Loading...

Anand News: સુંદલપુરા-લાલપુરા માર્ગ પર ભારે અને મધ્યમ વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ, વૈકલ્પિક રૂટ જાહેર

વાહનચાલકોને અવરજવર માટે વૈકલ્પિક વ્યવસ્થાના ભાગરૂપે આપવામાં આવેલ ડાયવર્ઝન રૂટનો ઉપયોગ કરવા અપીલ કરવામાં આવી છે.

By: Rakesh ShuklaEdited By: Rakesh Shukla Publish Date: Tue 27 Jan 2026 06:23 PM (IST)Updated: Tue 27 Jan 2026 06:23 PM (IST)
anand-news-heavy-and-medium-vehicles-banned-on-sundalpura-lalpura-road-alternate-route-announced-680860

Anand News: આણંદ જિલ્લાના સુંદલપુરા-લાલપુરા માર્ગ પર ચાલી રહેલી રોડ રીસરફેસીંગની કામગીરીને ધ્યાનમાં રાખીને, વાહનચાલકોની સલામતી સુનિશ્ચિત કરવા માટે મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. આણંદના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ ઋતુરાજ દેસાઈ દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરીને આ માર્ગ પરથી પસાર થતા ભારે તથા મધ્યમ વાહનોના અવરજવર પર તાત્કાલિક અસરથી પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

આ પ્રતિબંધ આગામી તા. 15 ફેબ્રુઆરી, 2026 સુધી અમલમાં રહેશે. કાર્યપાલક ઇજનેર, માર્ગ અને મકાન (પંચાયત) વિભાગ, આણંદ હસ્તકના સુંદલપુરા-લાલપુરા રોડ પર રીસરફેસીંગની કામગીરી પ્રગતિમાં હોવાથી, સલામતીના હેતુથી આ નિર્ણય કરવામાં આવ્યો છે. વાહનચાલકોને અવરજવર માટે વૈકલ્પિક વ્યવસ્થાના ભાગરૂપે આપવામાં આવેલ ડાયવર્ઝન રૂટનો ઉપયોગ કરવા અપીલ કરવામાં આવી છે.

વૈકલ્પિક ડાયવર્ઝન રૂટની વિગતો

વાહનચાલકોની સુવિધા માટે નીચે મુજબના વૈકલ્પિક માર્ગો સૂચવવામાં આવ્યા છે.

  • લાલપુરા ચેકપોસ્ટથી સુંદલપુરા તરફ જતા વાહનો માટે: ભારે તથા મધ્યમ વાહનો લાલપુરા ચેકપોસ્ટથી અહીમા ત્રણ રસ્તા થઈ, બાજીપુરા થઈ, ભરોડાવાળા રોડ ઉપરથી સુરેલી ચોકડી તરફ જઈ શકશે.
  • ઉમરેઠથી લાલપુરા ચેકપોસ્ટ તરફ જતા વાહનો માટે: ભારે તથા મધ્યમ વાહનો સુરેલી ચોકડી થઈ, ભરોડાવાળા રોડ ઉપરથી બાજીપુરા થઈ, અહીમા ત્રણ રસ્તા થઈ લાલપુરા ચેકપોસ્ટ રોડ તરફ જઈ શકશે.

આણંદના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા તેમને મળેલ સત્તાની રૂએ જાહેરનામા દ્વારા આ હુકમ ફરમાવવામાં આવ્યો છે. જાહેરનામાનો ભંગ કરનાર કોઈપણ વ્યક્તિ ગુજરાત પોલીસ અધિનિયમ-1951ની કલમ-131 હેઠળ શિક્ષાને પાત્ર થશે. વાહનચાલકોને સૂચિત વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરીને સહકાર આપવા વિનંતી કરવામાં આવી છે.