમાળા છે એ સદીઓથી આ પ્રકૃતિનું જતન કરે છે. જમીનમાં જે પાણી રિચાર્જ થાય છે એનો મુખ્ય સ્ત્રોત છે, પર્યાવરણને જાળવે છે, અનેક લોકોની જિંદગીઓને ખુશહાલ કરવાનું કામ આ પવિત્ર ગીરીમાળાના માધ્યમથી થયું છે. લોકોની ધાર્મિક આસ્થા જોડાયેલી છે. જળ, જંગલ અને જમીનના મૂળ નિવાસી આદિવાસી સમાજે તેનું જતન કર્યું છે.
'અરવલ્લી બચાવો' અભિયાનની શરૂઆત કરીશું
તેમણે જણાવ્યું કે, આજે બેફામ રીતે ખનન કરી શકાય, કુદરતી સંપત્તિની લૂંટ ચલાવી શકાય એટલા માટે ક્યાંક કોર્ટોમાં સરકારના રિપોર્ટના આધારે જે તેની ડેફિનેશન (વ્યાખ્યા) બદલાઈ છે, જે ઉંચાઈના ધોરણો બદલાયા છે તેના કારણે જો નામદાર કોર્ટ એ નિર્ણય પાછો નહીં ખેંચે, એમાં સરકાર પોતે આગળ વધીને નિર્ણય પાછો નહીં ખેંચાવે તો પ્રકૃતિ નાશ થઈ જવાની છે. કોંગ્રેસ પાર્ટી તમામ જે અરવલ્લી અમારો જિલ્લો છે, સાબરકાંઠા જિલ્લો છે, બનાસકાંઠા જિલ્લો છે એ વિસ્તારમાં 'અરવલ્લી બચાવો' અભિયાનની અમે શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. કોંગ્રેસ પાર્ટીનો એક-એક કાર્યકર અરવલ્લી બચાવવાના અભિયાનમાં છેલ્લી નિર્ણાયક લડાઈ લડવા માટે તૈયાર છે.
અરવલ્લી પર્વતમાળા અંગેની શું છે નવી વ્યાખ્યા
સુપ્રીમ કોર્ટે 20 નવેમ્બર, 2025ના રોજ આપેલા ઐતિહાસિક ચુકાદામાં, પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રાલય (MoEF&CC)ની આગેવાની હેઠળની ઉચ્ચ સ્તરીય સમિતિની ભલામણોને સ્વીકારી છે. આ સમિતિમાં દિલ્હી, હરિયાણા, રાજસ્થાન અને ગુજરાતના પ્રતિનિધિઓ તેમજ ફોરેસ્ટ સર્વે ઓફ ઇન્ડિયા અને જીઓલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયા જેવી તકનીકી સંસ્થાઓ શામેલ હતી. આ સમિતિની નવી વ્યાખ્યા મુજબ 100 મીટર કે તેથી ઉંચી ટેકરીઓને જ અરવલ્લી પર્વતમાળા માનવામાં આવશે. જોકે તેનો વિરોધ થયો છે. પર્યાવરણવાદીઓ અને નિષ્ણાતો દ્વારા ચિંતા વ્યક્ત કરવામાં આવી છેકે અરવલ્લીનો મોટો હિસ્સો કાયદાકીય સંરક્ષણથી બહાર જઇ જશે.
કેન્દ્રીય પર્યાવરણમંત્રી ભૂપેન્દ્ર યાદવે શું કરી હતી સ્પષ્ટતા
કેન્દ્રીય પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર યાદવે અરવલ્લી પર્વતમાળાના સંરક્ષણ અંગે સુપ્રીમ કોર્ટના નિર્ણય વિશે ફેલાતી અફવાઓનું ખંડન કર્યું છે. તેમણે સ્પષ્ટતા કરી કે સરકારે હંમેશા આ પ્રાચીન પર્વતમાળાના રક્ષણને પ્રાધાન્ય આપ્યું છે. સુપ્રીમ કોર્ટે દિલ્હી, ગુજરાત અને રાજસ્થાનમાં અરવલ્લીનું વૈજ્ઞાનિક રીતે રક્ષણ કરવા નિર્દેશ આપ્યો છે અને ગંભીર જરૂરિયાત સિવાય નવા ખાણકામ લીઝ આપવા પર પ્રતિબંધ મૂક્યો છે, જે તેના ફકરા 38માં દર્શાવેલ છે.
મંત્રીએ 100-મીટર ઊંચાઈના નિયમ અંગેની ખોટી માહિતીને સુધારીને જણાવ્યું કે સંરક્ષણ પાયાથી શરૂ થાય છે, ટોચથી નહીં, અને દિલ્હી-એનસીઆર ક્ષેત્રમાં કોઈ ખાણકામની મંજૂરી નથી. અરવલ્લી શ્રેણી, જેમાં 20 વન્યજીવન અભયારણ્ય અને ચાર વાઘ અનામત છે, તેનું પર્યાવરણીય મહત્વ અત્યંત ઊંચું છે. આ સાથે, ભારતીય વન સર્વેક્ષણે અરવલ્લીમાં ચાલતી ખાણકામ પ્રવૃત્તિઓને તાત્કાલિક બંધ કરવાની ભલામણ કરી છે કારણ કે તે વિનાશનું કારણ બની રહી છે.
ગુજરાત સરકારના પર્યાવરણમંત્રીએ શું કહ્યું
પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાએ સ્પષ્ટતા કરી છે કે અરવલ્લી ગીરીમાળા સંબંધિત વિવાદ ગુજરાત માટે કોઈ ખતરો નથી, કારણ કે રાજ્યમાં અરવલ્લીના વિસ્તારોમાં કોઈપણ પ્રકારના ખાણકામની મંજૂરી આપવાનો પ્રશ્ન જ ઊભો થતો નથી. સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ ગુજરાત સરકાર અરવલ્લી પહાડીઓની નવી વ્યાખ્યા અને સંરક્ષણના તમામ પાસાઓનો અમલ કરી રહી છે. જે મુજબ, સ્થાનિક ભૂતળથી 100 મીટર કે તેથી વધુ ઊંચાઈ ધરાવતા તમામ ભૂ-આકારોને 'પર્વત' તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવ્યા છે, જેથી કોઈ કાયદાકીય છટકબારી ન રહે. આ ઉપરાંત, 100 મીટરથી વધુ ઊંચાઈ ધરાવતા બે અથવા વધુ પર્વતોની વચ્ચેના 500 મીટર સુધીના તમામ વિસ્તારને પણ અરવલ્લી પર્વતમાળાનો જ ભાગ ગણવામાં આવશે.
